દર વર્ષે કેન્સરના ૨૩,૦૦૦ કેસો માટે સ્થૂળતાના પ્રમાણમાં વધારો જવાબદાર

Wednesday 04th April 2018 07:10 EDT
 
 

લંડનઃ અટકાવી શકાય તેવા કેન્સરના દર વર્ષે નોંધાતા ૨૩,૦૦૦ કેસ માટે દેશમાં સ્થૂળતાની ગંભીર સમસ્યાને જવાબદાર માનવામાં આવે છે. જેમાં ૧૩,૨૦૦ મહિલાઓના અને ૯,૮૦૦ પુરુષોના કેસ હોય છે. અત્યાર સુધી ધૂમ્રપાનને કેન્સર માટે મુખ્ય કારણ ગણવામાં આવતું હતું, પરંતુ હવે તેના માટે સ્થૂળતા વધુ જવાબદાર બનશે તેવી ચેતવણી સંશોધકોએ આપી હતી.

વૈજ્ઞાનિકોએ કોમ્યુનિકેશન્સ રેગ્યુલેટર ઓફકોમને રાત્રે નવ પહેલા જંક ફૂડની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાની અને રિટેલર્સને ફૂડમાં સુગરનું પ્રમાણ ઘટાડવાની તાકીદ કરી હતી.

સંશોધકોએ ચેતવણી આપી હતી કે વિવિધ પ્રકારના ૧૩ કેન્સર સ્થૂળતા સાથે સંકળાયેલા છે. કેન્સર રિસર્ચ યુકેએ જણાવ્યું હતું કે લોકો ધૂમ્રપાન અને વધુ પડતું શરાબસેવન ટાળે અને યોગ્ય વજન જાળવી રાખે તો ૧૩૫,૦૦૦ કેસ નિવારી શકાય.

દર વર્ષે નોંધાતા કેન્સરના કેસોમાં ૧૫.૧ ટકા એટલે કે ૫૪,૦૦૦ કેસ ધૂમ્રપાનને લીધે હોય છે. જોકે, વધુ લોકો તેની ટેવ છોડી દેતા હોવાથી મૃત્યુના પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે. પ્રદૂષિત હવાને લીધે ૩,૬૦૦ અને પ્રોસેસ્ડ મીટ સંબંધિત ૫,૩૦૦થી વધુ કેન્સરના કેસ દેશમાં નોંધાય છે.

સ્થૂળ લોકોની સંખ્યામાં થઈ રહેલા વધારાને પહોંચી વળવા માટે બ્રિટનને ‘એક્ટ ક્વિકલી’ (ઝડપી પગલાં)ની જરૂર છે. આગામી ૧૫થી ૨૦ વર્ષમાં આ પ્રકારના કેન્સર માટે સ્થૂળતા સૌથી મોટું કારણ બની જશે.

બિહેવિયરલ રિસર્ચના વડા પ્રો. લીન્ડા બોલ્ડે જણાવ્યું હતું કે સામાન્ય વજન વિશેની આપણી માન્યતા વધી ગઈ છે. લોકો જે યોગ્ય માને છે તે ખૂબ વધુ હોય છે. કેન્સર રિસર્ચ યુકેના ચીફ એક્ઝિક્યુટિવ સર હરપાલ કુમારે સ્થૂળતાને ‘સંભવિત નવું ધૂમ્રપાન’ ગણાવતા કહ્યું હતું કે ધૂમ્રપાન સંબંધિત કેન્સરમાં ઘટાડો જ્યારે વજન સંબંધિત કેન્સરમાં વધારો થઈ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter