દરરોજ રાત્રે એક ગ્લાસ શરાબ કે બિયરનું સેવન કેન્સરનો ખતરો વધારે

Saturday 06th June 2020 08:43 EDT
 
 

ટોક્યોઃ નવા અભ્યાસના તારણ મુજબ દર રાત્રે એક ગ્લાસ શરાબ કે એક બિયર પીવાથી તમને કેન્સર થવાનું જોખમ પાંચ ટકા વધી જાય છે. જાપાનમાં ૧.૨૦ લાખથી વધુ લોકો પર થયેલા અભ્યાસમાં જણાયું છે કે ઓછી માત્રામાં પણ નિયમિત શરાબ પીવાથી નોંધપાત્ર રીતે કેન્સરનું જોખમ વધી જાય છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે, જે લોકો જીવનમાં ક્યારેય શરાબ પીતા નથી તેમને કોઈ પણ પ્રકારનો રોગ થવાની સંભાવના સૌથી ઓછી હોય છે.
પાંચ વર્ષ સુધી દરરોજના બે ડ્રિન્કસ લેવાથી પણ કેન્સર થવાનું જોખમ એટલું જ છે જેટલું જોખમ એક દાયકા સુધી એક ડ્રિન્કસ શરાબ પીવાથી હોય છે. એવી વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે. વિજ્ઞાનીઓએ એક ડ્રિન્ક એટલે ૧૮૦ એમએલ શરાબ અને એક બિયર એટલે ૫૦૦ એમએલ બિયર એવું વ્યાખ્યાયિત કર્યું છે. ટોક્યો અને હાર્વર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ હોસ્પિટલના ૬૩,૨૩૨ દર્દીઓના ડેટાની સરખામણી એટલી જ સંખ્યામાં સ્વસ્થ લોકોના ડેટા સાથે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આલ્કોહોલ અને કેન્સર વચ્ચે લગભગ સરખો સંબંધ છે. મતલબ કે શરાબ પીવાનું વધે એમ કેન્સરનું જોખમ પણ વધે છે. શરાબને કારણે મોં, ગળા અને ગરદનના કેન્સર ઉપરાંત મહિલાઓમાં સ્તન કેન્સર વકરી શકે છે એમ સંશોધકો જણાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter