તંદુરસ્તી અને ફિટનેસ લેવલનો સંકેત આપતા હૃદયના ધબકારા

Wednesday 30th August 2023 05:39 EDT
 
 

આપણું હૃદય સતત ધબકતું રહે છે, તે આરામ લેતું નથી કારણ કે તેના આરામ સાથે મોત નિશ્ચિત બની જાય છે. તમે કદી વિચાર્યું છે કે હૃદય સરેરાશ પ્રતિ મિનિટ કેટલી વખત ધબકે છે? મોટા ભાગના વયસ્કો ઓછામાં ઓછાં 10 મિનિટ બેસવા કે સૂવાની આરામની સ્થિતિમાં હોય ત્યારે તેમના હૃદય અથવા નાડીના ધબકારા પ્રતિ મિનિટ 60થી 100 જેટલા હોય છે. જો તમે પ્રવૃત્તિમય હોય તેના પ્રમાણમાં આ ધબકારા વધતા રહે છે. કસરત કરતી વખતે ધબકારા વધુ હોય તે સ્વાભાવિક છે. આ ઉપરાંત, વ્યક્તિની જાતિ અને વય, તણાવ, ચિંતાતુરતા, હોર્મોન્સ, મેડિસિન્સ પર પણ રેસ્ટિંગ હાર્ટ રેટનો આધાર રહે છે. હૃદય દરેક ધબકાર સાથે સમગ્ર શરીરને લોહી પહોંચાડે છે જેના થકી શરીરને ઓક્સિજન અને પોષક તત્વો મળે છે તેમજ કચરાનો નિકાલ પણ થાય છે. આપણા હૃદયની ઈલેક્ટ્રિકલ સિસ્ટમ અને એન્ડોક્રાઈન હોર્મોન્સ હૃદયના ધબકારા પર નિયંત્રણ રાખે છે. હૃદયના ધબકારાનો દર તમારી સમગ્રતયા તંદુરસ્તી અને ફિટનેસ લેવલનો સંકેત આપે છે. જો ધબકારા ઝડપી કે ધીમા હોય તો શરીરમાં અથવા હૃદયમાં કશું બરાબર નહિ હોવાનો નિર્દેશ સાંપડે છે. પ્રવૃત્તિ અથવા કસરત દરમિયાન તમારા ધબકારાને જાણી શકવાથી તમારા વર્કઆઉટ્સને વધારવા કે ઘટાડવામાં મદદ મળે છે.
હાર્ટ બીટને કેવી રીતે માપશો?
હવે સવાલ એ થશે કે હૃદયના ધબકારા માપવા કેવી રીતે? તમારી આંગળીના ઉપયોગથી ઘરમાં પણ નાડીનાં ધબકારાને માપી શકાશે. જ્યાં પણ લોહીનું વહન કરતી ધમની ત્વચાની નજીક હોય ત્યાં એટલે કે કાંડા પર, ગરદન પાસે, ઘૂંટણની પાછલી બાજુ, કોણીની અંદર, પગની ઉપર તેમજ સાથળમાં નાડીના ધબકારા સાંભળવા મળશે. કાંડા અથવા ગરદનની બાજુમાં નાડી માપવાનું સૌથી સરળ પડે છે. તમારી પ્રથમ અને મધ્ય આંગળીને કાંડાની બાજુએ રહેલા અંગૂઠાની તદ્દન નીચે આવેલી રેડિયલ આર્ટરી ધમની પર મૂકો. આવું જ તમે ગરદન પરની ધમનીમાં પણ કરી શકો છો. તમને ધબકાર અનુભવાય તે પછી ઘડિયાળ કે ટાઈમરની મદદથી 60 સેકન્ડ સુધી ગણતરી કરો એટલે તમારો ધબકારાનો દર મળી જશે. આ સિવાય, આરામ કે કસરત કરતી વેળાએ હૃદયના ધબકારા કેટલા છે તે માપી શકાય તેવી ઘડિયાળ પણ મળે છે તેમજ ઘરમાં રહેલાં બ્લડ પ્રેશર માપવાના મોનિટરથી પણ તમે હાર્ટ રેટ મેળવી શકો છો. હેલ્થ પ્રોવાઈડર્સ લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ માપવા આંગળી પર મૂકવાના પલ્સ ઓક્સિમીટરનો ઉપયોગ કરે છે તેમાં પણ હાર્ટ રેટ માપી શકાય છે.
સ્ત્રી અને પુરુષના હાર્ટ બીટમાં તફાવત
અમેરિકન હાર્ટ એસોસિયેશનના જણાવ્યા મુજબ આરામની સ્થિતિમાં પુરુષ અને સ્ત્રીનાં હાર્ટ રેટ્સમાં કોઈ તફાવત હોતો નથી. જોકે, કેટલાક સંશોધનો અનુસાર પુરુષોની સરખામણીએ સ્ત્રીનાં હાર્ટ રેટ્સ પ્રતિ મિનિટ 4.4 ધબકાર વધુ હોય છે. આનુ કારણ એ છે કે સામાન્યપણે સ્ત્રીની ઊંચાઈ ઓછી હોય છે અને હૃદયના પ્રત્યેક આંકુચન-સંકોચન કે ધબકાર વખતે ઓછું લોહી પંપ કરવાનું રહે છે. એક રિવ્યુ એમ પણ કહે છે કે આરામની સ્થિતિમાં વયસ્ક પુરુષનો હાર્ટ રેટ પ્રતિ મિનિટ 70થી 72ની વચ્ચે રહે છે જ્યારે આવી જ સ્થિતિમાં વયસ્ક સ્ત્રીના હાર્ટ રેટ પ્રતિ મિનિટ 78થી 82ની વચ્ચે રહે છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter