તમને કઇ રીતે ઊંઘવાની ટેવ છે?

સદાબહાર સ્વાસ્થ્ય

Tuesday 21st February 2017 03:03 EST
 
 

લોકો સદાબહાર સ્વાસ્થ્ય માટે ખાણીપીણી પર તો પૂરતું ધ્યાન આપે છે, પરંતુ આપણી જીવનશૈલીનો મહત્ત્વનો હિસ્સો એવી ઊંઘવાની સ્થિતિ પર ભાગ્યે જ કોઇ ધ્યાન આપે છે. આનું કારણ એ છે કે ઊંધા કે ચત્તા સૂવાથી સ્વાસ્થ્ય અને જીવનધોરણ પર સારી અને ખરાબ એમ બંને રીતે અસર પડતી હોવાનું બહુ ઓછા લોકો જાણે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઊંઘવાની સ્થિતિ પણ જીવનધોરણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, ડાબા પાસાંથી સૂવાથી ખરાબ સપનાં આવે છે અને જમણી બાજુનાં પાસાંથી સુવાથી હાર્ટબીટ કાબૂમાં રહે છે. ઊંઘવાની સ્થિતિ સ્વાસ્થ્ય માટે મોટો ભાગ ભજવે છે. અહીં ઊંઘવાની સ્થિતિના પાંચ પ્રકાર અને તેના સારાં તથા ખરાબ પાસાંને જોઈએ.

ડાબા પાસાંએ સૂવાની અસર

સારાં પાસાંઃ આ દેશમાં, બ્રિટનમાં સામાન્ય રીતે ૨૦ ટકા લોકો હાર્ટની સમસ્યાથી પીડાતા હોય છે અને ડાબા પાસાંથી સૂતાં લોકોને પૂછવામાં આવતાં તેઓ હાર્ટની સમસ્યામાં ફાયદો થવાની વાત કબૂલી હતી. હાર્ટના લક્ષણો મોટા ભાગે રાત્રિના સમયમાં વધારે અસરકરે છે તેમ ડો. મેથ્યુએ જણાવતાં કહ્યું કે, આ ફાયદો કઈ રીતે થાય છે તે અમે ચોક્કસ રીતે કહી શકતાં નથી, પણ જે લોકો ડાબા પાસાંથી ઊંઘે છે તેઓને પેટમાં ઝરતાં એસિડના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે જે હાર્ટને અસર કરે છે.

નરસા પાસાંઃ તુર્કીની યુઝુન્સુ ચીલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે લોકો ડાબા પાસાંથી સૂવે છે તેમાંથી ૪૦.૯ ટકા લોકોને રાત્રે ખરાબ સપનાનો અનુભવ થાય છે. જેની સામે જમણી બાજુનાં પાસાંથી સૂતાં લોકોમાંથી ફક્ત ૧૪.૬ ટકા લોકોને જ આ અનુભવ થયો છે.

ચત્તા સૂવાની અસર

સારાં પાસાંઃ જે લોકોને કમરનો દુખાવો હોય તો તેઓએ આરામદાયક ઓશિકું મૂકીને ચત્તા સૂવું જોઈએ. આ ઓશિકાને માથા તથા ઘૂંટણની નીચે એ રીતે રાખવું કે તેઓ થોડા ઊંચા રહે. આ ઉપરાંત તે આરામદાયક ઊંઘમાં પણ મદદગાર છે તેમ લંડનની હોપ ઓસ્ટિયોપથીએ જણાવ્યું છે.

નરસાં પાસાંઃ કેટલાક તારણો પરથી એવું જાણવા મળ્યું છે કે, ચત્તા સૂવાથી કેટલીક સમસ્યા વધી જાય છે. જેમ કે, લોકોને ચત્તા સૂવાને કારણે વધારે નસકોરાં બોલે છે અને નસકોરાં બોલવાથી શ્વાસ આશરે ૧૦ સેકન્ડ સુધી રોકાઈ જાય છે. આનાથી સ્વાસ્થ્યની ગંભીર સમસ્યા ઉદ્ભવી શકે છે. આનાથી ઓછા બ્લડપ્રેશરને કારણે ડાયાબિટીસની ગંભીર તકલીફ થઈ શકે છે. ચત્તા સૂવાને કારણે વ્યક્તિની જીભ ગળામાં જતી રહે છે. અને ઊંઘને કારણે તેની અસર દેખાતી નથી. એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે ચત્તા સૂવાને કારણે દાંત પીસાય છે અને જડબા ભીંસાવાની સમસ્યા ઉદભવે છે.

