ટુથપેસ્ટ લગાવતાં પહેલાં બ્રશને ભીનું કરવાની પદ્ધતિ તદ્દન ખોટીઃ ડો. સાહિલ પટેલ

Sunday 16th July 2023 05:45 EDT
 
 

લંડનઃ આપણને સવારે અને રાત્રે તેમજ જમ્યા પછી બ્રશથી દાંત સાફ કરવાની સલાહ નાનપણથી અપાય છે અને આપણે દરરોજ આમ કરીએ પણ છીએ. જોકે, ડેન્ટિસ્ટ ડો. સાહિલ પટેલ કહે છે કે લાખો-કરોડો લોકો બ્રશથી દાંતની સફાઈ તો કરતા હોય છે, પરંતુ તેમની રીત કે પદ્ધતિ ખોટી હોય છે. તેઓ કહે છે કે બ્રશ પર ટુથપેસ્ટ લગાવ્યા પહેલાં તેને ભીનું કરવા જેવી ખોટી પદ્ધતિથી બ્રશિંગ કરવાથી મુખના આરોગ્યને નુકસાન થવાનો ભય વધુ રહે છે.

લંડનમાં મેરિલિબોન સ્માઈલ ક્લિનિકના સ્થાપક ડો. સાહિલ પટેલ કહે છે કે ટુથપેસ્ટમાં યોગ્ય પ્રમાણમાં ભીનાશ હોય જ છે. આથી જો તેને ભીનું કરવામાં આવ્યું હોય તો તેનાથી વધુ ઝડપથી ફીણ પેદા થાય છે અને જેના કારણે જલ્દી થુંકી નાખવું પડે છે. એક સામાન્ય આદત દાંતને જોરથી ઘસી નાખવાની હોય છે, જેને ટાળવી જરૂરી છે. દાંતને ધીમેથી ઘસવાના હોય છે. આ ઉપરાંત, બે દાંતના પોલાણની વચ્ચે જઈ શકે તેવા ટુથબ્રશનો ઉપયોગ કરવાના બદલે ફ્લોસિંગ કરવું જોઈએ. દાંતની સફાઈ કેવી રીતે શરૂ કરવી જોઈએ તે વિશે ડો. પટેલ કહે છે કે સૌ પહેલા દાતની પાછળની સાઈડથી આગળની તરફ આવતા બ્રશિંગ શરૂ કરવું જોઈએ કારણ કે દાંતની પાછળની તરફનો ભાગ સખત હોય છે અને સફાઈ મુશ્કેલ રહે છે. જો તમે આગળની તરફથી સફાઈ શરૂ કરશો અને છેલ્લે પાછળના હિસ્સે જશો તો મોટા ભાગે તમે બ્રશિંગ જલ્દી પુરું કરી બ્રશને ધોઈ નાખશો. આમ, પાછળની સાઈડ રહી જશે અથવા તેની બરાબર સફાઈ થશે નહિ.
ડો. સાહિલ પટેલના કહેવા મુજબ આધીઅધૂરી બે વખત સફાઈના બદલે એક વખતની સારી સફાઈ વધુ બહેતર છે. આ ક્વોલિટી સામે ક્વોન્ટિટીની લડાઈ કહેવાય. જ્યારે ચોક્કસ એરિયાની નિયમિત સફાઈ કરવાનું રહી જતું હોય ત્યારથી જ સમસ્યા શરૂ થાય છે આથી, બે વખત ખરાબ બ્રશિંગના બદલે એક વખત સારું બ્રશિંગ કરવું જોઈએ. તેઓ એમ પણ કહે છે કે સાંજનું બ્રશિંગ અવશ્ય કરવું જોઈએ. તમે જ્યારે સૂતા હો ત્યારે મોઢામાં લાળનું પ્રમાણ ઘટી જાય છે અને આખા દિવસ દરમિયાન તમે જે ખોરાક લીધો હોય તેના અવશેષ દાંતમાં ભરાઈ રહેશે અને આખી રાત તેમાં સડો થતો રહેશે, જે પાછળથી મોટી સમસ્યાઓ ઉભી કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter