લંડનઃ કોરોના વાઈરસ માટે હજુ વેક્સિન શોધાઈ નથી ત્યારે વિજ્ઞાનીઓ માને છે કે થોડા પાઉન્ડની કિંમતના સ્ટેરોઈડથી સારવાર જીવન બચાવવા માટે અક્સીર બની શકે છે. દાયકાઓ અથવા તો ૬૦ વર્ષ જૂની ડેક્ઝામેથેસોન (Dexamethasone) સ્ટેરોઈડ સૌથી ગંભીર પેશન્ટ્સમાં એક તૃતીઆંશ સુધી મોતનું પ્રમાણ ઘટાડવામાં અક્સીર જણાઈ છે. આના પરિણામે, NHS હોસ્પિટલોને તત્કાલ આ દવાનો ઉપયોગ કરવાની સૂચનાઓ આપી દેવાઈ છે. ડેક્ઝામેથેસોનનો ખર્ચ પ્રતિ દિન પ્રતિ પેશન્ટ માત્ર ૫૦pનો જ આવે છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું હતું કે જો મહામારીની શરુઆતથી જ સૌથી ખરાબ હાલતના દર્દીઓને આ દવા અપાઈ હોત તો આશરે ૫,૦૦૦ જેટલા મોત અટકાવી શકાયા હોત. આ દવાનો સૌથી સારો ફાયદો ગંભીર બીમાર પેશન્ટને જ થયો છે અને તેમાં પણ વેન્ટિલેટર પર રખાયેલા દર્દીના મોતનું પ્રમાણ એક તૃતીઆંશ ઘટાડી શકાયું છે. જે દર્દીઓને ઓક્સિજનની જરુર પડે પરંતુ, મિકેનીકલી વેન્ટિલેશનની જરુર ન હોય તેવા દર્દીમાં ૨૦ ટકા મોત ઘટાડી શકાયા હતા. જોકે, નવાઈની બાબત એ કહેવાય કે જે દર્દીઓને કોઈ પ્રકારના શ્વસન સપોર્ટની જરુર ન હોય તેમને કોઈ ફાયદો થયો ન હતો.
સંશોધનના પરિણામો દર્શાવે છે કે દર આઠ વેન્ટિલેટેડ પેશન્ટની સારવાર આ દવાથી કરવામાં આવી તેમાં એક મૃત્યુ અટકાવી શકાયું હતું. દરેક પેશન્ટને આ દવાનો આઠ દિવસનો કોર્સ અપાયો હતો. આનો અર્થ એ થાય કે માત્ર ૪૦ પાઉન્ડના ખર્ચથી જિંદગી બચાવી શકાય. ઓક્સફર્ડના રિકવરી પ્રોજેક્ટમાં ૧૭૫થી વધુ NHS હોસ્પિટલોના ૧૧,૫૦૦ દર્દી પર આ દવાની ટ્રાયલ કરાઈ હતી.