તો તમારા માટે આનંદના સમાચાર છે. જે લોકો ભોજનમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ ધરાવતો ખોરાક લઈને વજન ઉતારવા મથતા હોય છે તેમના શરીરની સંઘરાયેલી ચરબી બળવાની શરૂ થાય એટલે શ્વાસમાં વાસ આવવાની શક્યતાઓ રહે છે. જેમ જેમ દિન-પ્રતિદિન ડાયેટિંગ અને લો-કાર્બ ડાયટનો મહિમા વધી રહ્યો છે તેમ તેમ એને લગતી તકલીફો પણ વધતી ચાલી છે. એમાંની એક છે શ્વાસમાં દુર્ગંધ આવવાની.
કેટલાકને વળી એવો પ્રશ્ન થશે કે ઓછી માત્રામાં કાર્બોહાઇડ્રેટ ખાવાને અને મોંની દુર્ગંધને વળી શું લેવાદેવા? પણ એક સંશોધનના તારણ અનુસાર ૨૫ લાખ લોકોને ડાયટમાં ચેન્જ કરવાને કારણે બેડ બ્રેથની સમસ્યા થઈ છે. જિમમાં વર્કઆઉટ કરતા અને લો-કાર્બ ડાયટ પાળતા લોકો સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ સભાન હોય છે અને એટલે દાંતની સફાઈ પણ સારીએવી રાખતા હોય છે. આમ છતાં દુર્ગંધની સમસ્યા તેમનો કેડો મૂકતી નથી.
બેડ બ્રેથને લો-કાર્બ ડાયટની સાઇડ-ઇફેક્ટ તરીકે ઓળખાવવામાં આવે છે. ડેન્ટલ એક્સપર્ટ્સ કહે છે કે ડાયટમાં ખૂબ જ ઓછી માત્રામાં કાર્બોહાઇડ્રેટ લેવાની આદત એટલે કે લો-કાર્બ કે નો-કાર્બ ડાયટ લેતા હો ત્યારે ઇન્સ્ટન્ટ એનર્જી માટે શરીરમાં સંઘરાયેલી ચરબી કે પ્રોટીન બળે છે. ચરબી બળવાના કારણે કેટલાંક રસાયણો ઉત્પન્ન થાય છે અને એને કારણે મોંમાં વાસ આવે છે. મતલબ કે જો તમે લો-કાર્બ ડાયટ પર હો, નિયમિત એક્સરસાઇઝ કરતા હો અને જો તમારા મોંમાંથી દુર્ગંધ આવવા લાગે તો તમારી ચરબી બળી રહી છે ને તમે વજન લૂઝ કરી રહ્યા છો એની પોઝિટિવ નિશાની છે.
સમસ્યા સ્વચ્છતાની નથી
સામાન્ય રીતે દાંત, પેઢાં, જીભ અને ગલોફાંની પૂરતી સ્વચ્છતાના અભાવે દાંત-પેઢાંમાં સડો થતો હોય છે. ક્યારેક પાયોરિયા જેવા પેઢાંના રોગો પણ આકાર લે છે. આ સડાથી દાંતમાંથી દુર્ગંધ આવે છે. જો દરરોજ બ્રશ કરીને દાંતની ચોખ્ખાઇ ન રાખવામાં આવે, ફ્લોસિંગ અને ઊલ ઉતારવાની પ્રક્રિયામાં વેઠ ઉતારવામાં આવે તો દાંતમાં સડો પેદા થાય છે અને તેનાથી વાસ આવવાની શરૂ થઈ શકે છે.
જોકે ભોજનમાં કાર્બોહાઇડ્રેટ ખૂબ જ ઓછી માત્રામાં લેવાતું હોય અને શરીરમાં સંઘરાયેલી ચરબી બળતી હોય તો તમે દાંતની ગમેએટલી સ્વચ્છતા રાખો, એમાંથી વાસ આવે જ છે. જેમ ઉકરડામાં પડેલો કચરો બળે તો એની વાસ આવે એમ આપણા શરીરની સંઘરાયેલી ચરબી બળતી હોય ત્યારે એનાં કેમિકલ્સની પણ મોંમાં વાસ આવે છે.
સમસ્યાનો ઉપાય
ચુસ્ત લો-કાર્બ ડાયેટિંગને કારણે જ મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો પણ દાંતની સ્વચ્છતા પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. નિષ્ણાતો કહે છે કે દિવસમાં બે વાર બ્રશ કરવા ઉપરાંત બે વાર માઉથવોશથી કોગળા કરવા જોઈએ. રેગ્યુલર ફ્લોસિંગ અને બ્રશિંગ પછી પણ વાસ આવવાનું ચાલુ જ રહે તો ડાયટમાં થોડીક માત્રામાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઉમેરવું આવશ્યક છે.
આ સમસ્યા ભલે મોંની સ્વચ્છતા સાથે સંકળાયેલી ન હોય, મોંમાંથી ખરાબ વાસ આવવાથી સામાજિક રીતે હળવુંભળવું મુશ્કેલ થઈ જતું હોય છે. આવા સંજોગોમાં દુર્ગંધને થોડાક સમય માટે ડામી દઈ શકાય એવાં પગલાં તો લેવાં જ જોઈએ.
દુર્ગંધ દૂર થશે આમ
• પુષ્કળ પાણી પીવું. એટલું જ નહીં, દર અડધો-પોણો કલાકે બે-ચાર ઘૂંટડા પીવા. સાદા પાણીમાં લીંબુ નિચોવી દેવું. આ પાણી થોડીક વાર મોંમાં ભરી રાખવું ને પછી ગળી જવું.
• તાજી ગ્રીન પાર્સલીનાં પાન ચાવો અને અલોવેરા જેલથી પેઢાં પર મસાજ કરો. આ બન્ને ચીજો કુદરતી એન્ટિબાયોટિકનું કામ આપે છે. એનાથી મોંમાંનાં ટોક્સિન્સ ખતમ થાય છે અને ચાવવાથી વધુ માત્રામાં લાળ બને છે.
• સફરજન, સેલરી, કાકડી, ગાજર જેવાં ક્રિસ્પી વેજિટેબલ્સ કાચાં ખાવાથી દાંત કુદરતી રીતે જ સાફ થાય છે. દાંતની વચ્ચે જો પ્લાક કે ખોરાકના કણો ભરાયેલા હશે તો તે પણ સાફ થઇ જશે.
• કોફી પીતા હો તો એ છોડીને ચા પીઓ. કોફીને કારણે જીભ પર પાતળી પરત જામી જાય છે, જેનાથી પણ દુર્ગંધ ફેલાતી હોય છે.
• બપોરના સમયે શુગર-ફ્રી ચ્યુઇંગ-ગમ ચાવો. એનાથી લાળનું પ્રમાણ વધશે. લાળમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ સારા એવા પ્રમાણમાં હોય છે. વરિયાળી, તજનો ટુકડો કે લવિંગ મોંમાં મૂકીને ચૂસતા રહેવાથી પણ દુર્ગંધથી થોડોક સમય તો મુક્તિ મળશે જ.
• ડાયટમાં કાળજી જરૂરી છે. ભોજનમાં કાંદા, લસણ, માંસ અને માછલી લેવાનું ટાળો. જમ્યા પછી દાંત સાફ કરવા માટે ગાજર કે સફરજનની ચીરીઓ ચાવી લો, જેથી ખોરાકના કણો દાંતમાં ભરાઈ ન રહે.