શિયાળાની ઠંડીના દિવસોના આગમન સાથે જ ડાયાબિટીસ, હાઈ બીપી, હાર્ટ અને થાઇરોઇડ જેવી બીમારીઓથી ઝઝૂમી રહેલા લોકોમાં આરોગ્ય પર જોખમ વધવા લાગે છે. નિષ્ણાતોના મતે ઠંડીમાં શરીરની બ્લડ વેસલ્સ સંકોચાઇ જાય છે, જેને વેસોકોન્સ્ટ્રિક્શન કહેવામાં આવે છે. તેનાથી બલ્ડ પ્રેશર અને હાર્ટ રેટ વધી જાય છે. આ ઓછું હોય તેમ ઠંડીના કારણે ઓછું પાણી પીવાથી અને ઓછી શારીરિક ગતિવિધિના કારણે બલ્ડ શુગર અસ્થિર થઇ જાય છે. ઠંડીમાં બહારની અવરજવર ઘટે છે અને ઘરમાં વધુ સમય વિતાવવાથી શારીરિક સક્રિયતા ઘટે છે, જેનાથી શરીરમાં બ્લડ શુગર વધવાનું જોખમ રહે છે. આવો, આજે આપણે જાણીએ શિયાળામાં કઇ આદતોથી રાહત મળી શકે છે.
હેલ્ધી ડાયટ હેબિટ્સ
દરરોજના ભોજનમાં ઘઉંની રોટલી જેવા ઉચ્ચ ગ્લાયસેમિક ઈન્ડેક્સ (જીઆઈ) ખોરાક ખાવાને બદલે, બાજરી અને જુવારની રોટલી, મગ, ચણા અને દાળ સાથે વૈકલ્પિક સાપ્તાહિક ભોજન લો. હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ ધરાવતા લોકોએ આહારમાં ઓછા મીઠાવાળા, હળવા ખોરાક, ઓમેગા-3 ફેટી એસિડ જેવા કે ખોરાકનો સમાવેશ કરવો.
દરરોજ ચાલો અને પૂરતી ઊંઘ લો
શિયાળામાં સૌથી વધુ જોખમ ઇમ્યુનિટી ઘટવાનું હોય છે, અને ઇમ્યુનિટી ઘટે છે ત્યારે સ્વાભાવિક પણ શરીરમાં બીમારી પણ વધવાની. આ સ્થિતિ નિવારવા માટે દિવસની શરૂઆત હળવા સ્ટ્રેચિંગથી કરો અને ધીમે ધીમે તમારી દિનચર્યામાં 30-45 મિનિટની ઝડપી ચાલ ઉમેરો. 8 કલાકની ઊંઘ, 2-2.5 લિટર પાણી, આમળા અને નારંગી જેવા પાણી વિટામિન સીથી ભરપૂર ખોરાક અને સવારે 10-15 મિનિટ સૂર્યપ્રકાશમાં રહેવું જરૂરી છે. આ બધા પરિબળો ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે.
આ કાળજી અવશ્ય રાખો...
જો ડાયાબિટીસ હોય તો...
• ખાસ સાવધાની જરૂરી છે. ખાંડ ખાવાની મનાઇ છે એટલા માટે ગોળથી બનેલા પૌષ્ટિક વ્યંજનો ખાવાનું શરૂ કરી દેવું મજા તો કરાવી દેશે, પરંતુ તમારા આરોગ્ય માટે હેલ્ધી નથી. વાસ્તવમાં તેમાં વધુ કેલેરી હોય છે.
• શિયાળામાં ઇન્સ્યુલિનમાં ઝડપભેર વધઘટ થઇ શકે છે. આથી ભોજન ક્યારેય સ્કીપ ન કરો અને રોજ શુગર લેવલ ચેક કરો. શારીરિક સક્રિયતા જાળવો.
જો બીપી, કોલેસ્ટ્રોલ કે હૃદયની બીમારી હોય...
• શરીરનું સ્વસ્થ તાપમાન જાળવવા માટે, ત્રણ સ્તરના કપડાં પહેરો. અંદરથી સુતરાઉ, બહારથી ઊનના કપડાં અને ઉપરથી પવનરોધક જેકેટ.
• તળેલા અને ભારે ખોરાકથી તો દૂર જ રહો.
• ઠંડીમાં તરસ ઓછી લાગે છે, પરંતુ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ ખાસ કરીને હાઈડ્રેટેડ રહેવાની જરૂર છે. હુંફાળું પાણી, હર્બલ ટી વગેરે પીવો.
જો થાઈરોઈડ હોય તો..
• થાઈરોઈડના દર્દીઓ ઘણી વાર શિયાળા દરમિયાન દવા લેવામાં મોડું કરે છે. આવી ચૂક ટાળો. દવા દરરોજ નિયમિત સમયે અને ખાલી પેટ જ લેવી જોઈએ.
• દવા લીધા પછી ઓછામાં ઓછા 45 મિનિટ પછી ચા/કોફી પીવો.
• નિયમિતપણે હળવી કસરત કરો. તન અને મન તરોતાજા રહેશે.


