દરેક વાઇરલ હેલ્થ રીલ સાચી નહીં, પોસ્ટ ગેરમાર્ગે દોરનારી પણ હોઇ શકે છે

Wednesday 18th November 2026 05:32 EST
 
 

આજકાલ ઓનલાઇનનો જમાનો છે. સોશિયલ મીડિયા રીલ્સ પર સ્ક્રોલ કરવાથી ઘણીવાર ચમત્કારિક સ્વાસ્થ્ય હેક્સ સામે આવે છે, જે વજન ઘટાડવા, પેટની ચરબી ઘટાડવા અને અસંખ્ય બીમારીઓને મટાડવામાં મદદ કરવાનો દાવો કરે છે. જોકે તેમના પર ભરોસો કરવો નુકસાનકારક બની શકે છે. જર્નલ ઓફ મેડિકલ ઈન્ટરનેટ રિસર્ચમાં પ્રકાશિત 69 અભ્યાસની સમીક્ષા અનુસાર, સોશિયલ મીડિયા પર 87 ટકા સ્વાસ્થ્ય સંબંધિત પોસ્ટ્સ ગેરમાર્ગે દોરનારી હોય છે.

વાઈરલ હેલ્થ ટિપ્સનું સત્ય

• લીંબુ પાણી બોડીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે?

સવારે લીંબુ સાથે હૂંફાળું પાણી પીવું એ સારી આદત હોઈ શકે છે, પરંતુ તે શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરતું નથી. લીવર અને કિડની આ કાર્ય સતત કરે છે. જો તેનાથી વજન ઘટે છે, તો તે આહાર, હાઈડ્રેશન સાથે સંબંધિત છે.

• એપ્પલ સાઇડર વિનેગર શરીરની ચરબી ઓગાળે છે?

જમ્યા પછી પાણી સાથે 1 ચમચી તેનું સેવન કરવાથી બ્લડ સુગર અને વજનમાં થોડી મદદ મળે છે. જોકે, તે ચરબી ઓગાળતું નથી. પાણી ભેળવ્યા સિવાય તેને ક્યારેય પીવું નહીં.

• ચિયા અને ફ્લેક્સ સીડ્સ પેટની ચરબી ઘટાડે છે?

બંને ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં ફાઈબર, સ્વસ્થ ચરબી હોય છે, જેનાથી પેટ લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. હંમેશા યાદ રાખો કે કોઈ પણ ભોજન શરીરના ચોક્કસ ભાગની ચરબી ઘટાડી શકતું નથી.

• હાર્ટ એટેકમાં આદુ ચાવવું ફાયદાકારક હોય છે?

આ ખોટી સલાહ છે. જો તમને છાતીમાં તીવ્ર દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અથવા તમારા હાથ કે જડબામાં દુખાવો ફેલાતો હોય, તો તબીબી માર્ગદર્શન મેળવો. ડોક્ટરની સલાહથી એસ્પિરિન ચાવવી મદદરૂપ થઈ શકે.

• કાચા ઈંડા ખાવાથી વધુ પ્રોટીન મળે છે?

જીમમાં જનારાઓ ઘણીવાર માને છે કે, કાચા ઈંડા ખાવાથી વધુ પ્રોટીન મળે છે. જોકે, કાચા ઈંડા ખાવાથી સેલ્મોનેલા ચેપનું જોખમ પણ રહે છે તે ન ભૂલો.

• બુલેટ કોફી એટલે કે કોફીમાં ઘી ભેળવીને પીવાથી ચરબી બળે છે?

ઘી કે માખણવાળી કોફી પીવાથી ચરબી બળતી નથી. હા, તેમાં લાંબા સમય સુધી પેટ ભરેલું રહી શકે છે. જોકે, એક કપ કોફીમાં ઘણી બધી સંતૃપ્ત ચરબી અને કેલરી હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter