દરરોજ દાળ ખાશો તો જીવલેણ બીમારીઓ દૂર રહેશે

Friday 03rd July 2020 07:50 EDT
 
 

દરરોજ દાળ ખાવાથી કેન્સર જેવી બીમારીથી બચી શકાય છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હૃદયરોગ અને મેદસ્વિતા જેવી સમસ્યામાં પણ દાળથી ફાયદો થાય છે. તાજેતરમાં કરાયેલા સંશોધનના આધારે નિષ્ણાતોનું કહેવું છે કે, દાળમાં ફાઇટો-કેમિકલ્સ અને ટોનિન્સ હોય છે. જેનાથી દાળમાં એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-કાર્સિનોજેનિક ઇફેક્ટ થાય છે. તેના દ્વારા કેન્સર સામે રક્ષણ મળે છે. વળી, દાળમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે અને તેનું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે તેથી ડાયાબિટીસના રોગીઓ માટે પણ દાળ ફાયદાકારક છે. દાળના કારણે દર્દીઓની સુગર અને ઇન્સ્યુલિન લેવલ પણ કન્ટ્રોલમાં રહે છે. દાળ કોલેસ્ટ્રોલને પણ કાબૂમાં રાખે છે. ઓબેસિટીથી બચવા પણ દાળ મહત્વનો ખોરાક છે.
દાળ પોષકતત્ત્વોનો ખજાનો છે. દાળમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ તેમજ અન્ય વિટામિન્સ તથા મિનરલ્સ છે. દાળને તેના ગુણના કારણે જ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ડાયાબિટીસ, હાર્ટડિસીઝ અને અન્ય રોગો માટે યોગ્ય માનવામાં આવે છે. આવા દર્દીને પૂરતા પ્રમાણમાં દાળ ખાવાની સલાહ અપાય છે. તેમાં પ્રોટીન ખૂબ જ સારો સ્ત્રોત છે. ૨૫ ગ્રામ દાળમાંથી ૧૦૦ મીલીગ્રામ પ્રોટીન મળે છે. જે લોકો માંસ કે ડેરી પ્રોડક્ટનું સેવન ન કરી શકતા હોય તેમના માટે દાળ પ્રોટીનનો સારો સ્રોત છે. આથી યુનાઇટેડ નેશન્સ દ્વારા ૧૦ ફેબ્રુઆરીએ વર્લ્ડ પલ્સીસ ડે ઊજવાય છે. ગત વર્ષથી જ તેની શરૂઆત કરાઇ છે. તેનો આશય લોકોને દાળનું મહત્ત્વ સમજાવવાનો છે. દાળ સુપાચ્ય હોય છે અને સરળતાથી ભોજનમાં લઈ પણ શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter