ડાયાબિટીસ છે? આટલી કાળજી અવશ્ય રાખો

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 24th February 2016 07:25 EST
 
 

લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર ડાયાબિટીસ હવે કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. ટાઇપ-વન અને ટાઇપ-ટૂ એમ બન્ને પ્રકારના ડાયાબિટીસનું પ્રમાણ વધ્યું છે ત્યારે એને કાબૂમાં કેવી રીતે લેવો એ જાણી લેવું બહેતર છે. બેકાબૂ બ્લડશુગર લેવલ બીજા અનેક રોગોને જન્મ આપે છે ને ક્યારેક ખોટી માત્રામાં લેવામાં આવેલી દવાઓથી અચાનક બ્લડશુગર-લેવલ ઘટી જવાનું કોમ્પ્લીકેશન પણ થઈ શકે છે (જેને હાઇપોગ્લાઇસેમિયા કહેવાય છે). તમને કે તમારા પરિવારમાંથી કોઇને ડાયાબિટીસ હોય તો આટલી બાબતોની કાળજી અવશ્ય લો. આ સામાન્ય બાબતોની કાળજી તમને અને તમારા પરિવારને નાની-મોટી અનેક મુશ્કેલીઓથી બચાવશે.

ગ્લુકોમીટર: બ્લડમાં શુગર-લેવલ કેટલું છે એ સમયાંતરે જાણતાં રહેવું જરૂરી છે. એ માટે જરાક સોયનો ચટકો આપી લોહીનું ટીપું કાઢીને ઇન્સ્ટન્ટ બ્લડશુગર-લેવલ જણાવતું ડિવાઇસ ગ્લુકોમીટર સાથે જરૂર રાખવું. તમે જે ડાયટ રૂટીન અપનાવ્યું છે કે પછી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન્સ કે દવાઓ લો છો એની કેવીક અસર થઈ રહી છે એ મોનિટર કરવામાં પણ આ ડિવાઇસ હાથવગું રાખવું ખૂબ જરૂરી છે.

પ્રિસ્ક્રાઇબ્ડ દવાઓ-ઇન્સ્યુલિન: ડાયાબિટીસના દર્દીઓમાં કાં તો શુગર-લેવલ ખૂબ વધી જવાની કાં તો પછી સાવ ઘટી જવાની સમસ્યા જોવા મળે છે. આથી જ ડોક્ટરે સૂચવેલી હોય એ દવા સૂચિત માત્રામાં સાથે રાખવી જરૂરી છે. અચાનક જ બ્લડશુગર વધી જાય તો તાત્કાલિક ઇન્સ્યુલિન લઈને પરિસ્થિતિ કાબૂમાં લઈ શકાય છે.

કીટોન સ્ટ્રાઇપ્સ: જ્યારે લોહીમાં અચાનક જ શુગર-લેવલ વધી જાય કે ઘટી જાય તો એની સીધી અસર લોહી અને યુરિનના કીટોન-લેવલ પર પણ પડતી હોય છે. જો આ વધ-ઘટ ખૂબ જ મોટા પાયે થતી હોય તો એનાથી વ્યક્તિ કોમામાં ચાલી જાય એવું રિસ્ક રહે છે. ખૂબ જ પરવડે એવી કિંમતમાં મળતી કીટોન નિદાન માટેની પટ્ટીઓથી તરત નિદાન થઈ જાય છે અને આમ કોમ્પ્લીકેશન્સ અટકાવી શકાય છે.

ઓળખપત્ર: તમને ડાયાબિટીસ છે એ જણાવતું ફોટોગ્રાફ સાથેનું આઇડેન્ટિફિકેશન કાર્ડ (કે પત્ર) હંમેશાં સાથે રાખો. રસ્તામાં ગમેત્યારે કોઈક એક્સિડન્ટ થાય કે અચાનક જ તબિયત ખરાબ થાય તો તમારી આસપાસના લોકોને એની જાણ થાય. તાત્કાલિક કોઈક અજાણ્યા ડોક્ટર પાસે તમને લઈ જવામાં આવે ત્યારે એ ડોક્ટરને પણ તમારા ડાયાબિટીસ વિશે ખબર હોય તો યોગ્ય નિદાન કરવામાં અને દવા દેવામાં સરળતા રહેશે.

શુગર ટ્રીટ: તમે નિયમિત દવાઓ લેતા હો કે ઇન્સ્યુલિન, અચાનક શુગર ઘટવાની નોબત આવી શકે છે. હાઇપોગ્લાઇસેમિયાની સ્થિતિ લાંબો સમય રહે તો વ્યક્તિ કોમામાં સરી જાય છે ને એ પછી શુગર આપવાનું અઘરું થઈ જાય છે. આવા સમયે જો બેગમાં ચપટીક ખાંડ કે ૧૦-૨૦ ગ્રામની ચોકલેટ હંમેશાં સાથે રાખવી હિતાવહ છે.

ફૂડ ચાર્ટ: તમે શું ખાધું અને ક્યારે ખાધું એનો ચાર્ટ સતત અપડેટ રાખવો જરૂરી છે. શુગર-લેવલ જાળવી રાખવા તેમ જ ઇન્સ્યુલિનની માત્રા કેટલી જરૂરી છે એ નક્કી કરવા માટે પણ તમે શું ખાધું એ અગત્યનું છે. ઝડપથી એનર્જીમાં ફેરવાઈ જતી વાનગીઓ ખાવાથી જમ્યા પછી અચાનક જ બ્લડશુગર-લેવલ વધી જાય છે. પ્રામાણિકતાથી ફૂડ ચાર્ટ મેઇન્ટેન રાખવાથી ડોક્ટરને તમારા શરીરની સાચી હાલતનો અંદાજ આવી શકશે.

ફર્સ્ટ એઇડ કિટ: શરીર પર ક્યાંય પણ ઘા-ઘસરકો પડે તો એની યોગ્ય સ્વચ્છતા સાથે સારવાર થવી તરત જ જરૂરી છે. ખાસ કરીને પગમાં જો વાગ્યું હોય તો એમાં ઇન્ફેક્શન વધે નહીં અને બને એટલું ઝડપથી રૂઝ આવે એ માટે એન્ટિસેપ્ટિક મલમ, કોટન, બેન્ડેજ અને જરૂરી એન્ટિ-બાયોટિક્સ ઘરમાં રાખવાં જરૂરી છે.

જૂતાંની પસંદગીમાં કાળજી: ડાયાબિટીસના દરદીઓને નવાં ચંપલ પહેરવાનાં હોય ત્યારે પેઇનલેસ અલ્સર્સ થઈ જવાની સંભાવનાઓ ખૂબ વધારે હોય છે. જો એની અવગણના કરવામાં આવે તો અલ્સર્સ વધુ ઊંડાં થાય છે અને પીડા તથા તકલીફો વધે છે. ક્યારેક સડો હાડકાં સુધી પહોંચે તો ગેન્ગ્રીન થઈ શકે છે. માટે જ વાગે નહીં એવા, સોફ્ટ અને વારંવાર ઘસાતાં ન હોય એવાં જૂતાં પહેરવાનું ખૂબ અગત્યનું છે.

ડેન્ટલ કેર: ડાયાબિટીસને કારણે દાંતમાં સડો, પેઢાંમાં સૂજન, ઓછી લાળ પેદા થવી, શ્વાસોચ્છ્વાસમાં દુર્ગંધ જેવી તકલીફો થઈ શકે છે. સોફ્ટ રૂંછાંવાળા બ્રશથી દિવસમાં બે વાર બ્રશ કરવું, જમ્યા પછી કોગળા કરવા મસ્ટ છે. દર વર્ષે એક વાર ડેન્ટિસ્ટ પાસે ક્લીનિંગ અને ચેક-અપ પણ અવશ્ય કરાવી લેવું.

આંખ અને કિડનીનું ચેક-અપ: જ્યારે શુગર લોહીમાં પણ વિપુલ માત્રામાં જતી હોય ત્યારે કિડનીના કોષોને પણ વધુ કામ કરવું પડે છે અને લાંબા ગાળે એની કાર્યક્ષમતા ખોરવાય છે. ડાયાબિટીસને કારણે કિડની-ફેલ્યરનું રિસ્ક રહે છે. બ્લડશુગર બેકાબૂ હોય અને આંખના પડદાની રક્તવાહિનીઓ ડેમેજ થાય તો વિઝન ખોરવાય છે. આવી તકલીફથી બચી શકાય તે માટે દર છ-બાર મહિને નિષ્ણાત પાસે ચેક-અપ કરાવતાં રહેવું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter