શરીરનું વધુ પડતું વજન ઉતારવા પ્રયત્નશીલ છો? તો રોજિંદા ડાયેટને પણ કસરત જેટલું જ મહત્ત્વ આપો. તમારા માટે હંમેશા એવો ખોરાક નક્કી કરો, જે તમારા શરીરને પૂરતું પોષણ આપે. આ ઉપરાંત વજન ભલે ધીમું ઉતરે, પરંતુ તમે હેલ્ધી રહો - સ્વાસ્થ્ય જળવાય રહે તે વધુ મહત્ત્વનું છે. જો તમે આ રીતે વજન ઉતારશો તો ઘટેલું વજન જલદી પાછું વધશે નહીં.
ઘણા લોકો રોજિંદું ભોજન ઘટાડીને ખાખરા, મમરા વગેરે વધુ ખાવા લાગે છે. આવું લો-કેલરી ફૂડ ખાવાથી વજન ઝડપથી ઘટે છે તે ગેરમાન્યતા છે. આ બધું શરીર માટે જરૂર સારું છે, પરંતુ તે ખાવાથી વજન ઉતરતું નથી. મમરા હળવા હોવાથી વધુ ખવાય છે અને ખાખરા સૂકા હોવાથી તથા એકદમ શેકીને બનાવાતાં હોવાથી તેમાંના પોષકતત્વો નાશ પામે છે. ડાયેટ સાથે સંકળાયેલી આવી જ કેટલીક માન્યતાઓ અંગે અહીં છણાવટ કરી છે.
ઓછું ખાઇએ તો વધુ વજન ઉતરે
હકીકત... ઓછો ખોરાક ખાવાથી મેટાબોલિઝમ (ચયાપચય)ની ક્રિયા મંદ પડે છે. તે ઉપરાંત મસલ માસ પણ ઓછો થાય છે. ઓછું ખાવાના લીધે વારંવાર ભૂખ લાગ્યા કરે છે. ખોટા સમયે લાગતી ભૂખને કારણે લગભગ સૂકા કે તળેલા નાસ્તા જ વધારે ખવાતાં હોવાથી વજન ઘટવાના બદલે વધતું હોય છે.
આ ઉપરાંત ઓછું ખાવાના લીધે અથવા બિલકુલ ન ખાવાના લીધે શરીર માટે જરૂરી પોષકતત્વો જેમ કે મેંગેનીઝ, ઝિંક, ફોલિક એસિડ વગેરેની શરીરમાં ઉણપ ઊભી થાય છે માટે ઓછું ખાવું તેના કરતાં પોષકતત્વોથી ભરપૂર ખાવું વધુ હિતાવહ છે. આથી તમારા માટે હંમેશા એવો આહાર લેવાનું નક્કી કરો જેનાથી શરીરને પૂરતું પોષણ મળી રહે. વજન ભલે ધીમે ધીમે ઉતરે, પરંતુ તમે હેલ્ધી રહો તે વધુ મહત્વનું છે અને તમે ઉતારેલું વજન જલદી વધતું નથી.
માખણ કરતાં માર્જરિન ખાવું સારું છે
હકીકત... આ બિલ્કુલ ખોટી માન્યતા છે. ખરેખર તો માર્જરિનમાં હાનિકારક ફેટ રહેલી છે જે સરવાળે બ્લડ કોલેસ્ટેરોલ લેવલ વધારે છે અને તેનાથી લાંબાગાળે હાર્ટની તકલીફો વધી શકે છે.
માર્જરિન અને માખણ આ બંનેની સરખામણીમાં માખણ વધુ ગુણકારી છે. એ વાત જુદી છે કે વધુ પડતું માખણ પણ વજન વધારીને નુકસાન કરે છે.
વજન ઉતારવા માટે ખૂબ કસરત કરો
હકીકત... કસરત કરવાથી વજન જરૂર નિયંત્રણમાં રહે છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ બરાબર થાય છે, સ્ફૂર્તિ રહે છે, પરંતુ વજન ઉતારવા માટે યોગ્ય કસરત અને ખોરાકનું નિયંત્રણ પણ એટલું જ જરૂરી છે. ઘણી વાર વધુ પડતી કસરત કર્યા પછી આચરકૂચર ખવાય છે તેથી વજન ઘટવાને બદલે વધે છે.
ફ્રૂટ નથી ભાવતું તો જયૂસ પી લો ને...
હકીકત... આ સલાહ ખોટી છે. ફ્રૂટમાં કાર્બોહાઇડ્રેટ્સ વધુ છે જે શરીરમાં ખાંડમાં રૂપાંતરિત થાય છે. જયૂસ બનાવવા માટે વધુ ફળોનો ઉપયોગ કરાય છે. તેથી એક સમયે જયૂસ લેવાથી ફ્રૂટ કરતાં કેલેરી વધી જાય છે. તે ઉપરાંત, ફળ ખાવાથી મોટો ફાયદો તેમાંના ફાઇબર્સ કરે છે. જે જયૂસ બનાવતી વખતે લગભગ કાઢી નાખવામાં આવે છે. આથી જ એક સફરજન ખાઇને પેટમાં ભાર લાગે છે તેવો ભાર બેથી ત્રણ સફરજનના રસમાં લાગતો નથી.
કસરત દરમિયાન કે કસરત પછી પાણી ન પીવાય
હકીકત... જ્યારે તમે કસરત કરો છો ત્યારે શરીરમાંથી પાણીનો ભાગ ઓછો થાય છે. ખાસ કરીને ઉનાળામાં વધુ પરસેવો થઇને શરીરમાં પાણીનો ભાગ ઓછો કરે છે ત્યારે ડિહાઇડ્રેશન ન થાય તેના માટે વધુ પાણી પીવું જોઇએ.
કસરત દરમિયાન પાણી પીવાથી ક્રેમ્પ (cramps) નથી આવતા અને સરળતાથી ઇચ્છીત કસરત કરી શકાય છે. જરૂર પ્રમાણેનું પ્રવાહી લીધા વગર કસરત કરવાથી ચક્કર આવવા, ઊલટી થવી વગેરે સમસ્યાઓ થઇ શકે છે. વ્યક્તિ બેભાન પણ થઇ શકે છે.
પ્રોટિન અને કાર્બોહાઇડ્રેટ્સ સાથે ન ખાવા જોઇએ
હકીકત... ઘણા લોકો માને છે કે જો પ્રોટીન અને કાર્બોદિત પદાર્થો સાથે ખાવામાં આવે તો વજન વધી શકે છે પરંતુ એ સાચું નથી કારણ કે ખોરાકનું પાચન તો મોંમાંથી જ શરૂ થઇ જાય છે. લોહીમાંનું ગ્લુકોઝ લેવલ કાર્બોદિત પદાર્થોને આધારિત રહે છે. બેચેની લાગવી, વધુ પડતી ભૂખ લાગવી કે માથું દુખવું વગેરે તકલીફ કાર્બોદિત પદાર્થો ઓછા લેવાથી થઇ શકે છે.
આમ આપણે જુદી જુદી માન્યતાઓ ધરાવીએ છીએ. શું કરીએ તો પાતળા રહીએ? શું ખાવું, શું ન ખાવું વગેરેના આપણા પોતે જ નક્કી કરેલા નિયમોને આધારે ચાલ્યા કરીએ છીએ. પરિણામે વજન ઉતરવાને બદલે વધે છે અને વધુ વજનના કારણે થતાં રોગ જેવા કે ડાયાબીટિસ, હાઇ બીપી, હાર્ટના રોગથી ઘેરાયેલા રહીએ છીએ. અહીં આવી થોડી માન્યતાઓને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે.


