ડ્રાય આઇ સિન્ડ્રોમઃ કમ્પ્યુટર યુગની બીમારી

Wednesday 01st April 2015 05:51 EDT
 
 

આધુનિક યુગની બીમારી એટલે ડ્રાય આઇ સિન્ડ્રોમ. કમ્પ્યુટર પર કામ કરતી વેળા સ્ક્રીનને એકીટશે જોયા કરો અને આંખના પલકારા મારવાનું ભૂલી જાવ તો આ બીમારી થઇ શકે છે. આ ઉપરાંત એર-કન્ડિશનનું સૂકું વાતાવરણ અને કોન્ટેક્ટ લેન્સનો સતત ઉપયોગ પણ આના માટે જવાબદાર છે.

જો આંખમાંથી આંસુ સુકાઈ જાય તો વ્યક્તિને ડ્રાય આઇ સિન્ડ્રોમ થઈ જાય છે, જેને લીધે આંખ સાવ સૂકી થઈ જાય છે. આંખમાં સતત ખંજવાળ આવે, આંખ લાલ થઈ જાય, ખૂબ ઇરિટેશન થાય. ક્યારેક એવું પણ લાગે કે આંખમાં કંઈક કચરો પડ્યો છે જે આંખમાં ખટકે છે. ડ્રાય આઇને કારણે આંખને કોઈ મોટું નુકસાન થતું નથી, પરંતુ સતત તમને એ હેરાન કર્યા કરે છે. એને કારણે વ્યક્તિના કામ પર અને તેના જીવન પર અસર થાય છે. અમુક પ્રકારના હોર્મોનલ બદલાવ, વધતી ઉંમર, અમુક રોગો અને શુષ્ક વાતાવરણ આ બીમારી થવાના મુખ્ય કારણો છે. આ બધાં કારણો તો એવાં છે જેનું નિયંત્રણ આપણા હાથમાં નથી, પરંતુ અમુક કારણો એવાં પણ છે જે આપણે જાતે ઊભાં કર્યા છે અને એને રોકવાં ખૂબ જ જરૂરી બન્યાં છે.

આજકાલ ડ્રાય આઇના પ્રોબ્લેમ્સ વધ્યા જણાય છે. વળી નાની ઉંમરમાં પણ આ તકલીફ થાય છે એની પાછળ કયાં કારણો જવાબદાર છે એ આજે જાણીએ. કોરિયાના સંશોધકોએ કરેલા રિસર્ચ અનુસાર સ્કૂલમાં ભણતાં અને સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતાં બાળકોમાં ડ્રાય આઇનો પ્રોબ્લેમ જોવા મળે છે. આટલી નાની ઉંમરમાં ડ્રાય આઇનો પ્રોબ્લેમ થવા પાછળનું મુખ્ય કારણ સ્માર્ટ ફોનનો ઉપયોગ જ છે એવું આ રિસર્ચમાં જણાવવામાં આવ્યું હતું. ૨૮૮ સ્કૂલનાં બાળકોને આવરી લેતાં આ રિસર્ચમાં બધાં જ બાળકોની આઇ-ટેસ્ટ કરવામાં આવી અને ૨૮ બાળકોમાં ડ્રાય આઇનો પ્રોબ્લેમ જોવા મળ્યો. બાળકોની પૂછપરછ કરતાં ખબર પડી કે જે બાળકો સ્માર્ટ ફોન વાપરતાં હતાં તે બાળકોને જ ડ્રાય આઇનો પ્રોબ્લેમ હતો.

એક સમજવા જેવી વાત એ છે કે આંસુ આંખમાં રહેલાં હોય છે અને જ્યારે આપણે આંખ પટપટાવીએ એટલે કે પલકારા મારીએ ત્યારે એ ક્ષણિક વારમાં આંખને સાફ કરી નાખે છે અને એને ભીની રાખવાનું કામ કરે છે. માણસની આંખ એક મિનિટમાં એવરેજ ૩-૪ વાર પલકારા મારે છે. આ લોજિકની સાથે આ રિસર્ચ પ્રત્યે સહમત થતાં આંખના નિષ્ણાતો કહે છે કે જ્યારે આપણે કોઈ પણ સ્ક્રીનને જોઈએ છીએ અને એ રસની વસ્તુ હોય તો આપોઆપ આપણે આંખ પટપટાવવાનું ભૂલી જતા હોઈએ છીએ. આથી આંખ સાફ થતી નથી અને એ સૂકી થતી જાય છે. આ પ્રક્રિયા વારંવાર બનતી જાય છે ત્યારે વ્યક્તિને ડ્રાય આઇનો પ્રોબ્લેમ થઈ જાય છે. ડ્રાય આઇ સિન્ડ્રોમ ફક્ત સ્માર્ટ ફોન જ નહીં; પણ ટીવી, કમ્પ્યુટર કે કોઈ પણ ગેજેટ્સની સ્ક્રીનને સતત જોયા રાખવાથી થાય ત્યારે આ રોગને કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમના નવા નામથી પણ બોલાવવામાં આવે છે. આજકાલ લોકોમાં જોવા મળતા ડ્રાય આઇ પ્રોબ્લેમ્સ પાછળ આ કારણો મુખ્યત્વે જોવા મળે છે.

ડ્રાય આઇનો પ્રોબ્લેમ અમુક પ્રકારની રોગોની દવા ખાવાથી પણ થઇ શકે છે. જેમ કે, કોઈ માનસિક રોગ કે ડિપ્રેશનમાં એન્ટિ-હિસ્ટેમાઇન કે એન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓથી, કેટલીક બ્લડ-પ્રેશરની દવાઓથી, પાર્કિન્સન્સ ડિસીઝની દવાઓથી કે બર્થ-કન્ટ્રોલ પિલ્સથી પણ ક્યારેક ડ્રાય આઇ થઈ શકે છે. આ ઉપરાંતનાં કારણો જણાવતાં નિષ્ણાતો કહે છે કે જે લોકો સ્મોકિંગ કરતા હોય છે તેમને પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે, કારણ કે સ્મોકિંગ કરતા લોકોમાં સિગારેટનો ધુમાડો આંખની અંદર જાય છે અને આંખને સૂકી બનાવે છે.

આ ઉપરાંત કોન્ટેક્ટ લેન્સ સતત પહેરવાથી પણ આ પ્રોબ્લેમ થાય છે. જ્યારે વ્યક્તિ કોન્ટેક્ટ લેન્સ પહેરે છે ત્યારે વ્યક્તિની આંખ સૂકી થાય છે અને આંખ સૂકી હોય ત્યારે કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખ વધુ સૂકી થાય છે. આમ આ એક સાઇકલ છે. વળી સૂકા વાતાવરણમાં રહેવાથી જેમ ડ્રાય આઇનો પ્રોબ્લેમ થાય છે એમ નકલી સૂકા વાતાવરણ એટલે કે સતત એર-કન્ડિશન્ડ રૂમમાં રહેવાથી પણ આંખ સૂકી થાય છે. જ્યાં એર-કન્ડિશનર ચાલુ હોય ત્યાં વાતાવરણ સૂકું થઈ જાય છે. આવા ડ્રાય વાતાવરણમાં રહેવાથી આંખ સૂકી થવાની જ છે.

તકલીફનો ઉપાય શું?

ડ્રાય આઇનો સંપૂર્ણ ઇલાજ શક્ય નથી અને એક વખત આ રોગ થયા પછી તકલીફ સતત વધતી જાય છે. દવાઓ દ્વારા ફક્ત એનાં લક્ષણો કાબૂમાં લઈ શકાય છે. એટલે આ રોગ જેટલો મોડો આવે એટલું વધુ સારું. એ માટે તમારાં બાળકોને ટીવી, ટેબ્લેટ, સ્માર્ટ ફોન અને કમ્પ્યુટર્સ નિયંત્રિત સમય માટે જ વાપરવા દો. સેન્ટ્રલી એર-કન્ડિશન્ડ રૂમમાં રહેવાનું છોડો. જો ઓફિસમાં ફરજિયાત રહેવું પડતું હોય તો ઘરે ખુલ્લા વાતાવરણમાં રહો. બેલેન્સ જાળવો. ઓફિસોમાં પણ આ બદલાવ લાવવો જરૂરી છે કે બધી ઓફિસ સેન્ટ્રલી એર-કન્ડિશન્ડ ન હોવી જોઈએ, કારણ કે કામ કરવા માટે તમે કમ્પ્યુટરનો ઉપયોગ ટાળી શકો નહીં તો ઓછામાં ઓછું એર-કન્ડિશનનો ઉપયોગ થોડા સમય માટે તો ટાળી જ શકાય. જે લોકો સતત ૧૨-૧૪ કલાક કમ્પ્યુટર સામે બેસીને કામ કરે છે તેમણે જાતે આંખ પટપટાવવાની કોશિશ કરવી. એક મિનિટમાં ૩-૪ વાર પલકારા મારી શકાય એની કાળજી રાખવી. આ ઉપરાંત કામ સિવાય મોબાઇલ અને કમ્પ્યુટરની સામે બેસી રહેવાનું ટાળો.

જે લોકો સ્મોકિંગ કરે છે તેમની આંખને તો નુકસાન થાય જ છે, પરંતુ તેમની આજુબાજુના લોકોની આંખમાં એ સ્મોક જાય તો તેમની આંખ પણ ડ્રાય થવાની શક્યતા વધે છે. આમ પણ ઓવરઓલ હેલ્થ માટે સ્મોકિંગ છોડી દેવું જ બેસ્ટ છે.

જો કોઈ દવાને કારણે આંખ ડ્રાય થઈ હોય તો એ ડોક્ટરો જ સમજી શકે છે. એટલે આંખ ડ્રાય થતી હોય એવું લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો અને તેમની સલાહ મુજબ કરવું. કેમિસ્ટ પાસેથી પ્રિસ્ક્રિપ્શન વગરનાં ડ્રોપ્સ લેવાં હાનિકારક સાબિત થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter