તાંબાનાં વાસણોનો ઉપયોગ મગજનું આરોગ્ય વધારી શકે

Sunday 12th October 2025 08:43 EDT
 
 

તાંબાનાં વાસણોનો ઉપયોગ મગજનું આરોગ્ય વધારી શકે
પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિમાં તાંબાના વાસણોમાં ભોજન લેવાની, પાણી પીવાની પ્રથા ચાલતી આવી છે. આનું કારણ છે કે સમગ્રતયા શારીરિક અને મગજની તંદુરસ્તી માટે તાંબુ એટલે કે કોપરનું મહત્ત્વ વિશેષ છે. વર્તમાનમાં લોકો લાંબુ જીવી શકે છે, પરંતુ જીવન તંદુરસ્ત હોતું નથી. લોકો જેમ વયોવૃદ્ધ થતાં જાય છે તેમ તેમની જ્ઞાનેન્દ્રિયોની કામગીરી ધીમી પડે છે, સ્મૃતિભ્રંશ સહિત નર્વસ સિસ્ટમને અસર કરનારી વિકૃતિઓ પેદા થાય છે. આહાર અને જીવનશૈલીની પણ સીધી અસરો થાય છે. ઘડપણમાં પણ જ્ઞાનેન્દ્રિયોની કામગીરી બરાબર ચાલતી રહે તે માટે વિટામીન્સ B અને C, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર અને ઝિંક જેવાં વિટામીન્સ અને મિનરલ્સ આવશ્યક ગણાય છે. આ અતિ સુક્ષ્મ પોષકતત્વો અલ્પ પ્રમાણમાં લેવાના હોય છે, પરંતુ તેમની અછત જ્ઞાનેન્દ્રિય સંબંધિત કાર્યો અને શારીરિક આરોગ્યને વ્યાપકપણે અસર કરે છે. ‘સાયન્ટિફિક રિપોર્ટ્સ’માં પ્રકાશિત નવો અભ્યાસ જણાવે છે કે આહારમાં લેવાતા તાંબાનું પ્રમાણ પણ મહત્ત્વ ધરાવે છે. સંશોધકોએ નેશનલ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એક્ઝામિનેશન સર્વે (NHANES) દ્વારા 2011-2014ના ગાળામાં લેવાયેલા ડેટાના ઉપયોગથી તારણો કાઢ્યાં હતાં કે તાંબાનું ખનિજતત્વ ઊર્જાના મેટાબોલિઝમ, ન્યૂરોટ્રાન્સમીટર સિન્થેસિસ અને એન્ટિઓક્સિડન્ટ રક્ષણકાર્ય સહિત ઘણી બાયોલોજિકલ સિસ્ટ્મ્સને સપોર્ટ કરી મગજના આરોગ્યમાં ખાસ ભૂમિકા ભજવે છે. કોષોમાં ઊર્જા પેદા કરવામાં મદદરૂપ એન્ઝાઈમન્સના સહાયક તરીકે કામ કરે છે. વૃદ્ધત્વ અને જ્ઞાનેન્દ્રિયોની શક્તિ ક્ષીણ થવામાં કારણભૂત ઓક્સિડેટિવ તણાવો સામે ન્યૂરોન્સને રક્ષણ આપે છે. મધ્યમ આહારને ધ્યાનમાં રાખી દિવસમાં 1.2 થી 1.6 mg જેટલી તાંબાની ખનિજ લેવી આવશ્યક ગણાવી શકાય. શાકાહારી લોકો મશરુમ્સ, કાજુ સહિતના નટ્સ, સૂર્યમૂખીના બિયાં, તલ ઓટ્સ, ચણા અને મસૂર જેવી દાળ, પાલક અને લીલાં શાકભાજીમાંથી પૂરતું કોપર મેળવી શકે છે. જોકે, વધારે પ્રમાણમાં કોપર લેવાનું કે સપ્લિમેન્ટ્સ તબીબી સલાહને અનુસરવાનું હિતાવહ ગણાય.

•••

આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ યાદશક્તિને ઘટાડે

વિશ્વભરમાં ડાયાબિટીસ અને સ્થૂળતાએ માઝા મૂકી છે ત્યારે લોકો આહારમાં ઓછું ગળપણ અને ઓછી કેલરી લેવા પ્રત્યે સભાન થઈ ગયા છે. જોકે, ખોરાક અને પીણામાં ખાંડના વિકલ્પ તરીકે કૃત્રિમ ગળપણ કે આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ વધારનારી આ સભાનતાએ કિડની, પાચનતંત્ર અને ચયાપચય પ્રક્રિયાને નુકસાન સહિત શારીરિક તકલીફો ઉપરાંત, યાદશક્તિમાં 62 ટકા જેટલા ઘટાડાની નવી સમસ્યા ઉભી કરી છે. ‘ન્યૂરોલોજી’ મેગેઝિનમાં પ્રકાશિત નવા અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે સુગર ફ્રી નામે ઓળખાતાં સુક્રાલોઝ, એસ્પાર્ટેમ કે સેકેરિન સહિત આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરનારા લોકોમાં યાદશક્તિ અને શબ્દોને યાદ રાખવાની ક્ષમતા ઘટે છે. સંશોધકોએ બ્રાઝિલના સરેરાશ 52 વર્ષની વય ધરાવતા લગભગ 13,000 લોકોનું વિશ્લેષણ કર્યું હતું. આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરનારા લોકો દરરોજ સૌથી વધુ 191 મિલિગ્રામ કૃત્રિમ મીઠાશ લેતા હતા. મધ્યમ પ્રમાણમાં આવું ગળપણ લેનારા લોકોની યાદશક્તિમાં પણ 35 ટકાનો ઘટાડો જોવાયો હતો. આ યાદશક્તિનો ઘટાડો અથવા સ્મૃતિભ્રંશ એટલે મગજની ક્ષમતામાં પણ 1.3 વર્ષથી 1.6 વર્ષ જેટલું ઘડપણ વહેલું આવી જાય છે. બીજી તરફ, સ્થુળતાની સમસ્યા સાથેના લોકો પણ ડાયેટ સોડા કે ઓછી કેલરી ધરાવતા પીણાં લેતા રહે છે જેમાં આર્ટિફિશિયલ સ્વીટનરનું પ્રમાણ નોંધપાત્ર રહે છે અને તેનાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ 38 ટકા વધતું હોવાનું એક ઓસ્ટ્રેલિયન અભ્યાસ જણાવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા મુજબ ડાયેટ સોડાના એક કેનમાં 200થી 300 મિલિગ્રામ જેટલી કૃત્રિમ મીઠાશ હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter