તમારું સંતાન લખવામાં ખૂબ ભૂલો કરી રહ્યું છે?

સદાબહાર સ્વાસ્થ્ય

Saturday 30th June 2018 07:56 EDT
 
 

આપણે એક યા બીજા સમયે જોયું છે કે કેટલાક બાળકો તેમના શિક્ષકોથી માંડીને માતા-પિતાના સતત પ્રયાસો છતાં ભણવામાં ઢ જ રહેતા હોય છે. મોટા ભાગના કિસ્સામાં શિક્ષકોથી માંડીને મા-બાપો આવા બાળકને ‘ડફોળ’ કે ‘આળસુ’ તરીકે ખપાવી દે છે. તે લોકો એવું જ માનતા હોય છે કે આને તો ભણવામાં સાવ રસ જ નથી. પરંતુ દરેક કિસ્સામાં આવું હોય છે? ના. ઘણી વખત બાળકની મનોસ્થિતિ જ એવી હોય છે કે તેને કંઇ પણ નવું શીખવાના ફાંફા પડી જાય છે.

આધુનિક મનોવિજ્ઞાને હવે આવા વિદ્યાર્થીઓના મનમાં ઊતરવાનો પ્રયાસ કર્યો છે. પરિણામે એવી અનેક લર્નિંગ ડિસેબિલિટીઝ એટલે કે વિદ્યાર્થીઓના અભ્યાસને અસર કરતા ડિસઓર્ડર્સ ઓળખી કાઢવામાં આવ્યા છે જે સમજી લેવામાં આવે તો અનેક બાળકોના માથેથી ઢબ્બુનો ઢ, ડફોળ, નાલાયક, નકામો જેવાં લેબલો લગાડતાં અટકાવી શકાય. આવો આજે આવી જ એક લર્નિંગ ડિસેબિલિટી ડિસ્ગ્રાફિયાને સમજવાનો પ્રયાસ કરીએ.

ડિસ્ગ્રાફિયા એટલે શું?

આ પ્રશ્નનો ઉત્તર આપતાં જાણીતા ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશિયન કહે છે કે કે આમિર ખાનની ‘તારેં ઝમીન પર’ આવ્યા બાદ આપણામાંથી ઘણા ડિસ્લેક્સિયા એટલે શું એ હવે સમજી ગયા છે, પરંતુ ડિસ્ગ્રાફિયા વિશે હજી સમાજમાં જોઈએ એટલી જાગૃતિ આવી નથી. વાસ્તવમાં આ એક સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી છે, જેમાં બાળકને લખીને પોતાની વાત કહેવામાં તકલીફ પડતી હોય છે. આવાં બાળકોનો IQ એટલે કે ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ સામાન્ય કે એનાથી ઊંચો હોવા છતાં તેઓ પોતાની ઉંમર કે ધોરણની અપેક્ષા અનુસાર લખવામાં ગરબડ કરે છે.

મૂળે આ બાળકો બારાખડીના અક્ષરની બનાવટ તથા એનો અવાજ ઓળખવામાં થાપ ખાઈ જતાં હોય છે. પરિણામે લખતી વખતે તેઓ આ અક્ષરોનાં શેપ અને સાઇઝમાં ભૂલો કરે છે, બે શબ્દ વચ્ચે છોડવામાં આવતી તેમની જગ્યા બરાબર હોતી નથી, લખાણ લાઇનની ઉપર-નીચે જતું રહે છે વગેરે. આ સાથે તેમના પેપરમાં જોડણી તથા વ્યાકરણને લગતી ભૂલો પણ પારાવાર હોય છે. આ બધાના સરવાળારૂપે તેમનું લખેલું અત્યંત અસ્પષ્ટ અને અવ્યવસ્થિત લાગે છે.

અન્ય ડિસઓર્ડર્સ

ટૂંકમાં ડિસ્લેક્સિયાની સરખામણીમાં ડિસ્ગ્રાફિયા શબ્દ સાંભળવામાં ભલે નવો લાગે છે, પરંતુ લખવાની આખી પ્રક્રિયા શીખવાના શરૂઆતના તબક્કામાં રહેલાં બાળકોમાં એનાં લક્ષણો બહુ સામાન્ય હોય છે. આંખે બરાબર જોઈ શકનારું, કાને બરાબર સાંભળી શકનારું તથા સામાન્ય બુદ્ધિક્ષમતા ધરાવતું બાળક જો શિક્ષક દ્વારા અપાતાં યોગ્ય સૂચનો અને ખૂબ બધી પ્રેક્ટિસ બાદ પણ બરાબર રીતે લખી ન શકે તો એનું કારણ ડિસ્ગ્રાફિયા તો નથી ને એ ચકાસી લેવું જોઈએ. આ સાથે આવાં બાળકો અટેન્શન ડેફિસિટ હાઈપરએક્ટિવ ડિસઓર્ડર (ADHD) જેવા બિહેવિયરલ ડિસઓર્ડર કે પછી ડિસ્લેક્સિયા તથા ડિસ્કેલ્ક્યુલિયા જેવી અન્ય કોઈ લર્નિંગ ડિસેબિલિટી તો નથી ધરાવતાં ને એ પણ ચકાસી લેવું જોઈએ, કારણ એક સામાન્ય અંદાજ મુજબ કોઈ પણ પ્રકારની લર્નિંગ ડિસેબિલિટી ધરાવતાં ૫૦ ટકાથી વધુ બાળકો ADHDથી પણ પીડાતાં હોય છે. તો કેટલાંક બાળકોમાં ડિસ્ગ્રાફિયાની સાથે ડિસ્લેક્સિયા કે ડિસ્કેલ્ક્યુલિયાનું સંયોજન પણ જોવા મળે છે.

લખાણ કેવું હોય છે?

મોટા ભાગના કિસ્સાઓમાં ડિસ્ગ્રાફિયાનાં લક્ષણો તરફ દુર્લક્ષ સેવાય છે અથવા ખરાબ લખાવટ પાછળ વિદ્યાર્થીની આળસ, નિરુત્સાહ કે બેદરકારી વગેરેને કારણભૂત માનવામાં આવે છે; પરંતુ જો ઝીણવટપૂર્વક જોવામાં આવે તો આવાં બાળકો લખતી વખતે અક્ષરોની બનાવટ એટલે કે એની સાઇઝ અને શેપમાં વારંવાર ભૂલ કરતાં જોવા મળે છે. અક્ષરો અધૂરા છોડી દે છે, ખોટાં સ્થાનોએ અંગ્રેજીના કેપિટલ તથા સ્મોલ લેટરનો ઉપયોગ કરે છે તથા લાઇન અને હાંસિયાનો યોગ્ય ઉપયોગ કરી નથી શકતાં. આ બધાના પરિણામે તેમને લખતી વખતે વારંવાર ઇરેઝરની જરૂર પડે છે. સાથોસાથ તેમને વારંવાર ટોકવા પણ પડે છે. તેમની લખવાની ઝડપ પણ તેમની ઉંમરનાં અન્ય બાળકો કરતાં ઓછી રહે છે.

આ સિવાય કેટલાંક બાળકોની લખવાની આખી રીત જ ખોટી હોય છે. અર્થાત્ પેન્સિલ પકડવાની, કાગળ રાખવાની અથવા બેસવાની પોઝિશન ખોટી હોય છે; જેના કારણે તેમને લખવામાં મુશ્કેલી પડે છે અને હાથ દુખવા લાગે છે. આ સાથે તેઓ અવાજ અનુસાર શબ્દોની જોડણી બનાવી શકતાં નથી તો ક્યારેક ખોટા સ્થાને સાવ ખોટા જ શબ્દનો ઉપયોગ કરી બેસે છે. પરિણામે તેમને પોતાના વિચારો પેપર પર ઉતારવામાં પારાવાર મુશ્કેલીઓ પડે છે. આ સિવાય લખે ત્યારે બે શબ્દો વચ્ચે જરૂર કરતાં ખૂબ ઓછી અથવા ખૂબ વધારે જગ્યા છોડી દે છે. કેટલાંક બાળકો એટલા હલકા હાથે લખતાં જોવા મળે છે કે વંચાય જ નહીં. તો વળી કેટલાંક એટલો ભાર આપીને લખતાં હોય છે કે પાછળનાં ચાર પાનાં પર એની છાપ પડી જાય છે.

બાળકની મૂંઝવણને સમજો

આવા બાળકો ઉપરછલ્લી નજરે ભલે બેદરકાર કે તોફાની લાગે, પરંતુ અંદરખાને તેઓ ખૂબ મૂંઝાયેલા હોય છે. કોઈ તેમનું લખેલું સમજી નથી શકતું કે પછી તેઓ અભ્યાસમાં પોતાની ઉંમરના અન્ય બાળકો કરતાં પાછળ પડી રહ્યાં છે એ સત્ય તેમના આત્મવિશ્વાસ પર અસર કરે છે, જેને પગલે તેઓ એન્ગ્ઝાઈટી અથવા ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે. કેટલાંક બાળકો તો વધુ મહેનત કરી પોતાની ભૂલ સુધારવાનો પ્રયત્ન પણ કરતાં જોવા મળે છે, પરંતુ તેમની મહેનત કોઈ કામે લાગી નથી રહી એ જોઈને તેમની મૂંઝવણ અને અકળામણ વધી જાય છે. આવા બાળકો હંમેશા તનાવમાં રહે છે અને લખવાના નામ માત્રથી દૂર રહે છે.

આવું શા માટે બને છે?

સાદા શબ્દોમાં કહેવું હોય તો ડિસ્ગ્રાફિયા મૂળે મગજના વાયરિંગમાં રહી ગયેલી ખામીનું પરિણામ હોય છે. આ મુદ્દાને વિસ્તારપૂર્વક સમજાવતાં નિષ્ણાતો કહે છે કે લખવા કે વાંચવા માટે આપણે પેપર પર લખાયેલી કે જે લખવાની ઇચ્છા હોય એ માહિતીને પ્રોસેસ કરવી પડે છે. ખરેખર તો અક્ષરો બહુ પાછળથી આવે છે, પહેલાં આવે છે એનો અવાજ. આ દરેક અવાજને આપણે એક અક્ષર આપ્યો છે; જેમ કે અંગ્રેજીમાં અ માટે A, B માટે બ વગેરે. દરેક ભાષાએ પોતાની રીતે આવા દરેક અલગ-અલગ અવાજને એક અક્ષર આપ્યો છે, જેને આપણે જે-તે ભાષાની બારાખડી તરીકે ઓળખીએ છીએ. આમ અક્ષરો એ દરેક અવાજ માટે પાછળથી બનાવવામાં આવેલા સિમ્બોલ્સ છે.

આપણે આવાં વિવિધ સિમ્બોલ્સને ભેગાં કરી શબ્દ બનાવીએ છીએ અને આવા વિવિધ શબ્દોને ભેગા કરીને વાક્ય, પરંતુ આ બાળકો અલગ-અલગ અવાજને એનાં સિમ્બોલ એટલે કે અક્ષર સાથે જોડવામાં જ થાપ ખાઈ જાય છે. અર્થાત અ આવે ત્યાં A વાપરવાનો છે કે બ આવે ત્યાં B વાપરવાનો છે એ માહિતી તેમનું મગજ બરાબર રીતે પ્રોસેસ કરી શકતું નથી. પરિણામે તેઓ પોતાના મનમાં આવતા અવાજોને અક્ષરોમાં તોડી શકતાં નથી; જેને પગલે અક્ષરોની બનાવટમાં, જોડણીમાં, વ્યાકરણમાં તથા વાક્યો બનાવવામાં ભૂલો કરે છે. કેટલાક કિસ્સાઓમાં આંખ અને હાથ વચ્ચેના તાલમેલમાં રહેલી ગરબડ પણ ડિસ્ગ્રાફિયાનું કારણ બનતી હોવાનું જોવા મળે છે.

આયોજનપૂર્વક સારવાર

લર્નિંગ ડિસેબિલિટી કોઈ પણ હોય, યોગ્ય સમયે એનું નિદાન અને સારવાર ન કરાવવામાં આવે તો વ્યક્તિને એ જીવનભર કનડ્યા કરે છે. દુર્ભાગ્યે આપણે ત્યાં સામાન્ય જનતાથી માંડીને શિક્ષકોમાં પણ પૂરતી જાગૃતિ ન હોવાથી મોટા ભાગના કિસ્સાઓમાં ડિસ્ગ્રાફિયાનાં લક્ષણો પકડમાં આવતા નથી. પરિણામે કેટલીક વાર સરેરાશ કરતાં પણ ઘણો વધારે ઊંચો આઈક્યુ ધરાવનારાં બાળકો ઠોઠમાં ખપી જાય છે. આથી જો કોઈ બાળક લખવામાં ખૂબ વાર લગાડતું હોય, ખૂબ ભૂલો કરતું હોય અને તેનું ક્લાસવર્ક તથા હોમવર્ક હંમેશા અધૂરું રહી જતું હોય તો વાલીઓ તથા શિક્ષકોએ તરત ધ્યાન આપીને વિશેષ તપાસ કરવી જોઇએ. અલબત્ત, એવું જરૂરી નથી કે જેટલાં બાળકો બરાબર લખતાં નથી તે બધાં જ ડિસ્ગ્રાફિયાથી પીડાતાં હોય છે. ક્યારેક નબળી દૃષ્ટિ કે શ્રવણશક્તિને પગલે પણ આવું થવાની સંભાવના રહે છે. એથી સૌપ્રથમ આ બંને બાબતની તપાસ કરાવી લેવી ખાસ આવશ્યક છે. જો આ કે આ સિવાયની અન્ય કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક તકલીફના અભાવમાં પણ બાળક લખવામાં પાછળ પડી રહ્યું હોય તો તરત ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશિયનનો સંપર્ક કરવો જોઈએ.

તબીબી નિષ્ણાતો કહે છે કે, ડિસ્ગ્રાફિયાની સારવારની શરૂઆત બાળકને કેટલું નથી આવડતું એનાથી નહીં પણ કેટલું આવડશે એનાથી કરવી પડે છે. આ જ કારણ છે કે ડિસ્ગ્રાફિયાની સારવાર એક લાંબીલચક પ્રક્રિયા બની જાય છે, જે વિદ્યાર્થી, વાલી તથા ડોક્ટર બધાના પક્ષે ખૂબ મહેનત અને ધીરજ માગી લે એવું કામ છે. એમાં કોઈ શોર્ટકટ ચાલે નહીં.

ડિસ્ગ્રાફિયાની સારવાર પદ્ધતિ

ડિસ્ગ્રાફિયા જેવી લર્નિંગ ડિસેબિલિટીની સારવાર કોઈ એક ડોક્ટર કરી શકે નહીં. આ માટે ડેવલપમેન્ટ પીડિયાટ્રિશિયન, સાઇકોલોજિસ્ટ, રેમેડિયલ થેરપિસ્ટ તથા ડેવલપમેન્ટલ થેરપિસ્ટની આખી ટીમે સાથે મળીને કામ કરવાનું રહે છે; જેમાં સાઇકોલોજિસ્ટ બાળક ડિસ્ગ્રાફિયા ઉપરાંત અન્ય કોઈ લર્નિંગ ડિસેબિલિટી કે ADHD ધરાવે છે કે નહીં એનું નિદાન કરી આપે છે, રેમેડિયલ થેરપિસ્ટ તેનું શૈક્ષણિક સ્તર ચેક કરે છે તથા ડેવલપમેન્ટલ થેરપિસ્ટ તેની ફાઇન મોટર સ્કિલ્સ એટલે કે આંખ અને હાથ વચ્ચેનું કો-ઓર્ડિનેશન કેવું છે એ ચેક કરે છે. આ પછી જ્યાં એક બાજુ સાઇકોલોજિસ્ટ મનથી ઉદાસ અને નિરુત્સાહી બની ગયેલા બાળકને મોટિવેટ કરવાનું કામ કરે છે તો બીજી બાજુ ડેવલપમેન્ટલ થેરપિસ્ટ તેની ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ અને આંખ તથા હાથ વચ્ચેના કો-ઓર્ડિનેશનને સુધારવાનું કામ કરે છે.

આ બધાની સાથે રેમેડિયલ થેરપિસ્ટ અક્ષરો અને તેમના અવાજો સાથેના બાળકના સંબંધને વધુ મજબૂત બનાવવામાં મદદ કરે છે, જેને પગલે બાળકની લખવા અને વાંચવાની શક્તિઓ ઊઘડી જાય છે. સારવારની આ આખી યોજના કેવી રીતે તબક્કાવાર પાર પાડવી એ નક્કી કરવાનું કામ ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશિયનનું છે. અહીં નોંધનીય છે કે ડિસ્ગ્રાફિયા જેવી લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા બાળકની સાથે કેટલીક વાર ડોક્ટરે તેમના વાલીઓનું પણ કાઉન્સેલિંગ કરવું પડે છે, જેથી તેઓ પોતાના બાળક પ્રત્યે ઉદાસીન કે નકારાત્મક ભાવ કેળવવાને બદલે સતત તેનો ઉત્સાહ વધારતા રહે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter