ગરમીના સમયગાળામાં જ્યારે શરીરમાં આંતરિક ગરમી કે પિત્ત વધી જાય છે ત્યારે પગના તળિયામાં બળતરા, પરસેવો થવો, વારંવાર તરસ લાગવી, એસિડિટી થવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ સમસ્યાને તજા ગરમી કહેવામાં આવે છે. ગરમીના દિવસોમાં આવું થવું સામાન્ય છે. ગરમીના દિવસોમાં શરીરમાં પિત્તદોષ વધે ત્યારે આ પ્રકારની તકલીફ થાય છે. આ સિવાય વધારે પડતો ગરમ અને મસાલેદાર ખોરાક વધારે ખાવાથી પણ તજા ગરમી વધે છે. અહીં તમને કેટલાક ઉપાયો વિશે જણાવીએ છીએ જેમાંથી તમને માફક આવે અને તમને અનુકૂળ હોય તેવો ઉપાય તમે અપનાવી શકો છો.
• કાળી દ્રાક્ષ: તજા ગરમી પિત્ત દોષ વધવાથી વધે છે. ઉનાળામાં પિત્ત દોષને શાંત કરવા અને પગના તળિયાની બળતરા મટાડવા માટે કાળી દ્રાક્ષ ફાયદાકારક છે. સુકી કાળી દ્રાક્ષની પ્રકૃતિ ઠંડી હોય છે. તેનાથી ખાવાથી બળતરાથી રાહત મળી શકે છે. કાળી દ્રાક્ષને રોજ રાત્રે પાણીમાં પલાળો અને બીજા દિવસે સવારે નરણાં કોઠે દ્રાક્ષ ચાવીને ખાઈ લેવી અને દ્રાક્ષનું પાણી પણ પી લેવું.
• સુકા ધાણા: શરીરની પિત્તની સમસ્યા દુર કરવા અને પગના તળિયાની બળતરા શાંત કરવા માટે સુકા ધાણા પણ ઉપયોગી છે. સુકા ધાણા શરીરને ઠંડક આપે છે. તેનો ઉપયોગ કરવા માટે સુકા ધાણાને રાત્રે પાણીમાં પલાળી દો. બીજા દિવસે સવારે ધાણાનું પાણી પી લેવું. ધાણાનું પાણી પીવાથી પેશાબમાં થતી બળતરા, સ્કિન એલર્જીથી પણ રાહત મળી શકે છે.
• વરિયાળી અને સાકર: શરીરની ગરમીને શાંત કરવા અને પિત્ત દોષ ઓછો કરવા માટે વરિયાળી અને સાકર પણ લઈ શકાય છે. વરિયાળી અને સાકર પેટની ગરમીને શાંત કરશે અને પગના તળિયાની બળતરા પણ મટશે. તેના માટે જમ્યા પછી નિયમિત સાકર અને વરિયાળી ખાવી. આ સિવાય વરિયાળી પલાળેલું પાણી પણ પી શકાય છે.


