તમારું શરીર ઘરડું ક્યારે થાય છે? (ભાગ-૧)

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 10th February 2016 08:36 EST
 
 

તમારું શરીર ઘરડું થઈ રહ્યું છે એની નિશાની શું? વાળ સફેદ થવા લાગે અને સ્કિન પર કરચલીઓ પડવા લાગે એ? વૃદ્ધત્વ એટલે શરીરના વિવિધ અવયવો કાળક્રમે વૃદ્ધિ પામતા અટકે એ સમયગાળો. બાળકના જન્મ પછીથી લગભગ ૧૫થી ૧૮ વર્ષનો ગાળો વિકાસનો ગણાય. આ પછીથી શરીરનો વિકાસ થવાનું બંધ થાય ને અવયવોની કાર્યક્ષમતા ક્રમશઃ ઘટતી જાય. જોકે દરેક અવયવની કાર્યક્ષમતા ઘટવાનો સમયગાળો જુદો-જુદો હોય છે. તબીબી નિષ્ણાતોએ વિવિધ અવયવો પર ક્લિનિકલ રિસર્ચ કરીને શરીરના અવયવો ક્યારે વૃદ્ધ થવા લાગે છે એની એક સરેરાશ ઉંમર શોધી છે.

મગજઃ ૨૦ વર્ષ પછીથી

બ્રેઇન નર્વ સેલ્સની મદદથી કાર્ય કરે છે. માનવમગજ સંપૂર્ણ વિકસિત થાય ત્યારે મગજમાં આશરે ૧૦૦ કરોડ નર્વ કોષો હોય છે. વ્યક્તિ ૨૦ વર્ષની થાય એ પછીથી આ નર્વ કોષોની સંખ્યા ઘટતી જાય છે. ૪૦ વર્ષની ઉંમર પછીથી તો નિયમિતપણે દરરોજ ૧૦,૦૦૦ નર્વ કોષો નાશ પામે છે, જેના કારણે યાદશક્તિ ઘટે છે અને મગજની કાર્યક્ષમતા ધીમી પડે છે.

ફેફસાંઃ ૨૦ વર્ષ પછીથી

વ્યક્તિ ૨૦ની થાય એ પછીથી ફેફસાંની કાર્યક્ષમતા ધીમી પડવાની શરૂ થઈ જાય છે. ફેફસાંની કાર્યક્ષમતા ખૂબ જ ધીમી ગતિએ ઘટે છે. ૪૦ વર્ષે ઘણા લોકો બ્રેથલેસનેસ અનુભવવા લાગે છે. ત્રીસ વર્ષની વયે એક સરેરાશ વ્યક્તિ એક શ્વાસમાં લગભગ એક લિટર જેટલી હવા અંદર ખેંચી શકે છે, જ્યારે ૭૦ વર્ષની વયે ફેફસાંની હવા અંદર લેવાની ક્ષમતા લગભગ અડધી થઈ જાય છે.

ત્વચાઃ ૨૦ વર્ષ પછીથી

વીસ વર્ષ સુધી સ્કિન નેચરલ ગ્લોવાળી, સુંવાળી અને ટાઇટ રહે છે. એ પછીથી ત્વચા પર મૃતકોષોની જમાવટ થવાનું પ્રમાણ વધે છે. મૃતકોષોની જગ્યાએ નવા કોષો પેદા થવાનું પ્રમાણ ઘટે છે. જોકે આની અસર તરત જ ત્વચા પર દેખાતી નથી. જો વીસીમાં ત્વચાની યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો જ ત્રીસ વર્ષ પછીથી એની વિપરીત અસરો દેખાય છે અને ત્વચા ખરબચડી અને કરચલીવાળી થવા લાગે છે.

વાળઃ ૩૦ વર્ષ પછીથી

પુરુષોમાં હેર લોસ સામાન્ય રીતે ત્રીસીમાં દેખાય છે. ત્વચાની અંદરનાં ફોલિકલ્સમાંથી ઊગતો દરેક વાળ ત્રણ વર્ષ સુધી રહે છે અને પછી એની મેળે ખરી પડે છે. ત્રીસ વર્ષની ઉંમર પછીથી બીજો નવો ઊગતો વાળ પહેલાં કરતાં પાતળો અને ટૂંકો હોય છે. આમ ૩૫ વર્ષ પછી ઓવરઓલ વાળનો ગ્રોથ ઘટતો જાય છે અને વાળ, પાંખા, પાતળા, બટકણા થતા જાય છે.

