ટાલિયા પુરુષોના માથે હૃદયરોગનું જોખમ ત્રણ ગણું વધુ

સદાબહાર સ્વાસ્થ્ય

Thursday 31st May 2018 06:49 EDT
 
 

પુરુષોના માથે ટાલ હોવી એ કંઈ નવી નવાઇની વાત નથી. મોટા ભાગે પુરુષોને લમણાની બન્ને બાજુથી અંદર તરફ યુ-શેપ જેવી ટાલ ઊપસી આવતી હોય છે જેને ફ્રન્ટલ બાલ્ડનેસ તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય ટાલનો એક બીજો પ્રકાર એવો છે જેમાં માથાની વચ્ચોવચ ગોળાકારે ટાલ પડી જાય છે. માથા પર બધે જ વાળ હોય અને માથાની વચ્ચોવચ સાવ ટાલ પડી હોય તેવું પણ ઘણા પુરુષોમાં જોવા મળે છે. આ અલગ-અલગ પ્રકારની ટાલ કોઈ ખાસ વસ્તુની સૂચક હોઈ શકે છે. આપણે શરીરને જુદાં-જુદાં અંગના સ્વરૂપમાં નહીં, પણ એક સમગ્ર તત્વના સ્વરૂપમાં જોઈએ તો એક અંગમાં કોઈ પ્રકારની અડચણ કોઈ બીજા અંગ સાથે પણ સંબંધિત હોઈ શકે છે.

સમગ્ર દુનિયામાં વર્ષોથી બાલ્ડનેસ એટલે કે ટાલ પડવાના કારણ પર સંશોધન ચાલી રહ્યાં છે અને ઊંડા સંશોધન પછી જે સાબિત થઈ રહ્યું છે એ છે કે ટાલને અને હૃદયરોગને સીધો સંબંધ છે. કઈ રીતે આ બન્ને વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે એ વિશે થોડુંક વિગતવાર સમજીએ.

વર્ષોથી થઇ રહેલાં આ વિષય પરનાં અઢળક સંશોધનોનો સાર જાણીએ તો માથે ટાલ હોય અને કોલેસ્ટરોલનો પ્રોબ્લેમ હોય એવા પુરુષ પર હૃદયરોગ થવાનું રિસ્ક ત્રણ ગણું વધારે રહે છે. જો પુરુષનું બ્લડ-પ્રેશર વધારે રહેતું હોય અને તેના માથે ટાલ હોય તો હૃદયરોગનું રિસ્ક ૮૦ ટકા જેટલું વધારે થઈ જાય છે. ટાલમાં પણ જે લોકોને માથાની મધ્ય ભાગમાં ટાલ હોય એ લોકો પર જ હૃદયરોગનું રિસ્ક વધુ રહે છે. જે લોકોને આગળના ભાગમાં ટાલ હોય તેની સાથે હૃદયરોગને ઓછો સંબંધ છે.

વળી ટાલની સમસ્યા એવી છે કે જેટલી વધારે હોય એટલું હાર્ટ-રિસ્ક વધુ રહે છે. જેટલી વાળ ખરવાની સમસ્યા ઓછી એટલું રિસ્ક ઓછું. આ પ્રકારનાં યુરોપ અને અમેરિકાનાં પાંચ-છ સંશોધનને ભેગાં કરીને તેના તારણોનો અભ્યાસ કરીને જપાનના સંશોધકો પણ આ જ તારણ પર આવ્યા છે. ૩૬,૯૯૦ પુરુષોને લઈને થયેલા આ સંશોધનમાં પણ એ જ બાબત પર મહત્વ અપાયું કે જે પુરુષોને માથાની મધ્યમાં ટાલ છે તેમના પર હૃદયરોગનું રિસ્ક ખૂબ વધી જાય છે. હવે આ તથ્ય પાછળનું વૈજ્ઞાનિક પ્રમાણ શું છે એ જાણીએ.

ટેસ્ટોસ્ટેરોન

પુરુષોના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોન હોય છે. ટાલ અને હૃદયરોગ બન્ને આ હોર્મોન વધી જવાના કારણે થતી જુદી-જુદી તકલીફો છે. જ્યારે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની સંખ્યા વધે છે ત્યારે એથરોસ્ક્લેરોસિસ થવાનું રિસ્ક પણ ઘણું વધી જાય છે. એમાં લોહીની નળીઓ સખત બની જાય છે, જેના કારણે બ્લડ-ક્લોટિંગની સમસ્યા સર્જાઈ શકે છે. માથા પર જ્યાં વાળ ઊગેલા છે તે તાળવે પુરુષના હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનાં ઘણાં રિસેપ્ટર આવેલાં છે. જ્યારે હોર્મોન્સ વધી જાય અને લોહીની નળીઓ સખત બને કે ક્લોટ આવે ત્યારે આ પરિસ્થિતિમાં વાળ સુધી લોહી બરાબર ન પહોંચતું હોવાથી વ્યક્તિને ટાલ પડે છે અને આ જ પ્રક્રિયા જ્યારે હાર્ટને અસર કરે ત્યારે હાર્ટ-અટેક આવે છે. આમ શરીરમાં હોર્મોન્સ વધી જવાથી ઉદ્ભવતી પરિસ્થિતિ સરખી છે. જો એ માથા પર અસર કરે તો ટાલ પડે અને હૃદયને અસર કરે તો અટેક આવે.

ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ

ઘણા લોકો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને ડાયાબિટીસને એક જ ગણે છે. આ બન્ને એક વસ્તુ નથી. બ્લડમાં શુગર હોવી એને ડાયાબિટીસ કહે છે, જ્યારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એક હોર્મોનલ પ્રોબ્લેમ છે. લોહીમાં જે શુગર છે એને દરેક કોષ સુધી પહોંચાડવા માટે આપણને ઇન્સ્યુલિન નામના હોર્મોનની જરૂર પડે છે. જ્યારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ શરીરમાં ડેવલપ થાય ત્યારે લોહીમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ખૂબ વધી જાય છે. પરંતુ એ ઇન્સ્યુલિન કોષોને શુગર પહોંચાડવાના કામમાં આવતું નથી, જેને લીધે લોહીમાં શુગરનું પ્રમાણ પણ વધી જાય છે અને કોષોને જરૂરી એવી શુગર પણ મળતી નથી. આ પરિસ્થિતિમાં લોહીની નસો અંદરથી ડેમેજ થાય છે, જેને રિપેર કરવાનું કામ કોલેસ્ટરોલ શરૂ કરે છે. આ ડેમેજ થયેલા ભાગમાં કોલેસ્ટરોલ જો જરૂર કરતાં વધુ પ્રમાણમાં ભરાઈ જાય તો બ્લોકેજ થઈ શકે છે. આ બ્લોકેજ માથાના તાળવે ટાલ થઈને બહાર આવે છે અને હૃદયમાં કોરોનરી આર્ટરી ડિસીઝ સ્વરૂપે બહાર આવે છે.

વંશાનુગત પણ હોય શકે

ટાલ અને હાર્ટ-ડિસીઝ બન્નેમાં વધુ એક સામ્ય એ છે કે આ બન્ને પ્રોબ્લેમ વંશાનુગત આવી શકે છે. મતલબ કે જો પિતા કે દાદાને અથવા મામા કે નાનાને ટાલ હોય તો છોકરાને પણ ટાલ આવી શકે છે. એ જ રીતે હાર્ટ-ડિસીઝ પણ ઘરમાં કોઈને હોય તો વ્યક્તિને થઈ શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જો તમને ટાલ હોય અને તમારા ઘરમાં હાર્ટ-ડિસીઝની હિસ્ટરી હોય તો વ્યક્તિને હાર્ટ-ડિસીઝ થવાની શક્યતા ઘણી વધી જાય છે. આ પરિસ્થિતિમાં સાવધાની ખૂબ જરૂરી છે.

કેવી સાવચેતી જરૂરી?

આટઆટલાં રિસર્ચ છતાં પણ બાલ્ડનેસ અને હાર્ટ-ડિસીઝ વચ્ચે રિલેશન છે જ એવું ૧૦૦ ટકા નિવેદન કરી શકાય નહીં. આપણે જ્યારે સાવચેતીની વાત કરીએ છીએ ત્યારે આ પ્રકારનાં રિસર્ચ ઘણાં મદદગાર થઈ શકે છે. આ સાવચેતી બાબતે તબીબી નિષ્ણાતો કહે છે કે ટાલની તકલીફ મોટા ભાગે ૩૦ વર્ષની ઉંમરથી શરૂ થઈ જાય છે. ટાલ છે એટલે અટેક આવશે જ એવું માનીને ગભરાઈ જવાને બદલે જો ટાલ હોય તો રેગ્યુલર ચેક-અપ કરાવતા રહેવું જોઈએ. ખાસ કરીને ટાલની સાથે-સાથે બ્લડ-પ્રેશર કે કોલેસ્ટરોલ અથવા ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય તો વધુ સાવધાની રાખવાની જરૂર છે.

જો માથે ટાલ હોય અને સેન્ટ્રલ ઓબેસિટી એટલે કે ફાંદનો પણ પ્રોબ્લેમ હોય તો પણ હાર્ટ-ડિસીઝનું રિસ્ક વધુ હોય છે. આમ જે વ્યક્તિને ટાલ હોય તેણે ડાયટ, એક્સરસાઇઝ, નિયમિતતા, સારી ઊંઘ આ બધી બાબતોની કાળજી રાખીને કોલેસ્ટરોલ, બ્લડ-પ્રેશર, ડાયાબિટીસ અને ઓબેસિટીથી બચવાના પૂરા પ્રયાસ કરવા જોઈએ. રેગ્યુલર ચેક-અપ કરાવતા રહેવું જોઈએ. ગફલતમાં રહેવું ભારે પડી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter