જો તમને સ્વાસ્થ્ય સંબંધિત ખાસ કોઇ સમસ્યા ન હોય તો વિવિધ પ્રકારનું ફળોનું સેવન હંમેશા લાભકારક હોય છે. ખાટા-મીઠા-રેસાદાર કે રસદાર, દરેક પ્રકારના ફળ સદાબહાર સ્વાસ્થ્યવર્ધક હોય છે, પરંતુ જો સિઝન અનુસાર ફળોનું સેવન કરવામાં આવે તો તે તન-મન માટે વધુ ઉપકારક સાબિત થાય છે. આનું કારણ માત્ર એટલું છે કે તેમાં પ્રચૂર માત્રામાં વિટામિન, ખનિજ, એન્ટીઓક્સીડન્ટ અને ફાઇબર સમાયેલા હોય છે. જે ઠંડીની ઋતુમાં શરીર માટે જરૂરી હોય છે. તમે પણ કાતિલ ઠંડીના આ દિવસોમાં અહીં દર્શાવેલા વિવિધ ફળો આરોગીને સારું સ્વાસ્થ્ય મેળવી શકો છો.
• સફરજનઃ સફરજનનું સેવન શરીર માટે સદાસર્વદા ફાયદાકારક હોય છે. સવારના નાસ્તામાં સફરજન ખાવાથી તે શરીરને ઊર્જા આપે છે. તેમાં સમાયેલી કુદરતી સાકર, ચાના સેવનથી મળતી તાજગી કરતાં પણ વધુ હોય છે. મોટા ભાગે લોકો સવારની ચા પીવાથી જ શરીરમાં સ્ફૂર્તિ આવે છે તેમ માનતા હોય છે, પરંતુ સફરજનનું સેવન કરવાથી તેમાં સમાયેલા ફાઇબર અને ઓછી સેલરી સ્વાસ્થયવર્ધક પુરવાર થાય છે.
• દાડમઃ ખાટા-મીઠા દાડમ સ્વાદથી ભરપુર હોય છે, અને ઠંડીમાં તેનું સેવન શરીરના પોષણમાં વધારો કરે છે. એન્ટીઓક્સડન્ટથી ભરપુર દાડમ હાડકાને મજબૂત કરે છે. તેમજ તેમાં સમાયેલા વિટામિન-સી ત્વચાની કાયાકલ્પમાં સહાયક હોય છે.
• નાસપતીઃ નાસપતી સ્વાદિષ્ટ અને પોષ્ટિક તત્વોથી ભરપુર હોય છે. તેમાં ફાઇબર, વિટામિન અને એન્ટીઓક્સિડેન્ટ સમાયેલા હોવાથી શિયાળામાં તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. તે રોગપ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરે છે તેમજ શિયાળાની ઠંડીમાં આપણા શરીરને સ્વસ્થ રાખે છે. જેમને વધુ મીઠું ખાવાની તલપ લાગતી હોય તેણે શિયાળામાં એક નાસપતીનું સેવન કરી લેવું, જેથી તેના ગુણથી મળનારા ફાયદાની સાથેસાથે સ્વાદથી પણ સંતોષ આપે છે.
• ખજૂરઃ ડ્રાયફ્રૂટની કેટેગરીમાં આવતા ખજૂરનું સેવન ખાસ કરીને શિયાળામાં કરવામાં આવે છે. આ મીઠું ફળ સ્વાદ વધારવાની સાથેસાથે પૌષ્ટિકતાથી ભરપુર હોય છે. તેમા રહેલી કુદરતી શર્કરા શરીરને ઊર્જા પ્રદાન કરે છે અને શિયાળાની ઠંડીમાં શરીરના તાપમાનને જાળવી રાખવામાં મદદ કરે છે.
• કીવીઃ કીવી શિયાળામાં સ્વાસ્થયનો ઉત્તમ આહાર બની શકે છે. વિટામિનથી ભરપૂર આ ફળનું સેવન આપણી રોગપ્રતિકારક ક્ષમતાને વધારીને શિયાળામાં સામાન્ય ગણાતી શરદી સહિતની બીમારીથી બચાવે છે. તેમાં ભરપુર માત્રામાં ફાઇબર પણ સમાયેલું હોય છે જે પાચનમાં મદદ કરે છે.
• સંતરાઃ શિયાળાના દિવસોમાં વિટામીન સીથી ભરપૂર સંતરાની માંગ વધારે હોય છે. તેમાં રહેલી લો કેલરી અને ઉચ્ચ ફાઇબર વજનને નિયંત્રિત કરે છે. તેના સેવનથી પેટ લાંબો સમય ભરાયેલું લાગે છે. પરિણામે ખાવાની ઇચ્છા ઓછી થાય છે.
• મોસંબીઃ મોસંબી પણ ફાઇબરથી ભરપૂર અને એન્ટીઓક્સીડન્ટનું પાવરહાઉસ માનવામાં આવે છે. આ ખટમીઠું ફળ શરીરના સોજાને ઓછા કરે છે. તેમજ ઇન્ફેકશનથી બચાવ કરે છે. પાણીનું પ્રમાણ ઊંચું હોવાથી મોસંબીનું સેવન શરીરના હાઇડ્રેશન લેવલને જાળવી રાખે છે.
• સીતાફળઃ શિયાળામાં ઠેરઠેર મળતા સીતાફળ હૃદયને સ્વસ્થ રાખે છે. તેમાં એન્ટીઓક્સીડન્ટની માત્રા ભરપુર હોય છે જે શરીરને નુકસાનકારક ફ્રી રેડિક્લસ સામે લડે છે અને શરીર પર ઓક્સીડેટિવ તનાવને ઓછો કરે છે. વળી, તેમાં સમાયેલું વિટામિન બી મૂડને બહેતર કરે છે.
• સ્ટ્રોબેરીઃ શિયાળામાં મળતી રસદાર સ્ટ્રોબેરી સ્વાદ વધારવાની સાથેસાથે તેમાં સમાયેલા સોડિયમ, વસા શરીર માટે ગુણકારી નીવડે છે. ઉપરાંત પોટેશિયમ અને એન્ટીઓક્સીડન્ટનું એક અદભૂત સ્ત્રોત છે. તેના સેવનથી બ્લડસુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે અને હૃદય માટે પણ ગુણકારી નીવડે છે.
• જામફળઃ શિયાળામાં રોજ એક જામફળનું સેવન કરવા ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછો કરવામાં સહાય કરે છે. તે હૃદય માટે ગુણકારી હોવાની સાથેસાથે વજન, ડાયાબિટીસ અને શરદી-ઊધરસ જેવી સમસ્યાથી રાહત આપે છે તેમજ કબજિયાતમાં પણ છુટકારો અપાવે છે.
• ચીકુઃ શિયાળાની ઋતુમાં ફળોના સેવનમાં ચીકુને અવશ્ય સામેલ કરવું જોઇએ. તે આંતરડાને સ્વસ્થ કરે છે અને બેક્ટેરિયાથી થતાં ઇન્ફેકશનથી બચાવે છે. એટલું જ નહીં, તેમાં સમાયેલા એન્ટીઓક્સીડન્ટસ સોજાને ઓછો કરે છે તેમજ હાડકાંને મજબૂત કરે છે.
• અંજીરઃ ડ્રાયફ્રૂટની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવતું અંજીર શિયાળાનું સ્વાદિષ્ટ ફળ છે. તે ફાઇબર, પોટેશિયમ અને વિટામિનથી ભરપુર હોય છે જે શિયાળાની કડકડતી ઠંડીમાં શરીરને ગરમી પ્રદાન કરીને શરીરના તાપમાનને જાળવી રાખવામાં સહાય કરે છે.


