ડિપ્રેશન પીડિત વ્યક્તિને શું કહેવું જોઇએ? અને શું નહીં?

Tuesday 28th April 2026 09:26 EDT
 
 

ડિપ્રેશનમાંથી પસાર થતી વ્યક્તિની મુશ્કેલી ત્યારે એકદમ વધી જાય છે જ્યારે કોઇ સ્વજન દ્વારા તેને હિંમત આપવાને બદલે એવું કહેવામાં આવે છે કે આવું તો દરેક સાથે થતું હોય છે, આમાં ટેન્શન લેવા જેવું કે મૂંઝાવા જેવું છે શું... ખરેખર તો આવા શબ્દો સાંભળીને પીડિત વ્યક્તિ વધુ દુઃખી થાય છે. હકીકત તો એ છે કે ઘણા લોકો એ જાણતા જ નથી કે ડિપ્રેશનનો ભોગ બનેલી વ્યક્તિને શું કહેવું જોઇએ અને શું ન કહેવું જોઇએ.

ન્યૂયોર્કનાં પ્રખ્યાત સાયકોથેરાપિસ્ટ ક્લાઉડિયા જિઓલિટી રાઈટ આ જ વાતથી પરેશાન છે. તેઓ જણાવે છે કે ડિપ્રેશનથી પીડાતા દર્દીઓ તેમને જણાવે છે કે તેમના મિત્રો અથવા પરિવારના સભ્યો ડિપ્રેશનની સ્થિતિમાં તેમને શું કહે છે. ક્લાઉડિયા કહે છે કે મોટાભાગના લોકો ડિપ્રેશનથી પીડાતા દર્દીઓને કહે છે કે ‘અરે! તમને ડિપ્રેશન કઇ રીતે હોઇ શકે, તમારી પાસે તો જીવનમાં ઘણું બધું છે, તમારે તો તેના માટે (પરમાત્માના) આભારી રહેવું જોઈએ....’ ક્લાઉડિયાના મતે આ કે આવા શબ્દો હતાશ વ્યક્તિ માટે સૌથી ખરાબ છે.

‘આ તો કંઇ નથી, તમને તો ઘણું સારું છે...’
આવા શબ્દો કહીને તમે વ્યક્તિને એ સંદેશ આપી રહ્યા છો કે તેની તકલીફ તેના વિચારની સીમાને પાર કરીને વધુ ખરાબ બની શકે છે. પરિસ્થિતિ વધુ બગડવાની ધારણા કે કલ્પના પીડિત માટે મુશ્કેલી વધારી શકે છે.
- તો શું કહેવું યોગ્ય ગણાય... ‘તમે જે દોરમાંથી પસાર થઈ રહ્યા છો તે ખૂબ જ પીડાદાયક લાગે છે. હું તમારી સમસ્યાને વધુ સારી રીતે સમજવા માગું છું.’

‘તમે યોગ કે કસરત કેમ નથી કરતા...’
ડિપ્રેશનથી પીડાતી વ્યક્તિને મોટા ભાગના લોકો યોગની - ખાસ તો મેડિટેશનની - અથવા તો નિયમિત કસરતની સલાહ આપે છે. જોકે ક્લાઉડિયા કહે છે કે યોગ અથવા તો કસરત એ ડિપ્રેશન માટેની ક્લિનિકલ ટ્રીટમેન્ટ નથી. (હંમેશા યાદ રાખો કે ડિપ્રેશનની સમસ્યાના કાયમી નિવારણ માટે પદ્ધતિસરનો ઉપચાર જરૂરી છે.)
- તો શું કહેવું યોગ્ય ગણાય... ‘તમારી મૂંઝવણ કે મુશ્કેલી વિશે વાત કરવાથી તમને રાહત થશે એવું લાગે છે તો કહો... કે પછી તમે એટલું જ ઈચ્છો છો કે હું ફક્ત તમારી સાથે બેસું?

‘હિંમત કરો... આ પરિસ્થિતિમાંથી બહાર નીકળો’

જાણ્યે-અજાણ્યે બોલાયેલા આવા શબ્દોથી એવું લાગે છે કે ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ પોતાની ઈચ્છાથી દુ:ખી છે. જ્યારે વાસ્તવમાં બિલકુલ એવું નથી હોતું. આવા શબ્દો કહેવાથી ડિપ્રેશન પીડિત વ્યક્તિને પોતાની જાત પર શરમ આવી શકે છે, તેની મનોસ્થિતિ વધુ મૂંઝવણભરી બને છે. ક્લાઉડિયા કહે છે કે ડિપ્રેશનનો ભોગ બનેલી વ્યક્તિ માટે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું સરળ નથી એ સહુકોઇએ સમજવું રહ્યું.
- તો શું કહેવું યોગ્ય ગણાય... ‘મને ખબર નથી કે શું કહેવું જોઇએ, પણ મૂંઝાઓ નહીં હું તમારી સાથે જ છું.’

ઘણા ડિપ્રેશનને છુપાવે છે, ને લોકો કહે છે...

...‘તમે તો ઠીક લાગી રહ્યા છો!’ ઘણા લોકો એવા હોય છે જે પોતાના ડિપ્રેશનને છુપાવવાનો પ્રયાસ કરે છે. બહારથી મક્કમ મનોબળ વાળા દેખાવાનો પ્રયત્ન કરે છે, તેઓ સ્મિત પણ કરે છે પરંતુ અંદરથી તૂટેલા હોય છે. ક્લાઉડિયા કહે છે કે જ્યારે આવા લોકો પોતાના દુઃખ કે પીડાની લાગણી તમારી સાથે શેર કરે છે ત્યારે એમ ન કહેવું જોઈએ કે, ‘અરે! તમે તો ઠીક લાગી રહ્યો છો.’ આથી ઉલ્ટું તમે એમને કહી શકો કે, ‘મને બહુ સારું લાગ્યું કે તમે મારી સાથે વાત કરી. મન પર સ્હેજેય બોજ ન રાખશો, તમારે મારાથી કંઈ છુપાવવાની જરૂર નથી.’

ઘણા લોકો એમ પણ કહે છે કે, ‘દરેકને ક્યારેકને ક્યારેક આવું થતું જ હોય છે...’ ખરેખર તો ડિપ્રેશન પીડિત વ્યક્તિને સધિયારો આપતાં કહેવું જોઈએ કે, ‘તમારી વાત સાંભળીને બોજ લાગે છે... પરંતુ હું શક્ય તમામ પ્રકારે તમને મદદરૂપ બનવા માટે તમારી સાથે જ છું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter