કોઇ એમ કહે કે પગ તમારા શરીરનો અરીસો છે આશ્ચર્ય નહીં પામતા, આ સત્ય હકીકત છે. ડાયાબિટીસથી લઇને બ્લડ ક્લોટ, હૃદયની સમસ્યાઓ તેમજ કેન્સર જેવી બીમારીઓના સંકેત પણ પગ પરથી મળી રહે છે. પગના દેખાવને, તેની સ્થિતિને ઘણી વાર અવગણવામાં આવે છે. સતત ઝણઝણાટ, વાળ ખરવા, અચાનક સોજો, રંગમાં બદલાવ, અથવા તો નખ નીચે કાળા ડાઘા... આ બધા નાના દેખાતા લક્ષણો ગંભીર બીમારીના સંકેતો હોઈ શકે છે. પગની નાની સમસ્યાઓને પણ હળવાશથી ન લો, કારણ કે તે જીવલેણ સાબિત થઈ શકે છે. તો ચાલો, આજે આપણે પગના 10 મહત્વપૂર્ણ લક્ષણો વિશે જાણીએ કે જેને ક્યારેય અવગણવા ન જોઈએ. આ લક્ષણો ડાયાબિટીસ, યુરિક એસિડ અથવા તો કેન્સરનાં હોઈ શકે છે.
1) પગમાં ઝણઝણાટી કે બળતરા
આ પેરિફેરલ ન્યુરોપથીનું લક્ષણ હોઈ શકે, જે ડાયાબિટીસનું લક્ષણ છે. જો રાત્રે આ તકલીફ વધુ થતી હોય તો તમારા સુગરનું લેવલ તપાસવું જોઇએ.
2) પગના વાળ ખરવા
પગ પર વાળનો અભાવ રક્ત પરિભ્રમણમાં ખામી, પેરિફેરલ વેસ્ક્યુલર બીમારીના સંકેત હોઈ શકે છે. તે હૃદય રોગની નિશાની હોઈ શકે છે.
3) પગમાં અચાનક સોજો આવવો
આ ડીપ વેઇન થ્રોમ્બોસિસ-લોહી ગંઠાઈ જવાનું મહત્ત્વનું લક્ષણ છે. જો તમે લાંબા સમય સુધી પથારીવશ રહો છો અથવા સર્જરી પછી આ રીતે રહેવાની ફરજ પડે છે તો જોખમ વધી જાય છે.
4) રાત્રે અંગૂઠામાં તીવ્ર દુખાવો
રાત્રે અંગૂઠામાં અચાનક તીવ્ર દુખાવો, લાલાશ જોવા મળે તો એ ગાઉટ અને યુરિક એસિડના ઊંચા સ્તરનું લક્ષણ હોઈ શકે. જો આ લક્ષણો સતત રહે, તો યુરિક એસિડની તપાસ કરાવવી જોઈએ.
5) નખ નીચે કાળાં નિશાન કે રેખા
આ સબંગ્યુઅલ મેલાનોમા (ત્વચા કેન્સર)ની નિશાની છે. તે ત્યારે થાય છે જ્યારે નખની નીચે મેલાનિન કોષો વધે છે. જો તમને નખની નીચે કાળાશ પડતા ભૂરા રંગની છટા દેખાય, તો ડોક્ટરની સલાહ અવશ્ય લો.
6) નખમાં લાલાશ અને સોજો
નખ પર લાલાશ એ પગના નખમાં ફંગસ વધી રહી હોવાનો પ્રારંભિક સંકેત હોઈ શકે છે. જો સારવાર ન કરવામાં આવે તો, આ ચેપ ગંભીર બની શકે છે.
7) પગ ઠંડા તથા પીળા પડી જવા
આ નિશાની નબળા રક્ત પરિભ્રમણની છે. જ્યારે હૃદયથી પગ સુધી પૂરતું લોહી પહોંચતું નથી, ત્યારે તેનો રંગ અને તાપમાન બદલાય છે.
8) વારંવાર ઘૂંટી વળી જવી
જો તમારા પગની ઘૂંટી વારંવાર વળી જાય છે, તો તે પગની અસ્થિરતા દર્શાવે છે. વારંવાર પગ વળી જવાથી રજ્જૂ અથવા કોમલાસ્થિને નુકસાન થઈ શકે છે.
9) પગ ઉપાડવામાં અસમર્થ, શક્તિનો અભાવ
જો તમને પગ ઉંચો કરવામાં સતત તકલીફ પડતી હોય, તો આ સંકેત ચેતામાં ખેંચાણ અથવા કરોડરજ્જુની સમસ્યાને કારણે હોઈ શકે છે.
10) દુખાવા વગર પણ પગમાં સોજો આવવો
ડાયાબિટીસ ધરાવતા લોકોમાં આ લક્ષણ ત્યારે જોવા મળે છે જ્યારે હાડકા અને સાંધાનું બંધારણ ધીમે ધીમે બગડે છે. આવી સમસ્યા થાય ત્યારે એક્સ-રે કરાવો અને વહેલા આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.


