ડહાપણની દાઢ આટલી પીડે કેમ છે?

Wednesday 09th June 2021 06:52 EDT
 
 

માણસોના મોઢામાં બત્રીસ દાંત હોય છે એવું આપણને નાનપણથી શીખવવામાં આવ્યું છે એટલે કે દાંતનાં ચોકઠાને આપણે બત્રીસી કહીએ છીએ, પરંતુ મોટા ભાગના લોકોના મોંમાં ૨૮ દાત જ હોય છે. દાંત જન્મે ત્યારે શરૂઆતમાં દૂધિયા દાંત આવે છે. એની સંખ્યા ૨૦ હોય છે. દૂધિયા દાંત પડીને પાકા દાંત આવે છે. બાળક પુખ્ત બને એટલે કે યુવાવસ્થામાં પ્રવેશે ત્યાં સુધીમાં તેને ૨૮ દાંત આવી ગયા હોય છે. એ પછીથી એટલે કે ૧૭થી ૨૪ વર્ષની વય સુધીમાં પાછલના ભાગમાં એક દાઢ વધુ ઊગે છે. એને વિઝડમ ટૂથ, દેશી ભાષામાં કહીએ તો ડહાપણની દાઢ કહે છે.
વિઝડમ ટૂથ કેમ કહે છે?
સામાન્ય રીતે વ્યકિતના જડબામાં ઉપર અને નીચે બંને બાજુએ બે-બે દાઢ એમ કુલ આઠ દાઢ ૧૭ વર્ષની વય સુધીમાં આવી જાય છે. બે દાઢની પાછળ ત્રીજી દાઢ ઊગવાનો સમય ૧૮થી ૨૪ વર્ષની વય સુધીનો ગણવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે ૧૮ વર્ષ સુધીમાં શરીરનો લગભગ સંપૂર્ણ વિકાસ થઈ ચૂક્યો હોય છે. આ ઉંમરે વ્યક્તિમાં ડહાપણ અને પુખ્તતા આવે છે એવું મનાય છે એટલે કે એને વિઝડમ ટૂથ કહે છે.
વધારાની દાઢ
એવું માનવામાં આવે છે કે આપણા પૂર્વજોમાં આ વિઝડમ ટૂથની કનડગત નહોતી. એ વખતે લોકો વધુ માત્રામાં કાચો અને રેસાવાળો ખોરાક ખાતા હતા. એને કારણે ખોરાક ચાવવા માટે તેમને વધુ દાઢનો સપોર્ટ જરૂરી હતો. ઉત્ક્રાંતિના નિયમ મુજબ પ્રાણીમાત્રના શરીરનાં ન વપરાતાં અંગો અને અવયવોના દેખાવમાં બદલાવ આવતો ગયો. માનવ રાંધીને ખાતા શીખ્યો હોવાને કારણે ખોરાક ચાવવા માટે વધુ દાઢ હોવાની જરૂરિયાત ઘટતી ગઈ. કાળક્રમે આપણા ખોરાક અને રહેણીકરણીમાં આવેલા બદલાવને કારણે બે દાઢ ઉપરાંત ત્રીજી દાઢ હોય કે ન હોય એનો ખાસ ફરક ચાવવાની ક્રિયા પર પડતો અટક્યો. જેની જરૂર ન હોય એવાં વપરાયા વિનાનાં અંગોની જેમ પેઢામાં પણ ત્રીજી દાઢ માટેની જગ્યા નાની થતી ગઈ. આમ જડબાંનું સ્ટ્રકચર બદલાતાં પેઢાં અને દાઢની ગોઠવણીમાં પણ પરિવર્તન આવતું ગયું.
ઊગતી વખતે જ પીડાકારક
ત્રીજી દાઢને ઊગવા માટે જડબામાં પૂરતી જગ્યા ન હોવાથી તકલીફો પેદા થાય છે એમ જણાવતાં તબીબી નિષ્ણાતો કહે છે કે ઘણા લોકોના જડબામાં હવે ત્રીજી દાઢ ઊગે એ માટે પૂરતી જગ્યા નથી હોતી. દાઢ માટે જરૂરી પેઢાનો સપોર્ટ ન મળવાને કારણે દાઢ આડીઅવળી ઊગે છે. પેઢા ખૂબ જ સખત થઈ ગયા હોવાને કારણે દાઢ ત્વચામાંથી બહાર નીકળે એ પ્રક્રિયા પણ પીડાકારક બની જાય છે. ડહાપણની દાઢ ત્રાંસી કે આડી ઊગતી હોય તો એને કારણે એની આગળની દાઢને પણ નુકસાન થાય છે અને પેઢામાં સડો થવાની શક્યતાઓ રહે છે. સખત પેઢામાંથી અડધી બહાર આવેલી દાઢમાં ખોરાકના કણો ભરાઈ રહે છે, કેમ કે અંદરના ભાગમાં એટલી સ્વચ્છતા જળવાતી નથી. તરત ઊગેલી અડધીપડધી દાઢમાં ખોરાકના કણો ભરાઈ રહેવાને કારણે સડો પેઢામાં જલદી ઊતરે છે અને પેઢાં ફૂલી જાય છે.
ડહાપણની દાઢ કાઢી નાખવી
પીડા આપતી દાઢ કઢાવી નાખવી જ હિતાવહ છે, નહીંતર એ આગળની દાઢને પણ નુકસાન કરી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો દાઢ પૂરેપૂરી ઊગી ગઈ હોય અને પછીયે પીડા આપતી હોય અથવા તો પેઢા ઈન્ફેક્શનને કારણે ફૂલી ગયાં હોય તો એને પડાવી નાખવી જ હિતાવહ છે. એનો કઈ જ ઉપયોગ નથી એટલે ડહાપણની દાઢ ન હોવાથી કોઈ ફરક નથી પડતો. ઊલટાનું બીજાને દાંને થનારી તકલીફો ઘટે છે. જો આખી દાઢ ઊગી ગઈ હોય તો ડેન્ટિસ્ટના ક્લિનિકમાં લોકલ એનેસ્થેસિયા આપીને એક સામાન્ય દાંત પાડવાની પ્રક્રિયાથી દાઢ કાઢી શકાય છે, પરંતુ જો દાઢ અડધી પડધી જ ઊગી હોય અને ત્વચામાંથી બરાબર બહાર આવી શકતી ન હોય તો પછી ઓરલ સર્જન પાસે સર્જરીથી કઢાવવી પડે છે. તે જનરલ એનેસ્થેસિયા આપીને પેઢાંની અંદરના મૂળમાંથી આખી દાઢ રિમૂવ કરે છે. દાઢ કેટલી કોમ્પ્લિકેટેડ રીતે ફસાઈ છે એ અનુસાર અડધોથી દોઢ કલાક જેટલી લાંબી સર્જરી ચાલી શકે છે.

વિઝડમ ટીથ અંગે જાણવા જેવું...
વધુમાં વધુ ચાર ડહાપણની દાઢ ઊગે છે. ત્રીસી પછી જો ત્રીજી દાઢ ઊગે તો એ ખૂબ જ પીડાકારક હોય છે અને એને કઢાવી નાખવી જ હિતાવહ છે. ૨૪ વર્ષ પહેલા ઊગેલી ડહાપણની દાઢ મોંમા ટકી જાય અને કોઈ જ પ્રોબ્લેમ ન કરે એવી શક્યતાઓ સારી એવી હોય છે.

દાંત પડવા અને ઊગવાની ક્રિયા
દાંત પડવા અને ઊગવાની ક્રિયા જોઇએ તો, બાળક જન્મે ત્યારે મોટા ભાગે એક પણ દાંત ઊગેલો દેખાતો નથી. ત્રણ વર્ષની ઉંમર સુધીમાં કુલ ૨૦ દૂધિયા દાંત ઊગી ગયા હોય છે. ચાર આગળના દાંત, બે કેનાઇન ટૂથ અને ચાર દાઢ એમ ૧૦ દાંત ઉપર અને નીચે બંને તરફ હોય છે. છથી નવ વર્ષથી ઉંમર દરમિયાન આગળનાં દાંત પડીને એની જગ્યાએ નવા પાક દાંત આવે છે. ૧૦થી ૧૨ વર્ષની વયે દાંત પછીના અને દાઢ પહેલાંનાં વચ્ચેનાં બે દાંત નવા આવે છે જેને પ્રી-મોલર કહે છે. ૧૨થી ૧૫ વર્ષની વય દરમિયાન મિલ્ક મોલર પડીને બે પાકી નવી દાઢો ઊગે છે. ૧૭ વર્ષ પછી ગમેત્યારે ત્રીજી દાઢ ઊગે છે. સામાન્ય રીતે ૨૪ વર્ષ પહેલાં એ આવી જાય છે. અપવાદરૂપ કિસ્સામાં ત્રીસીમાં પણ આ દાઢ ઊગે એવું બને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter