આકરા તાપમાં ખાસ કરીને સિનિયર સીટિઝનો અને બાળકો ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીનું પ્રમાણ એકદમ ઘટી જવાની વ્યાધિ)નો શિકાર બનવાની શક્યતા વધી જાય છે. આનું મુખ્ય કારણ એ છે કે વૃદ્ધોને શારીરિક શ્રમના અભાવે બહુ તરસ લાગતી નથી અને બાળકો તરસ લાગે ત્યારે પાણી પીવાનું ટાળે છે. જોકે તમામ વયના લોકોએ એક વાત યાદ રાખવી જરૂરી છે કે દરેકે શરીરમાં પ્રવાહીનું પૂરતું પ્રમાણ જાળવવું આવશ્યક છે. અંગ્રેજીમાં એને હાયડ્રેટિંગ યોર બોડી કહેવાય છે.
જો તમારા શરીરમાં પૂરતું પ્રવાહી હશે તો ટોક્સિન્સ (કીટાણુંજન્ય વિષ)નો નિકાલ થતો રહેશે, તમારો વાન ઉઘડશે, વેઇટનું હેલ્ધી મેનેજમેન્ટ થઈ શકશે. રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધશે અને માથાના દુખાવા જેવી તકલીફો ટાળી શકાશે. આ બધું જાણવા છતાં ઘણાં લોકો નિયમિત રીતે પાણી પીવાનું ટાળે છે અને અમુકને (ખાસ કરીને બાળકોને) પાણી પીવું જ ગમતું નથી.
આથી આપણે અહીં પાણી પીધા વિના પણ કઈ રીતે હાયડ્રેટેડ રહી શકાય એની ચર્ચા કરીશું. સ્ટર્લિંગ, બોગબોરે અને બન્ગોર યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ સંશોધન દ્વારા જાણ્યું છે કે પાણી સિવાયના બીજા પ્રવાહી (ડ્રિંક્સ) પણ શરીરને હાયડ્રેટેડ રાખી શકે છે. સામાન્યપણે પીવાતા 13 ડ્રિંક્સની પેશાબના આઉટપુટ અને શરીરમાં ફ્લુઇડ બેલેન્સ (પ્રવાહીના સંતુલન) પર શું અસર થાય છે એ જાણવા સંશોધન થયું.
જેમાં એવું જાણવા મળ્યું કે ઘણાં બધા ફ્લુઇડસ (પ્રવાહીઓ) પાણી કરતાં પણ લાંબા સમય સુધી શરીરમાં જળવાઈ રહ્યા હતા. આ ફ્લુઇડ્સમાં સ્ટીલ વોટર, ફિઝ્ઝી વોટર, સ્કિમ્ડ મિલ્ક, હોલ મિલ્ક, કોલા, ડાયટ કોલા, ગરમ ચા, કોલ્ડ ટી, ઓરેન્જ જ્યુસ, કોફી, સ્પોર્ટ્સ ડ્રિન્ક્સ અને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશનનો સમાવેશ હતો. બન્ગોર યુનિવર્સિટીના વિજ્ઞાની નેલ વોલ્શનું એવું કહેવું છે કે ચા અને કોફી પ્રમાણસર પીવાય તો એને કારણે પાણી પીવાની સરખામણીમાં વધુ પ્રવાહી શરીરમાંથી બહાર જતું નથી. સરળ શબ્દોમાં કહીએ તો એનાથી નુકસાન નથી થતું એટલે કોઈને જો પાણીની બોટલ રાખવામાં અગવડ પડતી હોય તો એ પોતાના ડાયટમાં નવા ફુડ્સ અને ફ્લુઇડ્સ સામેલ કરીને પાણીના રોજિંદા ક્વોટાની આપૂર્તિ કરી શકે છે. એવા ઉપયોગી ફુડ્સ અને ફ્લુઇડ્સ પર એક નજર કરીએ :
ફ્રુટ અને વેજિટેબલ જ્યુસ
ફળો અને શાકભાજીના જ્યુસમાં પાણીનું આશરે 85થી 100 ટકા પ્રમાણ હોય છે. ફળોમાં સુગરનું પ્રમાણ હોવાથી એ હાયડ્રેશનમાં અવરોધક બની શકે છે એટલે ફ્રુટ જ્યુસમાં થોડુ પાણી ઉમેરી એનું ગળપણ ઓછું કરી નાખવું અને છતાં જો કોઈને ડાયાબિટિસ હોવાથી ગળ્યા ફળોના જ્યુસ સામે વાંધો હોય તો તેઓ લેમન જ્યુસ અને ચેરીનો તુરો જ્યુસ પીવો જોઇએ.
કલરફુલ ફ્રુટસ અને વેજિટેબલ્સ
ડોક્ટરો કહે છે કે હેલ્ધી રહેવું હોય તો દરેક ટંકના ભોજનમાં અડધી પ્લેટ ભરીને ફ્રુટ્સ અને વેજિટેબલ્સ ખાવા જોઈએ. એકેડેમી ઓફ ન્યુટ્રિશન અને ડાયેટિક્સના જણાવ્યા મુજબ સેલરીમાં ટમેટા, સંતરા અને તરબૂચમાં પાણીનું સૌથી વધુ પ્રમાણ હોય છે. આ ફુડ્સ આપણી બોડીને પાણી, વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર બધું પૂરું પાડશે.
ઓટમિલ
આજનો યુવા વર્ગ નાસ્તામાં ઓટમિલ લેવાનું વધુ પસંદ કરે છે. એટલા માટે કે એ જળ જેટલું જ હાયડ્રેટિંગ ફુડ છે. શા માટે? એટલા માટે કે ઓટ્સને રાંધવા માટે પાણીમાં કે દૂધમાં પલાળો ત્યારે એ ફુલે છે એટલે ક્રિમી ઓટમિલ એક હાઇડ્રેટિંગ ફુડની ગરજ સારે છે. તમે એમાં તરબૂચ, બેરીઝ કે સંતરા જેવા ફ્રેશ ફ્રુટ્સ ઉમેરીને એને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો. એ ઉપરાંત એને લીધે તમારા નાસ્તામાં પ્રવાહીનું પ્રમાણ પણ વધશે.
હેલ્ધી સ્નેક્સ
પોટેટો ચિપ્સ, પ્રેટઝેલ (ગળી બ્રેડની પેસ્ટી) અને ક્રેકર્સ જેવા કાર્બોહાઇડ્રેટનું ઉચ્ચ પ્રમાણ ધરાવતી વાનગીઓ કે નાસ્તા ટાળવા હિતાવહ છે કારણ કે એમાં પાણીનું બહુ ઓછું પ્રમાણ હોય છે. એ પચાવવા માટે વધુ પાણીની જરૂર પડતી હોવાથી શરીરમાં પ્રવાહીનું સંતુલન ખોરવાય છે. આના બદલે યોગર્ટ, હોમ મેઇડ સ્મૂધીઝ અને ફેશ ફ્રુટ્સને બ્રેકફાસ્ટમાં સામેલ કરી હેલ્થ વિશે નિશ્ચિન્ત બની જાવ.
ફ્લેવર્ડ ડ્રિંક્સ
સાદું પાણી વારંવાર પીવાનું ખાસ કરીને બાળકો અને જુવાનિયાઓને બોરિંગ લાગી શકે છે. તેઓ પાણીમાં તાજા ફળો અને હર્બસ પલાળીને એને એક સ્વાદિષ્ટ મિશ્રણ બનાવી શકે છે. એ ઉપરાંત ચામાં તાજુ લીંબુ નીચોવી હોમ મેઇડ આઇસ ટી બનાવી શકાય. કેમોમિલ અથવા ગ્રીન ટીનો એક કપ લો તો પણ મજા પડી જાય. ઈન શોર્ટ, ફ્લેવર્ડ ડ્રિંક્સ પીવા આસાન છે અને એ વારંવાર પીવાનું મન પણ થાય છે. એટલે સાદું પાણી પીવાનું યાદ રાખવાની પણ જરૂર નથી.
ફ્રોઝન ડેઝર્ટ્સ
સૌથી છેલ્લો વિકલ્પ છે ફ્રોઝન ડેઝર્ટસ. લિક્વિડસ, સેમી સોલિડ ફુડ્સ અને ક્યારેક સોલિડ ફુડ ફ્રીઝ કરીને ફ્રોઝન ડેઝર્ટસ બનાવાય છે. એમાં ફ્લેવર્ડ વોટર (સુગંધી જળ), દૂધ, ક્રીમ, ફ્રુટના ટુકડા અને કસ્ટર્ડનો ઉપયોગ થાય છે એટલે ઉનાળામાં ફ્રોઝન ડેઝટર્સ ખાવાથી શરીરનું તાપમાન ઠંડુ રહેવા ઉપરાંત બોડીનું હાયડ્રેશન પણ જળવાઈ રહે છે. પ્રવાહીનું સંતુલન જળવાઈ રહેવાથી ડિહાઈડ્રેશન થવાની શક્યતા રહેતી નથી.