સંકોચાઈને સૂવાની અસર

સારા પાસાંઃ સર્વેક્ષણમાં કહેવામાં આવે છે કે, રાત્રિના સમયમાં સૂવા માટે આ સારી સ્થિતિ છે. સંકોચાઈને સૂવાથી કમરના હાડકાંને ફ્લેક્સિબલ રહેવાની તક મળે છે. આ ઉપરાંત શ્વાસ લેવામાં કોઈ સમસ્યા નડતી નથી. અન્ય સર્વેક્ષણમાં પણ આ સ્થિતિને આરામદાયક ગણવામાં આવી છે. બાળકની જેમ સૂવાથી રાત્રિ વધારે આરામદાયક લાગે છે.

નરસા પાસાંઃ જો કોઈ વ્યક્તિ ગળાના દુઃખાવાની સમસ્યાથી પીડાતી હોય તો તેના માટે આ સ્થિતિ સાંધામાં દુઃખાવો વધારી શકે છે. એમી હોપે જણાવ્યું હતું કે, વિચારો કે જો લોકો ગાળાના સમતોલન માટે ઓશિકાનો ઉપયોગ કરતા હોય તો આવી પરિસ્થિતિમાં ઓશીકું શું કામમાં આવી શકે છે? ગળા અને કાન વચ્ચેનો સંબંધ જોતાં તેમના વચ્ચેનો ગેપ વધી જાય છે. જો માથું સમતોલ ના હોય તો ખભામાં સમસ્યા સર્જાઈ શકે છે. જો કોઈ કમરની સમસ્યાથી પીડાતું હોય તો તેણે પગની વચ્ચે નાનું ઓશિકું રાખવું જોઈએ.

જમણાં પાસાંએ સૂવાની અસર

સારાં પાસાંઃ જો કોઇ વ્યક્તિ હાઈ બ્લડપ્રેશરની તકલીફ ધરાવતી હોય તો તેમણે જમણી બાજુએ સૂવું જોઈએ. આથી ડાબી બાજુએ આવેલા હાર્ટને વધારે સ્પેસ મળી રહે છે. આ સ્થિતિમાં સૂવાથી બ્લડપ્રેશર કાબૂમાં રહેવાની સાથે હાર્ટબીટ પણ સામાન્ય રહેવા પામે છે. ડાબી કે જમમી બાજુ સૂવાથી મગજને તણાવમુક્ત રહેવામાં મદદ મળે છે. આ ઉપરાંત અલ્ઝાઇમર્સથી બચી શકાય છે. સૂતાં સમયે મગજ વધારે એક્ટિવ થઈ જાય છે, જેનાથી તેને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

નરસાં પાસાંઃ જો કોઈ પ્રેગનન્ટ મહિલા હોય તો તેને જમણી બાજુનાં પાસાંથી સૂવાથી મૃત બાળકને જન્મ આપવાનું જોખમ વધી જાય છે તેમ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે. ન્યૂઝિલેન્ડની યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડના અભ્યાસકારોએ ૧૫૫ મૃત બાળકોને જન્મ આપનાર અને ૩૧૦ જીવતા બાળકોને જન્મ આપનાર મહિલાઓનો અભ્યાસ કરીને આ તારણ કાઢ્યું છે.

ઊંધા સૂવાની અસરઃ

સારાં પાસાંઃ ઊંઘવાની સ્થિતિ અંગેના અભ્યાસનું તારણ કરનારા સર્વેક્ષણકાર ઇડઝિકોવસ્કીનું માનવું છે કે, ઊંઘા સૂવાની સ્થિતિ તદ્દન ફ્રી સ્ટાઇલ છે અને તેને કારણે વધારે જમી લીધું હોય તો પણ સમસ્યા સર્જાતી નથી. સૂવાની આ એક શ્રેષ્ઠ સ્થિતિ છે. આ ઉપરાંત હોંગકોંગની શું યાન યુનિવર્સિટીના અભ્યાસકારોએ જણાવ્યું છે કે, અન્ય કોઈ પણ સ્થિતિમાં સૂવા કરતાં ઊંધા સૂવાથી સૌથી રોમાંચક સપનાં આવે છે.

નરસાં પાસાંઃ બ્રિટિશ સર્વેક્ષણકાર રિશી પોટે કહે છે કે, આ સ્થિતિ સૌથી ખરાબ છે, ઊંધા સૂવા દરમિયાન લોકોએ તેમનાં ગળા અને નાકને કલાકો સુધી એક તરફ વાળી દેવાં પડે છે, જેને કારણે શ્વાસ લેવામાં તકલીફ ઉત્પન્ન થાય અને ગળાના સાંધામાં દુખાવો થાય. આ રીતે ગળા ઉપરાંત કમરના ભાગમાં દુઃખાવો ઉત્પન્ન થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter