જીવલેણ કોરોનાવાઈરસનો હાહાકારઃ ચેપગ્રસ્ત ૧૫ બ્રિટિશ દર્દીની શોધખોળ

Wednesday 12th February 2020 02:47 EST
 
 

લંડનઃ બ્રિટનમાં જીવલેણ કોરોનાવાઈરસથી ચેપગ્રસ્ત બે ડોક્ટરની સારવાર મેળવતા ઓછામાં ઓછાં ૧૫ દર્દીની યુદ્ધના ધોરણે શોધખોળ ચાલી રહી છે. એમ કહેવાય છે કે બ્રાઈટનના આ ડોક્ટરો સહિત ૧૧ બ્રિટિશરને બ્રાઈટનના ‘સુપર-સ્પ્રેડર’ સ્કાઉટ માસ્ટર બિઝનેસમેન સ્ટીફન વોલ્શ થકી ચેપ લાગ્યો હતો. હવે આ દર્દીઓ વધુ સેંકડો લોકોને ચેપગ્રસ્ત બનાવી શકે તેવી શંકા છે. ચીનના વુહાનથી ફેલાયેલા કોરોનાવાઈરસના કારણે વિશ્વમાં મોતનો આંકડો ૧,૦૦૦થી પણ વધી ગયો છે. દરમિયાન, યુકેના હેલ્થ વર્કર્સે ૧૧૦૦થી વધુ લોકોનું વાઈરસ સંબંધે પરીક્ષણ કરેલું છે અને બ્રિટિશ એરવેઝની ચીન જતી અને આવતી ફ્લાઈટ્સ એપ્રિલ સુધી રદ કરી દેવાઈ છે.

પબ્લિક હેલ્થ સત્તાવાળાઓ દ્વારા બે ડોક્ટરની સર્જરીઝ બંધ કરી દેવાઈ છે અને વાઈરસના ચેપ ફેલાયાની શંકાએ તાકીદના ધોરણે તેમના દર્દીઓની શોધ આરંભી છે. બ્રાઈટનના બે ડોક્ટર ફ્રેન્ચ શેલેથી પાછા આવ્યા બાદ ઓછામાં ઓછાં ૧૫ પેશન્ટના સંપર્કમાં આવ્યા હોવાનું NHSના સૂત્રોએ જણાવ્યું હતું. એક ડોક્ટર કા્ર્ડન હિલ પરના કાઉન્ટી ઓક મેડિકલ સેન્ટરમાં પ્રેક્ટિસ કરતા હતા. સર્જરીના ૭૬૦૦ પેશન્ટ્સને ચેપના લક્ષણો જણાય તો તત્કાળ NHS 111નો સંપર્ક સાધવા જણાવાયું છે. બીજી તરફ, વ્હાઈટહોલના સૂત્રોએ જણાવ્યું છે કે મોટી સંખ્યામાં કેસને નિહાળતા સેંકડો લોકો પર વાઈરસના ચેપનું પરીક્ષણ કરવાનું થશે.

‘સુપર-સ્પ્રેડર’ ગણાયેલા બિઝનેસમેન સ્ટીફન વોલ્શને સિંગાપોરની કોન્ફરન્સ દરમિયાન વાઈરસનો ચેપ લાગ્યો હોવાનું મનાય છે. તે સ્કીઈંગ હોલીડે માટે ફ્રાન્સ ગયો હતો જ્યાં, તેણે સાત બ્રિટિશરને ચેપ લગાવ્યો હોવાનું મનાય છે. છ બ્રિટિશરની ફ્રાન્સ અને સ્પેનમાં સારવાર ચાલી રહી છે જ્યારે બે જીપી સહિત પાંચ બ્રિટિશર યુકેના બ્રાઈટન પરત આવ્યા હતા. સ્ટીફન વોલ્શ જે ઈઝીજેટ ફ્લાઈટમાં જીનિવાથી લંડન આવ્યો હતો તેના ૧૮૩ પ્રવાસી અને છ કર્મચારીનો સંપર્ક કરી તેમને ચેપ લાગી શકે તેવી ચેતવણી આપી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા જણાવાયું છે કે નાની સંખ્યામાં પણ ચેપગ્રસ્ત દર્દી જેવો તણખો મોટી આગમાં ફેરવાઈ શકે છે. જે લોકો ચીન ગયા ન હોય તેમના દ્વારા પણ ચેપ ફેલાય તે ખરેખર ચિંતાજનક છે.

પબ્લિક હેલ્થ સત્તાવાળા પણ સ્કી હોલીડે પર ચેપ લાગેલા બ્રિટિશરોના સંપર્કમાં આવેલા કોઈ પણ વ્યક્તિને શોધવા પ્રયાસ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ચેપગ્રસ્ત વ્યક્તિની સાથે બે મીટરના અંતરે પણ ૨૦ મિનિટથી વધુ સમય ગાળ્યો હોય તેમને પણ ચેપ લાગવાનું જોખમ રહે છે. શાળાઓમાં હાફ-ટર્મ વેકેશન આવી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને સાઉ-ઈસ્ટ એશિયાનો પ્રવાસ નહિ કરવા સલાહ અપાઈ છે.

                                     શંકાસ્પદ પેશન્ટ્સને બળપૂર્વક ક્વોરેન્ટાઈનમાં રખાશે

શંકાસ્પદ કોરોનાવાઈરસ પેશન્ટ્સની અટકાયત કરી તેમને બળપૂર્વક ક્વોરેન્ટાઈનમાં રાખી શકાય તેવી સત્તા સરકારે હાથમાં લીધી છે. બે સપ્તાહ અગાઉ વુહાનથી પરત લાવી આઈસોલેશન ફેસિલિટીમાં રખાયેલા એક દર્દીએ ત્યાંથી ભાગી જવાની ધમકી આપ્યાના પગલે સરકારે આ પગલાંની જાહેરાત કરી છે.

એરો પાર્ક હોસ્પિટલમાં રખાયેલા પુરુષ દર્દીએ ક્વોરેન્ટાઈનમાં રાખવાના ૧૪ દિવસ પૂર્ણ થાય તે પહેલા જ ચાલ્યા જવાની ધમકી ડોક્ટરો સમક્ષ ઉચ્ચારી હતી. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે જાન્યુઆરી ૩૧મીએ ઈવેક્યુએશન ફ્લાઈટ્સમાં યુકે પરત આવેલા લોકોને પસંદગીની સ્પષ્ટ તક અપાઈ હતી અને તેઓ એક પખવાડિયું અલગ રહેશે તેવા કોન્ટ્રાક્ટસ પર સહીઓ પણ કરાવાઈ હતી.

હેલ્થ ડિપાર્ટમેન્ટે કોરોનાવાઈરસ રોગચાળાને બ્રિટિશ જનતા માટે ગંભીર જોખમ ગણાવી તેને ફેલાતો અટકાવવા વિશેષ સત્તા હાથ લીધી છે. વાયરસનો ચેપ ધરાવતી કોઈ પણ વ્યક્તિને તેમની પોતાની સલામતી માટે ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે અને જો તેઓ જાહેર આરોગ્ય માટે ભયજનક લાગશે તો બળપૂર્વક અલગ (આઈસોલેશન) રાખી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter