યુવાન હોય કે વડીલ, આજકાલ જ્યારે પણ કોઇને થોડો સમય મળે છે, ત્યારે હાથ આપમેળે આપણા ફોન પર જાય છે. સ્ક્રોલ કરવાની એક ટેવ ધીમે ધીમે કુટેવ બની જાય છે, જે દિવસના અંતે આપણા મગજને થકાવી દે છે. આ સમસ્યાને ટાળવાનો એક સૌથી સરળ અને અસરકારક રસ્તો એ છે કે તમારી પોતાની ‘ઓફલાઈન બાસ્કેટ બનાવો.
આ એક એવું નાનું બાસ્કેટ અથવા તો બેગ છે જ્યાં તમે એવી વસ્તુઓ રાખો છો જે તમને ગમતી હોય અને તમને વ્યસ્ત રાખી શકે. જ્યારે પણ તમે નવરા પડો અને ફોન ઉપાડીને વિનાકારણ સ્ક્રોલિંગ કરવાનું મન થાય ત્યારે આ બાસ્કેટમાંથી કંઈક કાઢો. આ આદત ધીમે ધીમે તમારો સ્ક્રીન સમય ઘટાડવામાં મદદ કરે છે અને તમારા મનને શાંત, સંતુલિત અને વધુ ક્રિએટિવ પણ બનાવે છે.
તમે બાસ્કેટમાં કઇ ચીજવસ્તુ મૂકી શકો?
પુસ્તકો, ડાયરી, સ્કેચબુક, પેન, પેન્સિલો, સ્ટિકી નોટ્સ, જૂના આઇપોડ અથવા સીડી પ્લેયર - જેથી તમે મનગમતું સંગીત સાંભળી શકો, રંગો અને કલરિંગ પુસ્તક, શોખની વસ્તુ જેમ કે ગૂંથણકામ, કોયડાઓ, ક્રોસવર્ડ્સ, સુડોકુ, વર્ડ સર્ચ, પ્લેઇંગ કાર્ડ અથવા ટેરો કાર્ડ્સ અને સામયિકો અથવા તો તમને વાંચનમાં રસ હોય તેવા વિષયનું પુસ્તક.


