આ પૃથ્વી પરના ‘બ્લૂ ઝોન’માં વસતા લોકો સામાન્ય રીતે 90થી 100 વર્ષ સુધી જીવે છે અને તે પણ કોઈપણ પ્રકારની ગંભીર બીમારી વિના. આનું કારણ શું? શું આ ભૌગોલિક સ્થળની કોઇ આગવી વિશેષતા છે જે વ્યક્તિને તન-મનથી સ્વસ્થ રાખે છે?ના.... હકીકત તો એ છે કે આપણા સહુના આરોગ્યનું રહસ્ય સમાયું છે કે તંદુરસ્ત જીવનશૈલી અને પોષણયુક્ત આહારશૈલીમાં.
પરંતુ વાત આગળ વધારતા પહેલા એ જાણીએ એ કે ‘બ્લૂ ઝોન’ એટલે ક્યા દેશો. દુનિયામાં પાંચ મુખ્ય બ્લૂ ઝોન છેઃ ઇકરિયા (ગ્રીસ), ઓગ્લિયાસ્ટ્રા સાર્ડિનિયા (ઇટલી), ઓકિનાવા (જાપાન), નિકાયા પેનિનસુલા (કોસ્ટા રિકા) અને લોમા લિન્ડા - કેલિફોર્નિયા (અમેરિકા). અમેરિકી લેખક ડેન બ્યૂટનરે આ જગ્યા શોધી હતી. તેમણે જાણ્યું કે અહીંના વૃદ્ધોમાં ખાણીપીણી અને જીવનશૈલી સાથે જોડાયેલી કેટલીક ખાસ આદત છે, જે તેને નિરોગી રાખી લાંબું આયુષ્ય આપે છે. એવામાં જાણીએ બ્લૂ ઝોનમાં રહેનારા લોકોની એવી પાંચ આદતોને જે તેને લાંબું આયુષ્ય આપે છે.
95 ટકા ભોજન શાકાહારી
બ્લૂ ઝોનના રહેતા મોટાભાગના લોકોના ડાયટમાં શાકભાજી, દાળ, બીન્સ, આખું અનાજ અને નટ્સ સામેલ હોય છે. તે માંસાહાર ઓછું કરે છે. ઈકરિયા અને સાર્ડિનિયામાં કેટલાક લોકો માછલી ખાય છે, જેમાં તેમને ઓમેગા-3 મળે છે.
ભૂખના માત્ર 80 ટકા જ ભોજન
જાપાનના ઓકિનવાના લોકો ‘હારા હાચીબુ’ નિયમનું અચૂક પાલન કરે છે. જેનો અર્થ થાય છે કે ભૂખ લાગતા 80 ટકા પેટ ભરવાનું છે, 20 ટકા પેટ ખાલી રાખવાનું છે. ધીરે-ધીરે ખાવાથી ભૂખ જલ્દી શાંત થાય છે અને ઓછી કેલેરી લેવાથી લાંબા આયુષ્યમાં મદદ મળે છે.
જિમ નહીં, ઘરેલુ કામ કરે છે
અહીંના લોકો પોતાને ચુસ્ત-દુરસ્ત રાખવા વર્કઆઉટ પર નિર્ભર નથી રહેતા, પણ દિનચર્યામાં શારીરિક ગતિવિધિઓને સામેલ કરે છે. જેમ કે - ખેતરોમાં કામ, બાગકામ કરે છે. પગપાળા ચાલવાને પ્રાધાન્ય આપે છે અને સીડીઓ ચઢે છે.
દરરોજ 7થી 8 કલાકની ઊંઘ
બ્લૂ ઝોનમાં રહેનારા મોટાભાગના લોકો દરરોજ 7થી 8 કલાકની ઊંઘ લે છે. જેમાંથી ઘણી જગ્યાએ બપોરે થોડું ઝોંકુ લેવાની પણ પ્રથા છે.
સામાજિક અને પારિવારિક જોડાણ
અહીંના લોકોના અંગત સંબંધો ખૂબ જ મજબૂત હોય છે. તે ધાર્મિક કે આધ્યાત્મિક ગતિવિધિઓમાં ભાગ લે છે. પરિવારની ત્રણ પેઢીઓ એક સાથે રહે છે. ઓકિનાવામાં ‘મોઆઈ’ નામથી એવું નજદિકી મિત્રસમૂહ હોય છે, જે જીવનભર એક-બીજાનો સાથ દે છે. કોઈ પ્રકારની અપ્રિય ઘટના જેમ કે પરિવારમાં મૃત્યુ, દુર્ઘટના થવા પર આ સમૂહ સાથ દે છે.
જીવનમાં હંમેશા સકારાત્મક હેતુ
અમેરિકી લેખક બ્યૂટનર અનુસાર બ્લુ ઝોન કોસ્ટારિકાના લોકો સમગ્ર જીવનને એક સકારાત્મક હેતુ સાથે જીવે છે. તેને તે લોકો ‘પ્લાન દે વિદા’ તરીકે ઓળખે છે. જે જાપાની અવધારણા ઇકિગાઈ જેમ છે. ઉદાહરણ તરીકે, જો તે 90ની વયે સંતરાનો છોડ ઉગાડશે તો તેની યોજના પણ બનાવે છે કે જ્યારે તેમાં ફળ લાગશે તો ચોક્કસ તેનો સ્વાદ ચાખશે.


