ડાયાબિટીસ સુધી દોરી જતાં પાંચ બહાના...

Wednesday 22nd February 2023 11:40 EST
 
 

આજના યુગમાં ડાયાબિટીસ સૌથી મોટા લાઈફસ્ટાઈલ ડિસીઝમાંથી એક છે. આજની ભાગદોડભરી લાઈફસ્ટાઈલમાં થોડોક સુધારો ડાયાબિટીસના જોખમને 75 ટકા સુધી ઘટાડી શકે છે, પરંતુ કેટલાક બહાનાં આપણી પાસે કાયમ હોય છે. આવા બહાનાં સારી તંદુરસ્તીમાં અવરોધરૂપ બને છે, અને વ્યક્તિને ડાયાબિટીસ ભણી દોરી જાય છે. આ બહાના કયા છે? આપણે તેને કેવી રીતે દૂર કરી શકીએ છીએ? અને કેવી રીતે ડાયાબિટીસ સમગ્ર શરીરને પ્રભાવિત કરે છે તે જાણીએ અને આવા બહાનાંને ટાળીએ, જેથી ડાયાબિટીસને શરીરમાં પ્રવેશતો જ અટકાવી શકાય.
• પહેલું બહાનુંઃ
હું તો હેલ્ધી જ છું, લાઈફસ્ટાઈલ કેમ બદલું?
આ સૌથી સરળ બહાનું છે. એવા લોકો જેમનું વજન સામાન્ય છે, જેમને કોઈ તકલીફ નથી. કોઈ બીમારી નથી. તેઓ વિચારે છે કે તંદુરસ્ત જીવનશૈલીની ક્યાં જરૂર છે. 75 હજાર લોકો પર થયેલા એક રિસર્ચના તારણ અનુસાર શરીરમાં ઓછી ફેટ હોવા છતાં ટાઈપ-2 ડાયાબિટીસ અને હાર્ટ ડીસિઝનું જોખમ થઈ શકે છે. એવા અનેક લોકો છે જેમનું વજન વધુ પડતું ન હોવા છતાં પેટ પર સ્થૂળતા અને ફેટી લિવરની સમસ્યા છે. આથી સમયસર તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને તેનાથી બચી શકાય છે.
• બીજું બહાનું
સમયના અભાવે દરરોજ કસરત કરી શકતો નથી
નોકરી - ધંધામાં એટલી બધી દોડધામ રહે છે કે મારી પાસે પૂરતો સમય નથી. આ સૌથી સામાન્ય ફિટનેસ બહાનું છે. પરંતુ હકીકત એ છે કે જ્યારે કોઈ એમ કહે છે કે મારી પાસે સમય નથી, તો હકીકતમાં તેનો અર્થ છે, ‘મારી પાસે આ કામનો સમય નથી.’ જ્યારે ફેક્ટ એ છે કે દરરોજ 30 મિનિટનો વર્કઆઉટ દિવસના સમયનો લગભગ બે ટકા જ છે. દરરોજ 20 મિનિટ સામાન્ય વોક અને 10 મિનિટ બ્રિસ્ક વોક કરો છો તો ઈમ્યૂન સિસ્ટમ સુધરે છે, તમે વધારાની કેલરી પણ બર્ન કરી શકો છો અને હાર્ટ પણ હેલ્ધી રહે છે.
• ત્રીજું બહાનું
બહુ મોડો ઊંઘું છું, મોર્નિંગ વોકમાં કેવી રીતે જાઊં?
આપણું વર્કપ્લેસ એવું સ્થાન છે જ્યાં આપણે અનેક કલાક સુધી બેઠા રહીએ છીએ અને પરિણામ એ આવે છે કે કેલરી બર્ન કરવાની તક ગુમાવી દઈએ છીએ. વર્કપ્લેસ પર પણ તમે એક નાનો ઉપાય કરી શકો છો. હકીકતમાં ઊભા રહેવાની ટેવથી શરીર પર બેસવાની તુલનામાં વધુ સ્ટ્રેસ આવે છે. ઊભા રહેવાથી બેસવાની તુલનામાં 50 ટકા વધુ કેલરી બર્ન થાય છે, એટલે 75 કિલોનો વ્યક્તિ પોતાના પગ પર ઊભા રહીને એક કલાકમાં વધારાની 50 કેલરી બર્ન કરી શકે છે.
• ચોથું બહાનું
મારે જોબ પર વહેલા જવાનું હોય છે, બ્રેકફાસ્ટનો સમય જ મળતો નથી
ઓફિસ જવાની ઉતાવળમાં ઘણી વાર તમે બ્રેકફાસ્ટ કરી શકતા નથી. જ્યારે હકીકત એ છે કે બ્રેકફાસ્ટ એ ‘દિવસનું સૌથી મહત્ત્વનું ભોજન’ હોય છે. બ્રેકફાસ્ટ નામથી જ સ્પષ્ટ થાય છે - આખી રાતના લાંબા ઉપવાસને તોડવો. એટલે હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે બ્રેકફાસ્ટ જરૂરી છે.
જો તમે સમયના અભાવમાં બ્રેકફાસ્ટ કરી શકતા નથી તો તમે ફળ ખાઈ શકો છો. પપૈયું, ચીકુ, જાંબુ અને કીવી હેલ્થ માટે સારા છે. તેમાં ફાઈબર, વિટામિન અને ખનીજ હોય છે. તમે જરા વિચારશો તો આ સિવાય પણ ઘણા બધા ઉપાયો મળી જ આવશે.
• પાંચમું બહાનું
સ્મોકિંગ, શરાબ તણાવ દૂર કરે છે
કામ દરમિયાન તાણાવ દરેકને હોય છે, પરંતુ સ્મોકિંગ અને આલ્કોહોલથી આ તણાવને દૂર કરવો સારો ઉપાય નથી. હકીકતમાં તમે જ્યારે તણાવમાં હોવ છો ત્યારે તમારા શ્વાસ ઝડપી થઈ શકે છે, જેથી બ્લડ પ્રેશર અને હાર્ટબીટ વધી જાય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના રિપોર્ટ અનુસાર કામ દરમિયાન તણાવ દૂર કરવાની સૌથી સારી રીત ઊંડા શ્વાસ લેવા છે. એવા શ્વાસ જેમાં તમારું પેટ પણ ખેંચાણ અનુભવે. ખુરશી પર બેસીને પાંચ મિનિટ ઊંડો શ્વાસ લેશો તો તણાવ એકદમ જ દૂર થઇ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter