તમારાં રસોડાંને બનાવો તમારું ‘હોમ કિલિનિક’...

Wednesday 20th August 2025 07:15 EDT
 
 

ભારતીય ઔષધ પરંપરામાં આગવું સ્થાન ધરાવતું આયુર્વેદ કહે છે, ‘જમવાનું તમારા માટે દવા બને તો કોઈ દવા લેવાની જરૂર ન પડે.’ આપણા ઘરમાં, રસોડામાં, વાવેતરમાં એવી અનેક ઔષધિઓ છે જે રોગ થતાં પહેલાં અને પછી બંને સમયે કામ આવે છે. રસોડામાં સરળતાથી મળતી ઔષધિઓ, જેમ કે શતાવરી, અશ્વગંધા અને હળદરનો નાની માત્રામાં ઉપયોગ કરવાથી તમારું સ્વાસ્થ્ય નોંધપાત્ર રીતે સુધરી શકે છે. યોગ્ય ઉપયોગથી આ પ્રાકૃતિક ઔષધિઓ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, રોગો દૂર કરે છે અને સંતુલન જાળવે છે. આજે દરેક ઔષધિના ફાયદા અને રસોડામાં તેનો ઉપયોગ જાણો.

• શતાવરી
શતાવરી એ ઔષધિ છે, જે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક ગણાય છે. રસોડામાં તેનો ઉપયોગ શાકમાં કે ચૂર્ણ તરીકે કરી શકાય, જે દૂધ સાથે મિક્સ કરીને લેવાથી શરીરને શક્તિ આપે છે. તે હોર્મોનલ સંતુલન જાળવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દરરોજ ઓછી માત્રામાં લેવાથી તેનો સારો ફાયદો થાય છે, જે મહિલાઓના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. ગર્ભાવસ્થા અને પ્રસૂતિ પછી શતાવરીનો ઉપયોગ વિશેષ રીતે ફાયદાકારક છે, કારણ કે તે શરીરને પુનઃસ્થાપિત કરે છે. રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોવાથી તેનો ઓછી માત્રામાં નિયમિત ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે.

• અશ્વગંધા
અશ્વગંધા એ પુરુષોના સ્વાસ્થ્ય માટે જાણીતી ઔષધિ છે, જે શરીરની શક્તિ અને સ્થિરતા વધારે છે. રસોડામાં તેનો ઉપયોગ ચૂર્ણ રૂપે દૂધમાં મિક્સ કરીને કરી શકાય. ખાસ કરીને રાત્રે સુતા પહેલાં એક ચમચી લેવાથી તણાવ દૂર થાય છે. તે રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે, જે પુરુષોના દૈનિક જીવન માટે ફાયદાકારક છે. પુરુષો માટે શારીરિક શક્તિ અને માનસિક સ્થિરતા માટે અશ્વગંધા અત્યંત ઉપયોગી છે. હા, તેના વધુ પ્રમાણમાં સેવનથી ખોટા પરિણામો મળી શકે, તેથી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

• અર્જુન છાલ
અર્જુન છાલ હૃદયના સ્વાસ્થ્ય માટે એક ઉત્તમ ઔષધિ છે, જે રક્તપ્રવાહ અને હૃદયની સબળતા વધારે છે. રસોડામાં તેનો ઉપયોગ કડવી ચા બનાવવા માટે કરી શકાય. દરરોજ સવારે એક કપ પીવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. તે હૃદયની સંભાળ માટે ખૂબ જ લાભદાયક છે, જો હૃદય સંબંધિત કોઇ સમસ્યા હોય તો અર્જુન છાલનો નિયમિત ઉપયોગ ફાયદો કરી શકે છે, પરંતુ એ ન ભૂલશો કે મર્યાદિત માત્રામાં જ તેનો ઉપયોગ કરવો જોઈએ.

• પુનર્નવા
પુનર્નવા લિવરની સફાઈ અને સુધારા માટે જાણીતી ઔષધિ છે, જે શરીરના ઝેરી પદાર્થોને દૂર કરે છે. રસોડામાં તેનો ઉપયોગ શાકમાં કે કાઢા તરીકે કરી શકાય. અથવા તો એક ચમચી પાઉડર પાણી સાથે લેવાથી લિવરની ચરબી દૂર થાય છે. તે પાચન શક્તિ પણ સુધારે છે, જે લિવરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોવાથી પુનર્નવાનો નિયમિત ઉપયોગ લિવરને મજબૂત બનાવે છે.

• આંબળા
આંબળા વિટામિન સીનો ખજાનો છે, જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. રસોડામાં તેનો ઉપયોગ જ્યુસ, ચટણી કે મુરબ્બા તરીકે કરી શકાય. દરરોજ તેનો જ્યુસ પીવાથી ત્વચા ખીલે છે. બાળકો માટે તે ઉત્તમ દવા છે. તેનો સ્વાદ સુધારવા તેમાં મધ ઉમેરી શકાય. વધુ પ્રમાણમાં સેવન ટાળવું, કારણ કે તે એસિડિટી વધારી શકે છે.
• હળદર
ગળાના રોગો અને શરીરના સંક્રમણનો સામનો કરવા માટે હળદર ઉત્તમ ઔષધિ છે. હળદર એન્ટી-બેક્ટેરિયલ ગુણો ધરાવે છે. રસોડામાં તેનો ઉપયોગ શાકમાં કે દૂધમાં મિક્સ કરીને કરી શકાય. દૂધ સાથે પીવાથી ગળાની સમસ્યા દૂર થાય છે. દરરોજ ઓછી માત્રામાં લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

• લવિંગ
લવિંગ દાંતના દુખાવા અને મોંની સમસ્યાઓ માટે ઉત્તમ ઔષધિ છે, જે બેક્ટેરિયાને દૂર કરે છે. રસોડામાં તેનો ઉપયોગ ચા કે મોંની સફાઈ માટે કરી શકાય. દરરોજ એક લવિંગ ચાવવાથી દાંતનો દુખાવો દૂર થાય છે. તે શ્વાસમાં સુગંધ લાવે છે અને મોંના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. ઉપરાંત એ પાચનમાં પણ મદદ કરે છે.

ઉપચાર તો તમારા રસોડામાં વર્ષોથી રાખેલા મસાલાઓમાં છુપાયેલાં જ છે! આયુર્વેદ એવું કહે છે કે ‘જમવું એ પણ દવા છે, જો સમજો તો!’ એટલે કે તમારું રસોડું જ તમારું ‘હોમ ક્લિનિક’ બની શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter