વોશિંગ્ટનઃ તબીબી નિષ્ણાતોના સંશોધનનું તારણ દર્શાવે છે કે દરરોજ એક મુઠ્ઠી બદામ ચાવીને ખાવાથી વજનમાં ઘટાડો થાય છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ બે દાયકામાં ત્રણ લાખ લોકો પર હાથ ધરેલા સર્વે બાદ આ તારણ કાઢ્યું છે. આ તારણ કાઢવા માટે સંશોધકોએ લોકોને તમે દરરોજ કેટલી બદામ ખાઓ છો અને તેનાથી તમારા વજનમાં શું ફેરફાર આવ્યો હતો તેવો સવાલ કરાયો હતો. આ સર્વેમાં જે વ્યક્તિઓએ માત્ર ૧૪ ગ્રામ બદામ ખાધી હતી તેમના વજનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
સંશોધકોએ માત્ર સર્વેમાં સામેલ વ્યક્તિઓએ આપેલી જાણકારી પર આધાર ન રાખતાં તેમના તબીબી રિપોર્ટ પણ તપાસ્યા હતા. બદામમાં ભરપૂર ફાઈબર હોય છે જે ચરબીના સ્તરને ઘટાડી નાંખે છે. બદામ આંતરડાની ચરબી તેમજ કેલરીનું વિસર્જન કરવામાં મદદરૂપ બને છે. બદામમાં ફાઈબર, વિટામિન્સ તેમજ સંતૃપ્ત ચરબીથી સમૃદ્ધ છે અને વજન ઘટાડાવામાં મદદ કરે છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધનકારોએ લોકોના ત્રણ જૂથોના વજન, આહાર અને શારીરિક પ્રવૃત્તિ પરની માહિતીનું વિશ્લેષણ કર્યું હતું. પ્રથમ જૂથમાં ૪૦થી ૭૫ વર્ષના ૫૧ હજાર વ્યાવસાયિકો બાદમાં અન્ય બંને જૂથમાં ૨૪થી ૫૫ વર્ષની વયના લગભગ ૧.૨૦ લાખ તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા નર્સ, વોર્ડબોયનો સમાવેશ કરાયો હતો. ભાગ લેનારાઓને દર ચાર વર્ષે તેમનું વજન જણાવવા માટે અને તેઓ કેટલી વખત દિવસમાં બદામ ખાય છે અથવા અન્ય કોઈ પણ ડ્રાયફ્રૂટ ખાય છે કે કેમ તે અંગે માહિતી આપવા જણાવાયું હતું. દર બે વર્ષે તેમના નિરીક્ષણ થતા હતા.