ડ્રાય આઇ સિન્ડ્રોમઃ વય વધવાની સાથે આવતી સમસ્યા

Wednesday 17th September 2025 09:36 EDT
 
 

ડ્રાય આઈ સિન્ડ્રોમ કોઈને પણ થઈ શકે છે. પરંતુ વધતી ઉમર સાથે આ રોગ સામાન્ય બની જાય છે. નિષ્ણાતોના મતે, દર ચારમાંથી ત્રણ વૃદ્ધ લોકો ડ્રાય આઈથી પીડાય છે. તે જ સમયે, સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ પ્રભાવિત થાય છે, ખાસ કરીને મેનોપોઝ પછી. આ સમસ્યાથી બચવા માટે આંખની સંભાળ રાખવી જરૂરી છે. જેના માટે દર 20 મિનિટ પછી 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર જોવા જેવી નાની પદ્ધતિઓ તમારી દૃષ્ટિનું રક્ષણ કરશે.
હકીકતમાં, વધતી ઉંમર સાથે આંખોમાં આંસુ ઉત્પન્ન કરતી ગ્રંથીઓની કાર્યક્ષમતા ઘટે છે. જેના કારણે આંખો સૂકાઈ જાય છે અને બળતરા થાય છે અથવા દૃષ્ટિ ઝાંખી પડવા લાગે છે. એસી, પ્રદૂષણ, અનિદ્રા, તણાવ, લાંબો સ્ક્રીન સમય અને ઓછું પાણી પીવું એ ડ્રાય આઈની સમસ્યાના મુખ્ય કારણો છે. ડ્રાય આઈની સમસ્યાથી કેવી રીતે બચવું અને તેની સારવાર શું છે? તેના વિશે જાણો.
સમસ્યાના સંકેત ક્યા?
જો આંખોમાં આ પ્રકારના કોઇ પણ લક્ષણ જોવા મળતા હોય તો ઘરેબેઠાં ઉપચાર કરવાના બદલે ડોક્ટરનો સંપર્ક કરો અને સલાહ લો.
• આંખોમાં ખંજવાળ, બળતરા અને શુષ્કતા. ધુમાડા કે પવન પ્રત્યે સંવેદનશીલતા.
• લાલાશ, ખંજવાળ ઉપડવી, રેતી જેવી કાંકરી ખૂંચતી હોય તેવો અનુભવ થવો, ઝાંખી દ્રષ્ટિ અને આંખોનો થાક.
• આંખો ખોલવામાં મુશ્કેલી, કોન્ટેક્ટ લેન્સ પહેરવામાં અગવડતા અને પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા.
• આંખોમાંથી સતત પાણી ટપકતું રહેવું, ડબલ દેખાવું, કેટલાક લોકોને અસહ્ય દુખાવો પણ થાય છે.
સમસ્યાનો ઇલાજ શું?
જો ડ્રાય આઈની સમસ્યાથી પીડિત છો તો પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરો અને પછી તેમની સલાહ અનુસાર ઈલાજ કરી શકો છો. આ સમસ્યાના કેટલાક ઇલાજ...
• આઈપીએલ (ઈન્ટેન્સ પક્સ્ડ લાઈટ) થેરપી તૈલ ગ્રંથીઓમાં બળતરા અને બેક્ટેરિયા ઘટાડે છે. આનાથી જોવાની ક્ષમતામાં સુધારો થાય છે.
• લિપિફ્લો થેરપીમાં હળવા દબાણથી ગ્રંથીઓ ખોલીને જમા થયેલું તેલ બહાર કઢાય છે, જે આંખોની શુષ્કતા ઘટાડે છે.
• સ્ટેમ સેલ થેરપી એવા દર્દીઓ માટે ઉપયોગી છે. જેમની આંખોની સપાટીને ગંભીર નુકસાન થયું છે. પ્રારંભિક સંશોધનમાં આ તકનીકને વધુ સારી માનવામાં આવી છે.
સમસ્યાથી બચાવની રીત
• 20-20-20 ફોર્મ્યુલાનું પાલન કરો: દર 20 મિનિટ પછી 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર જુઓ. આને 20-20-20 ફોર્મ્યુલા કહેવામાં આવે છે. આનાથી આંખોને ઘણી રાહત મળે છે.
• નાના સ્ક્રીન બ્રેક લોઃ જો તમે લેપટોપ કે મોબાઈલ જેવી સ્ક્રીન પર લાંબો સમય વિતાવો છો. તો વચ્ચે નાના નાના બ્રેક લો. બ્લુ લાઇટ ફિલ્ટર ચશ્માનો ઉપયોગ કરો.
• હાઈડ્રેશન જાળવોઃ તરસ લાગી હોય તેના કરતાં વધુ પાણી પીવો. સંતુલિત આહાર લો, જેમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય. આ આંખોમાં શુષ્કતાની સમસ્યાને અટકાવશે.
• આંખો પટપટાવો, એલાર્મ સેટ કરો: આંખોને સૂકી થતી બચાવવા માટે, વચ્ચે આંખો પટપટાવો. દર અડધા કલાકે આ કરવા માટે એલાર્મ સેટ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter