ભારતમાં પવિત્ર તુલસીના આયુર્વેદમાં અગણિત ઉપયોગો વર્ણવવામાં આવ્યા છે. તુલસીવાળી ચા હેલ્ધી હોય છે એ તો સહુ કોઇ જાણે જ છે. તુલસીનો છોડ આજુબાજુના વાતાવરણને પણ શુદ્ધ કરે છે અને જીવજંતુઓને દૂર રાખે છે. શરદી, ઉધરસ, માથાનો દુખાવો, પેટના રોગો વગેરેમાં પણ તુલસી ખૂબ ઉપયોગી છે તે કોણ નથી જાણતું? આ પ્લાન્ટ ત્વચાનિખાર માટે ઉપયોગી છે તો માનસિક તનાવ ઘટાડવામાં પણ લાભકારક છે.
ઉપયોગી તત્વો
તુલસી એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ફંગલ અને બ્લડ પ્યોરિફાય કરનારી છે અને માટે જ એ સ્કિન પર જાદુની જેમ અસર કરે છે. તુલસી ફક્ત ખીલને જ કાબૂમાં નથી રાખતી, સાથે-સાથે કોમ્પ્લેક્શન પણ નિખારે છે. તુલસીમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ પણ ભરપૂર પ્રમાણમાં છે અને માટે જ તુલસીના નિયમિતપણે વપરાશથી ત્વચામાં યુવાન ચમક મેળવી શકાય છે.
ક્લેરિફાઇંગ ફેસ-પેક
તુલસીમાં રહેલા એન્ટિસેપ્ટિક ગુણો ખીલને કાબૂમાં રાખે છે તેમજ ઝડપથી મટાડે છે. નોર્મલથી ડ્રાય સ્કિન માટે બે ચમચી તુલસીના રસને એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી જીરું પાઉડર સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ટી-ઝોન એટલે કે કપાળ તેમજ નાક અને દાઢી પર લગાવો. એને ૨૦ મિનિટ રહેવા દો અને ધોઈ નાખો. વધુ સારું રિઝલ્ટ મળે એ માટે આ પેસ્ટ લગાવતાં પહેલાં ચહેરાને હૂંફાળા પાણીથી વોશ કરવો.
જો તમારી ત્વચા સૂકી હોય તો આ જ પેસ્ટમાં એક ચમચી દહીં કે ઓલિવ ઓઇલ મેળવીને લગાવવી. આ પેક કાળા ડાઘ દૂર કરશે, વાન સુધારશે અને સાથે ખીલ પણ મટાડશે. ચહેરા પર ફોલ્લીઓ થઈ હોય તો પણ ફ્રેશ તુલસીનાં પાનને વાટી એમાં હળદર મિક્સ કરીને લગાવી શકાય. સુકાયા બાદ એને હૂંફાળા પાણીથી વોશ કરવું.
એન્ટિસેપ્ટિક ટોનર
ક્લેન્ઝિંગ કર્યા બાદ ખૂલી ગયેલાં રોમછિદ્રોને પાછાં બંધ કરવા માટે ટોનર લગાવવું જરૂરી છે. જો એમ ન કરવામાં આવે તો એ રોમછિદ્રોમાં ધૂળના રજકણો ભરાય છે જે આગળ જતાં ખીલમાં પરિણમે છે. ઘરે જ ટોનર બનાવવા માટે કડવા લીમડાનાં અને તુલસીનાં પાનને એકસાથે ઉકાળો. આ મિશ્રણને ઠંડું થવા દો અને ગાળીને બોટલમાં ભરી લો. જો ચહેરા પર કોઈ એલર્જી કે ખીલ હોય તો આ પાણીથી ચહેરો પણ ધોઈ શકાય.
ગ્લો ફેસ-પેક
બ્યુટીપાર્લરમાં ગ્લો ફેસ-પેક લગાવવું એટલે ઘણી બધી લાંબી પ્રોસીજર અને ઝંઝટ, જ્યારે તુલસીમાંથી બનાવેલું આ ગ્લો પેક ખૂબ જ સરળ પેક છે. આ પેક બનાવવા માટે તુલસીનાં થોડાં ફ્રેશ પાન લો. એને ગરમ પાણીથી ધુઓ અને પીસી લઇને પેસ્ટ બનાવો. આ પેસ્ટને આખા ચહેરા પર લગાવો અને સુકાય ત્યાં સુધી રહેવા દો. પછી એને થોડા હૂંફાળા પાણીથી ધોઈ નાખો અને તરત જ થોડા ઠંડા પાણીનો છંટકાવ કરો. જેથી બેસ્ટ રિઝલ્ટ અને ચળકતી ત્વચા મેળવી શકાય. આ ફેસ-પેક ખીલથી પણ છુટકારો આપે છે અને સાથે ત્વચાને ઠંડક આપવા માટે પણ બેસ્ટ છે. ચહેરા પર જો લાલાશ કે અછબડા હોય તો પણ આ ફેસ-પેક અસરકારક છે. એનો બેસ્ટ પાર્ટ એટલે આ ફેસ-પેક ત્વચાને ફ્રેશ બનાવી ગ્લો આપે છે. જો તમારી ત્વચા સૂકી હોય તો તુલસીની પેસ્ટમાં એક ચમચી દહીં ઉમેરો. તૈલી ત્વચા હોય તો થોડી મસૂરની દાળનો પાઉડર ઉમેરવાથી પેક સાથે સ્ક્રબની પણ ગરજ સારશે.
સ્ટ્રેસ પણ ઓછું કરે છે
વ્યક્તિને થતા મોટા ભાગના રોગોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા અને થાક પણ જવાબદાર હોય છે. આથી જ જીવનશૈલીમાંથી સ્ટ્રેસ ઓછું કરવું હેલ્થ માટે ખૂબ જરૂરી છે. તુલસીમાં રહેલા ગુણો શરીરને વાતાવરણમાં રહેલાં ઝેરી તત્વોથી પ્રોટેક્શન આપે છે અને સાથે રોગપ્રતિકારકશક્તિ પણ વધારે છે. તુલસીના રસના સેવનથી શરીરમાં બ્લડ પ્યોરિફાય થાય છે અને જો શરીર સ્વસ્થ હશે તો સ્ટ્રેસ ઘટવાનું જ.