સ્નાયુઓઃ ૩૦ વર્ષ પછીથી

યંગ એજમાં સ્નાયુઓ વિકસે પણ છે અને તૂટે પણ છે. સામાન્ય સંજોગોમાં નાની ઉંમરે સ્નાયુઓ બિલ્ડ-અપ થવાનું અને બ્રેક-જાઉન થવાનું પ્રમાણ સરખું હોય છે. ૩૦ વર્ષ પછી મસલ્સનું બ્રેક-ડાઉન થવાનું પ્રમાણ વધે છે અને બિલ્ડ-અપ થવાનું પ્રમાણ ઘટે છે. ૪૦ વર્ષ પછી જો નિયમિત એકસરસાઇઝ થકી સ્નાયુઓની જાળવણી કરવામાં ન આવે તો વ્યક્તિ સરેરાશ ૦.૫થી બે ટકા જેટલા સ્નાયુઓ દર વર્ષે ગુમાવે છે.

હાડકાંઃ ૩૫ વર્ષ પછીથી

શરીરનાં અન્ય કોષોની જેમ હાડકાં પણ અમુક વર્ષે આખેઆખા રિપ્લેસ થઈ જતાં હોય છે. બાળકોનાં હાડકાં દર બે વર્ષે આખેઆખાં ચેન્જ થઈ જાય છે. પુખ્તોના શરીરમાં હાડકાં પૂરેપૂરાં બદલાતાં દસેક વર્ષ લાગે છે. ૨૦ વર્ષની ઉંમર બાદ હાડકાંમાં ઓસ્ટિયોબ્લાસ્ટ તરીકે ઓળખાતા નવા કોષો પેદા થવાનું પ્રમાણ ઘટતું જાય છે. ૩૫ વર્ષ પછીથી નવા કોષોનું પ્રમાણ નોંધી શકાય એટલું ઘટતું જાય છે. હાડકાં જાડાઈમાં અને લંબાઈમાં સંકોચાવા લાગે છે. આપણે ૮૦ વર્ષના થઈએ ત્યાં સુધીમાં સરેરાશ બે ઇંચ જેટલી હાઇટ ઘટી જાય છે.

બ્રેસ્ટઃ ૩૫ પછીથી

ત્રીસીના મધ્યમાં સ્ત્રીઓમાં સ્તનના ટિશ્યુ અને ફેટમાં ઘટાડો થવા લાગે છે. ન માપી શકાય એ રીતે દર વર્ષે સ્તનયુગ્મ નાનાં થતાં જાય છે. ૪૦ વર્ષ પછીથી આ ઘટાડો દેખી શકાય એવો બને છે. જો આ દરમિયાન યોગ્ય એક્સરસાઇઝ અને ડાયટનું ધ્યાન રાખવામાં ન આવે તો બ્રેસ્ટ લચી પડવાની સમસ્યા સર્જાય છે. નિપલની આજુબાજુનો ભાગ સંકોચાવા લાગે છે. ૪૦ વર્ષ પછીથી બ્રેસ્ટ-કેન્સરની શક્યતાઓ પણ વધે છે.

ફર્ટિલિટીઃ ૩૫ વર્ષ પછીથી

સ્ત્રીઓને ૩૫ વર્ષની વય પછીથી પ્રેગનન્સી ધારણ કરવામાં તકલીફ પડે છે, કેમ કે અંડપિંડમાંથી પેદા થતાં ઇંડાઓની ગુણવત્તા અને પ્રમાણ ઘટે છે. તેમજ ગર્ભાશયની દીવાલ પાતળી પડતી જાય છે. ૩૫ વર્ષ પછીથી પુરુષોમાં સ્પર્મની ગુણવત્તા પણ નબળી પડતી જાય છે. આવા શુક્રાણુથી સ્ત્રી પ્રેગનન્સી તો ધારણ કરી શકતી હોય છે, પણ મિસકેરેજ અને નબળા બાળકની શક્યતાઓ વધી જાય છે.

(વધુ વાંચો આવતા સપ્તાહે...)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter