આપણે પ્રિસ્ક્રિપ્શન મુજબ દવાઓ તો ખરીદીએ છીએ, પરંતુ આપણે ઘણીવાર યોગ્ય માત્રા અને એક્સપાયરી ડેટ અવગણીએ છીએ, જે દવાની અસરકારકતામાં ફેરફાર કરી શકે છે. યુએસની નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત મેટા-વિશ્લેષણમાં જાણવા મળ્યું કે 64.4 ટકા ભારતીયોએ ડોક્ટરની સલાહ વિના દવા લીધી છે.
1) દવાની એક્સપાયરી અને ‘ઈન-યુઝ એક્સપાયરી’ ડેટ અલગ-અલગ
દવાના પેકેટ પર છાપેલી એક્સપાયરી ત્યાં સુધી માન્ય રહે છે જ્યાં સુધી દવા પેકેટમાં પેક રહે છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના સંશોધન મુજબ, એકવાર સીરપ અથવા ટીપાંની બોટલ ખોલવામાં આવે છે ત્યારે તેની સ્થિરતા ઘટવા લાગે છે. આને ઈન-યુઝ એક્સપાયરી કહેવાય છે.
• આંખના ટીપાંનો યોગ્ય ઉપયોગઃ અમેરિકન એકેડેમી ઓફ ઓપ્થેલ્મોલોજી અનુસાર, એકવાર આઈ ડ્રોપ્સ ખોલ્યા પછી, તે બેક્ટેરિયા માટે વધુ સંવેદનશીલ હોય છે. ચેપ ટાળવા તેનો ઉપયોગ એક મહિનાથી વધુ સમય પછી ન કરો.
• બાળકો માટેનું કફ સીરપઃ કૃત્રિમ ગળપણથી બનેલા સીરપમાં જર્મ્સ થવાનો ડર રહે છે. પેરાસીટામોલ કે કફ સીરપનો ઉપયોગ બોટલ ખોલ્યાના 3-4 સપ્તાહની અંદર, એન્ટિબાયોટિક સીરપનો ઉપયોગ 5 દિવસની અંદર કરવો જોઈએ.
2) ટેબલટને અડધી કરી ગળવી
ફક્ત સ્કોર લાઇન ટેબલેટને જ અડધા ભાગમાં તોડી શકાય છે. યુએસ એફડીએ અનુસાર, અમુક ગોળીમાં ખાસ આવરણ હોય છે: જેને તોડવાથી તેની અસરકારકતા અને સલામતી પર અસર પડી શકે છે.
3) ચા કે કોફી સાથે દવા લેવી
કેફીન થાઈરોઈડ દવાની અસરકારકતા અને આયર્ન સપ્લિમેન્ટ્સના શોષણને ઘટાડી શકે છે. અસ્થમા-ડિપ્રેશનની કેટલીક દવાઓ સાથે લેવામાં આવે ત્યારે તે ઊંઘની સમસ્યાઓ વધારો કરી શકે છે.
4) બચેલી એન્ટિબાયોટિક ફરી લેવી
ડોક્ટરની સલાહ વિના બચેલી એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરશો નહીં, કારણ કે દવા અથવા તેની માત્રા નવી બીમારી માટે યોગ્ય ન હોય તેવું પણ બની શકે. આમ કરવાથી એન્ટિબાયોટિક પ્રતિકારનું જોખમ વધે છે.
5) ખાલી પેટ, ભોજન પછી દવા લો
દવાનો સમયગાળો શરીરમાં કેવી રીતે શોષાય છે તેના પર આધાર રાખે છે. થાઇરોઇડ દવાઓ, કેટલીક એન્ટિબાયોટિક્સ ખાલી પેટ પર શ્રેષ્ઠ કામ કરે છે, જ્યારે પેઇનકિલર દવા ભોજન પછી વધુ અસર કરે છે.
6) મલ્ટિવિટામિનનો ઓવરડોઝ
આયર્નના ઓવરડોઝથી ઉલટી, ઝાડા, લીવર કે ફેફસાંને નુકસાન થઈ શકે છે. વધુ પડતું કેલ્શિયમ કિડનીને નુકસાન પહોંચાડી શકે. વિટામિન ડીના વધુ પડતા સેવનથી શરીરમાં કેલ્શિયમનું સ્તર વધી શકે છે.
7) બાળકને વયસ્કની દવા અડધી આપવી
બાળકોને પુખ્ત વયના લોકોની અડધી ગોળી આપવી અસુરક્ષિત છે, કારણ કે બાળકોની દવાની માત્રા તેમની ઉંમર અને વજન પર આધારિત હોય છે. બાળકો માટે ફક્ત બાળરોગ ફોર્મ્યુલેશનનો ઉપયોગ કરો.


