તમે રાત્રે ફ્રિજમાં ખાંખાંખોળા કરો છો?

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 07th October 2015 09:15 EDT
 
 

અગાઉ તો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જ ભણવાનું વાંચવા માટે રાત-ઉજાગરા કરતા હતા, પણ હવે તો પ્રોફેશનલ્સ પણ મોડી રાત સુધી કાં તો ઓફિસમાં કે પછી બેડરૂમમાં લેપટોપ લઈને કામ કરતાં થઈ ગયા છે. આથી હવે લોકોમાં અડધી રાતે ખાવાની કુટેવ કાયમી બની રહી છે. મોડી રાત્રે ખાવાની ટેવને અહીં ‘કુટેવ’ તેમ ગણાવી છે એ તમને આ લેખ વાંચતા સમજાઇ જશે.

કામ કરતાં હોય તેવા લોકો જ નહીં, કોઈ જ કામ વિના રાતે બાર-એક વાગે સૂવાની આદત હોય એવા લોકોમાં પણ નવરા બેઠાં, ટીવી જોતાં-જોતાં કે કંટાળો ટાળવા માટે પણ ચોકલેટ્સ, વેફર્સ, આઇસક્રીમ, કેક-પેસ્ટ્રી જેવી ચીજો ખાવાની હેબિટ જોવા મળે છે. એ વખતે તો સ્વાદેન્દ્રિયોને મજા પડી જાય છે, પરંતુ જો આવું લાંબો સમય ચાલતું રહ્યું તો થોડાક જ મહિનાઓમાં એની અસર પેટ પર ચરબીરૂપે દેખાવા લાગે છે. ઘણી વાર રાતે બરાબર જમ્યા ન હો તો પણ ઊંઘતા પહેલાં ભૂખ લાગે છે તો ક્યારેક એમ જ આદતવશ કંઈક ખાવાની ઇચ્છા થાય છે.

અડધી રાતે ખાવાથી ચરબી વધે

રાતના સમયે કંઈક સ્પાઇસી અથવા તો સ્વીટ ચીજો માટેનું ક્રેવિંગ થાય છે. આ બન્ને પ્રકારની ચીજો અનહેલ્ધી છે, કેમ કે રાતે જમ્યા પછી શરીરને કોઈ એક્ટિવિટી મળતી નથી અને એટલે ખોરાકમાંથી જે ગ્લુકોઝ મળે છે એ ફેટ રૂપે શરીરમાં સંઘરાઈ જાય છે.

ડાયેટિશ્યન કમ ફિટનેસ એક્સપર્ટસ માને છે કે જો રાતે ટાઇમ પર ખાધું ન હોવાને કારણે ભૂખ લાગી હોય તો જરૂર કંઈક ખાવું જોઈએ, પરંતુ માત્ર નવરા બેઠાં કંટાળો આવે છે માટે નાસ્તા ફાકવાની આદતથી ખૂબ ઝડપથી વેઇટગેઇન થાય છે.

દાંતનો સડો વધારે

સ્વચ્છ અને સ્વસ્થ દાંતની જાળવણી માટે રોજ દિવસમાં બે વાર બ્રશ કરવું જરૂરી ગણાવાય છે, પરંતુ મોટા ભાગે રાતે નાસ્તો કરવાની આદતને કારણે આ રુટિન જળવાતું નથી. ઓર્થોડેન્ટિસ્ટ કહે છે કે રાતે ઊઠીને ખાનારાઓ કે મોડી રાતે ખાનારાઓ મોટા ભાગે સૂતાં પહેલાં બ્રશ કરવાનું ટાળતા હોય છે. એક વાગે ઊંઘમાંથી ઊઠીને ફ્રિજ ફંફોસીને આઇસ્ક્રીમ, ચોકલેટ કે તળેલા નાસ્તા ખાધા પછી બ્રશ તો ઠીક, કોગળા પણ કોઈ નથી કરતું. આના કારણે જ્યારે વ્યક્તિ સાત-આઠ કલાક પછી ઊઠે ને બ્રશ કરે ત્યાં સુધી ખોરાકના કણો દાંત પર જ ચોંટેલા રહે છે. ખોરાકના કણો સડવાની શરૂઆત થતાં જ અંદર બેક્ટેરિયા પેદા થવા લાગે છે.

નિષ્ણાતો માને છે કે રાતે મોટા ભાગે ગળ્યું ખાવાનું જ મન થાય છે અને આ દાંત માટે વધુ નુકસાનકારક છે. સ્વીટ ચીજો વધુ એસિડીક હોય છે. લાંબા સમય સુધી આ ચીજો દાંતના ખૂણેખાંચરે ભરાઈ રહે તો એનાથી દાંતના ઉપરના આવરણ ઇનેમલને પણ નુકસાન કરે છે. દાંતની રક્ષા કરતું કવચ બગડે એટલે સડો ખૂબ ઝડપથી દાંતને બગાડી શકે છે.

પાચનતંત્ર પણ બગડે

દિવસે વ્યક્તિ કામ કરે ને રાતે આરામ. ઊંઘ દરમિયાન આપણા શરીરના પાચનતંત્રનું સફાઈ અને આરામનું કામ ચાલી રહ્યું હોય છે. આવા સમયે જઠરમાં ખોરાક નાખવાથી પાચનતંત્રને પૂરતો આરામ નથી મળી શકતો. દિવસ દરમિયાન તો આમેય જઠર અને આંતરડાંને આરામ નથી જ મળતો. રાતના સમયે ડાઇજેસ્ટિવ સિસ્ટમની સફાઈ થાય છે અને સવારે મળવિસર્જન થાય છે. કટાણે ખાવાથી પેટ બરાબર સાફ નથી થતું અને ધીમે ધીમે કરતાં પેટની તકલીફો શરૂ થાય છે.

કુટેવ છોડવા કારણ સમજો

સૌથી પહેલાં તો રાતે ખાવાની ઇચ્છા કેમ થાય છે તેનું મૂળ કારણ સમજવા પ્રયાસ કરો. જેમ કે, ઘણાને નાનપણથી જ રાતે ખાવાની આદત પડી હોવાથી મોટા થયા પછી પણ રાતે ખાવા પર કંટ્રોલ રહેતો નથી. ક્યારેક રાતનું ભોજન ખૂબ વહેલું લઈ લીધું હોય અથવા તો અપૂરતું કે ન લીધું હોય ત્યારે પણ અડધી રાતે ભૂખ લાગે છે. ટીવી જોતાં જોતાં આદતવશ અથવા તો કામ કરીને કંટાળો આવતો હોવાથી પણ ચેન્જ માટે ખાવાની ઇચ્છા થતી હોય છે.

કારણનું નિવારણ કરો

રાતના ભોજનમાં પૂરતું જમી લેવું. ઉજાગરા બંધ કરીને રાતે વહેલા સૂઈ જવાની આદત પાડવી. રાતે ખાવું જ હોય તો ખાખરા, ફળગાવેલા કઠોળની ભેળ, સૂપ, સેલડ, તરબૂચ જેવું હળવું ફળ, મમરા જેવી ચીજો લેવી. તળેલું, ચોકલેટ, આઇસ્ક્રીમ, સોફ્ટ ડ્રિન્ક્સ જેવી વધુ પડતી સિમ્પલ શુગરવાળી ચીજો ન લેવી.

સૂવાની તૈયારી કરતાં પહેલાં જ બ્રશ કરી લેવું અને બ્રશ કર્યા પછી કંઈ જ મોંમાં ન નાખવાનું નક્કી કરવું. ધારો કે ખાધા વિના ન જ રહી શકાય તો બરાબર કોગળા કરવા જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter