શું તમને ભોજન પછી થાક લાગે છે. અથવા તમારા વાળ અને નખ નબળા થઈ રહ્યાા છે? આ લક્ષણો પ્રોટીનની ઉણપને કારણે હોઈ શકે છે. પ્રોટીન મેટાબોલિઝમ, હોર્મોન સંતુલન, ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) અને સ્વસ્થ ત્વચામાં મદદ કરે છે. સેન્ટારા મેડિકલ ગ્રૂપના ફિઝિશિયન ડો. ગ્લેન જોન્સના મતે, જ્યારે ખોરાકમાં પ્રોટીન ઓછું હોય છે ત્યારે શરીર તેની પ્રોટીનની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સ્નાયુઓ તોડી નાખે છે. આ ધીમે ધીમે ઊર્જા, શક્તિ અને એકંદર સ્વાસ્થ્યને અસર કરે છે.
અપૂરતા પ્રોટીનથી આ તકલીફો થઇ શકે છે
• સતત થાક
ઓછા પ્રોટીનના સેવનથી શારીરિક-માનસિક ઉર્જામાં ઘટાડો, સ્નાયુઓની નબળાઈ અને મેટાબોલિઝમ રેટ ધીમો પડી શકે છે. તે ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા અને મૂડ સ્વિંગ તરફ દોરી શકે છે.
• વારંવાર ભૂખ લાગવી
પ્રોટીન તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. ઓછું પ્રોટીન અને વધુ કાર્બોહાઇડ્રેટ ખાવાથી બ્લડ સુગરમાં ઝડપી વધઘટ થઈ શકે છે, જેના કારણે ભૂખ જલ્દી લાગે છે.
• કેટલું પ્રોટીન જરૂરી છે?
નિષ્ણાતના કહેવા પ્રમાણે વયસ્કોએ રોજના ભોજનમાં શરીરના પ્રતિ કિલો વજન દીઠ 1થી 1.2 ગ્રામ પ્રોટીન લેવું જોએ. એટલે કે 65 કિલો વજન છે તો 65-78 ગ્રામ પ્રોટિન જરૂરી છે. બીમારી અને રિકવરીમાં આ જરૂરિયાત વધી શકે છે.
• નબળા વાળ અને નખ
પાતળા વાળ અને બરડ નખ પ્રોટીનની ઉણપને કારણે થઈ શકે છે. વધુમાં, શુષ્ક ત્વચા પણ પ્રોટીનની ઉણપનું પ્રારંભિક સંકેત હોઈ શકે છે.
• વારંવાર બીમાર થવું
પ્રોટીન એન્ટિબોડીઝ અને એન્ઝાયમ બનાવવામાં મદદ કરે છે. પ્રોટીનની ઉણપ શરીરની ઈમ્યુનિટીને નબળી બનાવે છે. રોગપ્રતિકારક શક્તિ ઘટવાથી સ્વાભાવિકપણે જ શરીર વારેઘડીએ બીમાર પડતું રહે છે.


