ટેબલ ઉપર નાનકડો છોડ રાખવો ફાયદાકારક, ઓફિસ સ્ટ્રેસ ઘટાડે છે

Thursday 10th March 2022 07:28 EST
 
 

જાપાનની હ્યોગો યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલા એક સંશોધનમાં એ તારણ નીકળ્યું છે કે, ઓફિસમાં ટેબલ ઉપર રાખવામાં આવેલો નાનકડો છોડ પણ વર્ક સ્ટ્રેસ ઘટાડે છે. ઇન્ડોર પ્લાન્ટ્સ કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય ઉપર કેવી અસર કરે છે તેના અનુસંધાનમાં આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ શોધના કેન્દ્રમાં એવા કર્મચારીઓને રાખવામાં આવ્યા હતા જેઓ મોટાભાગે બંધ ફ્લોર ઉપર કામ કરે છે અને જેમને બહારના વાતાવરણમાં જવાનો અને લીલોતરીમાં રહેવાનો અવસર મળતો નથી. આપણે બધા જ જાણીએ છીએ કે, પ્લાન્ટ્સની વચ્ચે રહેવાથી માણસોના મૂડમાં સુધારો થાય છે, માનસિક તણાવ હળવો થાય છે અને તેમનું સ્વાસ્થ્ય પણ સુધરે છે.
આ સંશોધનનો આશય એ જાણવાનો હતો કે, ઓફિસની અંદર રાખવામાં આવતા પ્લાન્ટ્સ કેટલા અંશે વ્યક્તિના માનસિક અને શારીરિક તણાવને ઓછો કરે છે. ઓવન જર્નલ હાર્ટ ટેક્નોલોજીમાં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે, ઓફિસમાં રાખવામાં આવતા નાના પ્લાન્ટ્સ ખૂબ જ ઉપયોગી છે. આ પ્લાન્ટ્સ કર્મચારીઓના તણાવમાં ઘટાડો કરે છે. આ અભ્યાસમાં એવા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેઓ કલાકો સુધી ડેસ્ટ ઉપર બેસીને જ કામ કરે છે. આ દરમિયાન લોકોના સાઇકોલોજિકલ અને સોશિયોલોજિકલ સ્ટ્રેસને તપાસવામાં આવ્યો હતો. તેમના ડેસ્ક ઉપર પ્લાન્ટ રાખ્યા પહેલાં અને પછીની સ્થિતિને પણ ચકાસવામાં આવી હતી. તારણ એ આવ્યું કે, પ્લાન્ટ મૂક્યાના માત્ર ૩ મિનિટ પછી જે-તે કર્મચારીઓની પલ્સ રેટ ઘટવા લાગી અને સામાન્ય થઈ ગઈ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter