વિશ્વભરમાં 400 મિલિયન લોકો બોલતી વખતે અટકતા રહે છે એટલે કે તોતડાય છે કે હકલાય છે. આમાં તેમનો કોઈ દોષ હોતો નથી કારણકે સામાન્યપણે બોલવાની મુશ્કેલી ખરેખર પેરન્ટ્સના ડીએનએ- DNAમાંથી ઉતરી આવતી હોવાનું વિજ્ઞાનીઓએ સિદ્ધ કર્યું છે. તોતડાપણાના સૌથી મોટા જિનેટિક વિશ્લેષણમાં સંશોધકોએ વિશ્વભરમાંથી 1 મિલિયન લોકોની લાળના સેમ્પલ્સનું પરીક્ષણ કર્યું હતું. ‘નેચર જિનેટિક્સ’મા પ્રકાશિત અભ્યાસ અનુસાર ઓસ્ટ્રેલિયાના પર્થની કર્ટિન સ્કૂલ ઓફ એલાઈડ હેલ્થના સંશોધકોએ તોતડાપણાં સાથે સંકળાયેલા 48 જિન્સની ઓળખ કરી હતી. તેમણે તોતડાપણું, અને ન્યૂરોડાઈવર્સિટી, સંવેદના નિયંત્રણ અને સંગીતમય લય વચ્ચે જિનેટિક કડી પણ શોધી હતી જે બોલવાની સ્થિતિ માટે ન્યૂરોલોજિકલ આધાર દર્શાવી શકે છે. બોલવા કે ભાષાના ડિસઓર્ડર, તોતડાપણાં સાથેના વિદ્યાર્થીઓ શાળામાંમાં દાદાગીરીનો સિકાર બને છે જ્યારે તોતડાતા પુખ્ત વયના લોકોને કામકાજના સ્થળે અને સમાજમાં પડકારોનો સામનો કરવો પડે છે જેનાથી તેમના માનસિક આરોગ્ય અને સામાજિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરો થાય છે. સંશોધન અનુસાર બાળવયથી જ ડીએનએ સેમ્પલ મેળવી તોતડાપણું હશે કે કેમ તેના પરીક્ષણ પછી આવી વિકૃતિ ધરાવનારાને ભવિષ્યમાં શું મુશ્કેલી પડી શકે તે વિશે તેમના પરિવારને સમજાવી શકાય છે. અભ્યાસમાં ભાગ લેનારા હેવિટ પરિવારમાં ચોથી પેઢીમાં પણ તોતડાપણું ઉતરી આવ્યું છે. ચોથી પેઢીના પાંચ બાળકોમાંથી ત્રણ બાળકો તોતડાય છે.
•••
માનવનાં માસ્ટર પ્રોસેસર મગજને પીડાનો અનુભવ થતો જ નથી
આપણા શરીર અને ખાસ કરીને મગજનું નેટવર્ક અતિ વિશાલ અને સર્વવ્યાપી છે. પણા શરીરને અનુભવાતી પ્રત્યેક સંવેદના, વિચાર અને હલનચલન પર નિયંત્રણ ધરાવવા માટે જવાબદાર આશરે 86 બિલિયન ન્યુરોન્સ માનવીના મગજમાં છે. આમ છતાં, જૈવશાસ્ત્રનો સૌથી મોટો વિરોધાભાસ અથવા તો નાટ્યાત્મક વિશેષતા કહો, પીડાના અસંખ્ય સંકેતોનું પ્રોસેસિંગ કરનારું આટલું શક્તિશાળી મગજ પીડાની લાગણી અનુભવવા માટે જરા પણ સક્ષમ નથી. માસ્ટર પ્રોસેસર મગજને પીડા અનુભવાતી નથી કારણકે શરીરની ત્વચા, સ્નાયુઓ અને આંતરિક અવયવોથી વિપરીત મગજના ટિસ્યુઓમાં પેઈન રિસેપ્ટર્સનો અભાવ છે. નોસીસેપ્ટર્સ (Nociceptors) કહેવાતા રિસેપ્ટર્સ નુકસાનકારી ઉત્તેજના કે ઉશ્કેરણીને પારખી કાઢે છે અને પીડાનો પ્રતિભાવ ઉત્પન્ન કરે છે, પરંતુ મગજના ભૂખરાં અને શ્વેત દ્રવ્યમાં આ પ્રકારના રિસેપ્ટર્સની સંપૂર્ણ ગેરહાજરી છે. આના જ કારણે, બ્રેઈન સર્જરી થતી હોય ત્યારે પેશન્ટ સર્જરીની પ્રક્રિયામાં જરા પણ પીડાનો અનુભવ કર્યા વિના જાગ્રત રહી શકે છે. ખોપરી અને તેની ત્વચાને એનેસ્થેસિયા વડે સંવેદનાહીન બનાવી દેવાય છે પરંતુ, મગજના ખુલ્લા કરાયેલા ટિસ્યુઝને સલામતપણે સ્પર્શી શકાય છે તેમજ પેશન્ટ એલર્ટ અને જાગ્રત હૌય ત્યારે શસ્ત્રક્રિયા પણ થઈ શકે છે. શરીરના અન્ય અવયવો પર સર્જરી વેળાએ પીડાનો અનુભવ ન થાય તે માટે એનેસ્થેસિયા આપવાનું જરૂરી બને છે. માનવીના મગજની આસપાસના માળખાંની વાત અલગ છે. મેનિન્જીસ (મસ્તકના આવરણો), રક્તવાહિનીઓ અને ખોપરીમાં પેઈન-સેન્સિટીવ ચેતાઓ હોય છે. માથાનો દુઃખાવો, માઈગ્રેન્સ કે ટ્રોમા સંબંધિત પીડા ખુદ મગજમાંથી ઉદ્ભવતી નથી, પરંતુ તેની બહારના માળખા પર દબાવ કે બળતરાના પરિણામે અનુભવાય છે.


