ડહાપણની દાઢ તમને હેરાન કરે છે?

Wednesday 18th March 2015 09:31 EDT
 
 

દાંત સાથે સંકળાયેલી તકલીફોમાં ડહાપણની દાઢની તકલીફ સૌથી પીડાદાયક છે. ડહાપણની દાઢ ક્યારેક જડબામાં કે મોઢામાં જગ્યા ન હોવાને કારણે પૂરેપૂરી રીતે બહાર આવી શકતી નથી અને તેના કારણે એ પાસેની દાઢમાં પણ સડો ઊભો કરે છે. જયારે આવી સ્થિતિ આવે ત્યારે આ દાઢને નિષ્ણાત ડેન્ટિસ્ટ પાસે કઢાવી નાખવી એ જ યોગ્ય ઉપાય છે. ડહાપણ દાઢની તકલીફ આજકાલ ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળી રહી હોવાથી અહીં આ દાઢની રચના, કામગીરી અને એને લગતા પ્રશ્નો રજૂ કર્યા છે.

આપણા જડબામાં નીચે અને ઉપર એમ છ-છ દાઢ હોય છે, જેમાં ઉપર-નીચે બન્ને જડબાંઓમાં જમણી તરફ ઉપર અને નીચે ત્રણ-ત્રણ અને ડાબી તરફ ઉપર અને નીચે ત્રણ-ત્રણ દાઢ આવે એ રીતે વહેંચાયેલી હોય છે. એમાં મોટા ભાગે પહેલી દાઢ બાળકને ૬ વર્ષે આવે, બીજી ૧૨ વર્ષે અને આ ડહાપણ દાઢ ૧૭ કે ૧૮મા વર્ષ બાદ આવતી હોય છે. 

અક્કલની દાઢ કે ડહાપણની દાઢ કે અંગ્રેજીમાં વિઝડમ ટૂથ તરીકે ઓળખાતી આ દાઢની જરૂરિયાત આપણા જડબામાં કેમ છે એ સમજીએ. કોઈ પણ ખોરાકને કાપવાનું કામ આગળના દાંત કરે છે, જ્યારે એને ચાવવાનું કામ દાઢ કરે છે. ખોરાકને આપણે જેટલો સારી રીતે ચાવી શકીએ એટલો વધુ સારી રીતે પચાવી શકીએ છીએ. ખોરાકને સારી રીતે ચાવવા અને પચાવવા આપણને દાઢની જરૂર છે. આમ ત્રણેય દાઢ આપણા માટે ખૂબ જ ઉપયોગી હોય છે, પરંતુ ડહાપણની દાઢની વાત કરીએ તો ઘણી વાર એ બરાબર ઊગીને બહાર આવતી નથી. ઘણી વાર એનો આકાર બરાબર નથી હોતો. ક્યારેક તો એ જડબાની અંદર જ રહી જાય છે તો ક્યારેક થોડીક જ બહાર આવે છે. ક્યારેક પૂરેપૂરી બહાર આવે તો એનો આકાર બરાબર હોતો નથી અને બધું બરાબર હોય તો બન્ને દાઢ વચ્ચે જગ્યા ખૂબ વધારે હોવાથી બીજી તકલીફો શરૂ થઈ જતી હોય છે.

આ બધી તકલીફો પાછળનાં કારણો સમજાવતા નિષ્ણાત ઓર્થોડોન્ટિસ્ટ કહે છે કે અક્કલની દાઢને લઈને જેટલા પણ પ્રોબ્લેમ આવે છે એમાં મૂળભૂત કારણ એ હોય છે કે વ્યક્તિના મોઢામાં અક્કલની દાઢ આવે એ માટેની જગ્યા જ હોતી નથી અથવા તો કહીએ કે જગ્યા હોય તો ઓછી પડી જાય છે. ક્યારેક એવું પણ બને છે કે જડબું મોટું છે, પરંતુ મોઢામાં બહાર આવવા માટે જગ્યા નથી એટલે જડબાની અંદર દાંત હોય છે; પરંતુ બહાર જગ્યાના અભાવે એ ઉપર આવતા જ નથી અથવા આવે તો વાંકાચૂંકા આવે છે કે પછી એનો આકાર જુદો આવે છે.

જ્યારે એવું હોય કે અક્કલની દાઢનો આકાર વ્યવસ્થિત ન હોય અથવા એ અડધી જ આવી હોય કે પછી કોઈ ખૂણો કાઢીને બહાર નીકળી હોય તો આ કન્ડિશન કઈ રીતે નુકસાન પહોંચાડી શકે છે? જ્યારે દાઢ પૂરી રીતે વિકાસ પામીને બહાર નથી નીકળી શકતી ત્યારે જડબામાં ખૂબ જ દર્દ થાય છે. બીજું, જ્યારે એ વાંકીચૂકી આવે ત્યારે એમાં ખોરાકના કણો ફસાઈ જાય છે અને એ ખોરાકના કણો સડો ઉત્પન્ન કરે છે. મોટા ભાગના દરદીઓમાં એવું જોવા મળે છે આવી ડહાપણની દાઢને કારણે તેમની આગળની દાઢ સડી જાય છે, એમાં કેવિટી ભરાય છે. આમ ડહાપણની દાઢ પોતે બીજા દાંતમાં સડો પેદા થવાનું કારણ બની જાય છે. ઘણી વાર અક્કલની દાઢ સારી હોય તો પણ ત્યાં સુધી બ્રશ બરાબર ન થતું હોવાથી ત્યાં ખોરાક ભરાઈ જાય છે અને સડો પેદા થાય છે.

શું આ દાઢ વગર ચાલે?

આજકાલ ઘણા લોકોને ડહાપણની દાઢ કાઢી નાખવાની સલાહ ડેન્ટિસ્ટ આપતા જ હોય છે. ઘણી વાર ડેન્ટિસ્ટ કોઈ પ્રોબ્લેમ ન હોય છતાં સાવચેતીરૂપે એવું પણ કહેતા હોય છે કે ભવિષ્યમાં આ દાઢને કારણે પ્રોબ્લેમ થઈ શકે છે તો સારું છે કે પહેલેથી જ કઢાવી નાખો. તો શું આ ડહાપણની દાઢની જરૂર પડતી નથી? આ પ્રશ્નના જવાબમાં નિષ્ણાતો કહે છે કે જો આ દાઢ સ્વસ્થ રીતે આવી હોય અને વ્યવસ્થિત જડબામાં ફિક્સ થઈ ગઈ હોય તો એની જરૂર ચોક્કસ છે, પરંતુ જો એમાં કોઈ પણ તકલીફ હોય તો એને કાઢી નાખવામાં જ ભલાઈ છે, કારણ કે એ એની આગળ રહેલી ખૂબ જ જરૂરી દાઢને ખરાબ કરે છે. આજકાલ આપણું ડાયટ પહેલાં કરતાં ઘણું બદલાયું છે. યાદ કરો કે છેલ્લે શેરડી જાતે દાંત વડે છોલીને ક્યારે ખાધી હતી? આજકાલ આપણો ખોરાક પકવેલો અને સરળ હોય છે, જે ચાવવામાં વધુ મહેનત નથી પડતી. એટલે ૩૨ને બદલે ૨૪-૨૮ દાંત વડે સરળતાથી કામ ચાલે છે.
આમ કહેવાય છે કે અક્કલની દાઢ વગર પણ તમે સામાન્ય રીતે ખોરાક ખાઈ શકો છો. પરંતુ એનો અર્થ એ નથી કે એની જરૂર જ નથી. જો એ સંપૂર્ણ રીતે વિકસેલી હોય અને બીજી કોઈ તકલીફ એની સાથે જોડાયેલી ન હોય તો એ દાઢ ખૂબ કામની છે.

આ દાઢ ક્યારે કાઢવી પડે?

ડહાપણની દાઢ કેવા સંજોગોમાં કઢાવી નાખવી જોઇએ તેના કારણો જોઇએ.

• સડી જાય ત્યારે દાઢ કઢાવી નાખવી પડે. • એને કારણે આગળની દાઢમાં સડો થાય ત્યારે દાઢ કઢાવવી પડે. • એ અડધી જ આવી હોય અને ખૂબ જ પેઇન થતું હોય ત્યારે દાઢ કઢાવવી પડે છે. • એ જડબામાં આડી ફાટીને આવી હોય, જેને લીધે ખોરાકના કણો એમાં ફસાતા હોય ત્યારે દાઢ કઢાવવી પડે છે. • જ્યારે નીચેના કે ઉપરના જડબામાંથી એક જ જગ્યાએ દાઢ આવી હોય અને બીજી જગ્યાએ નહીં ત્યારે પણ એ દાઢનો કોઈ ઉપયોગ થાય નહીં; કારણ કે ચાવવા માટે સામે દાઢ જ નથી ત્યારે ડોક્ટર દાઢ કઢાવી નાખવાની સલાહ આપતા હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter