દુનિયામાં દર 10માંથી એક વ્યક્તિ માનસિક સમસ્યાથી પીડિત છે ત્યારે...

Wednesday 20th April 2022 07:54 EDT
 
 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં અત્યારે લગભગ ૮૦ કરોડ લોકો કોઇને કોઇ પ્રકારની માનસિક સમસ્યાની પીડિત છે. મતલબ કે, દર દસમાંથી એક વ્યક્તિ તેનો ભોગ બનેલો છે. આખી દુનિયામાં 15થી 29 વર્ષની વયના યુવાનોમાં મૃત્યુના મુખ્ય કારણોમાં આત્મહત્યા છે. ડિપ્રેશન પણ સૌથી મોટું કારણ છે. ભારતની વાત કરીએ તો ૧૪ ટકા લોકો કોઇને કોઇ માનસિક સમસ્યાથી પીડિત છે. 4 કરોડ લોકો ડિપ્રેસિવ ડિસઓર્ડર અને 5 કરોડ લોકો એંગ્ઝાયટી ડિસઓર્ડરની સમસ્યાથી પીડિત છે. લોકોના માનસિક આરોગ્ય પર પરિસ્થિતિઓની તો અસર થાય જ છે. ઊંઘ, ભોજનમાં પોષક તત્ત્વોની ઉણપ, અસંતુલિત જીવનશૈલી, કસરતનો અભાવ અન રોજિંદા જીવનમાં વધતો તણાવ માનસિક આરોગ્યને ખરાબ કરી રહ્યો છે. રિસર્ચ જણાવે છે કે પૌષ્ટિક આહાર લેવાથી જ ડિપ્રેશનમાં ૨૫થી ૩૦ ટકા સુધીનો ઘટાડો આવી શકે છે.
કોઇ પણ વ્યક્તિ વિજ્ઞાન આધારિત આ ચાર પરિવર્તન અપનાવીને માનસિક સમસ્યાને ટાળી શકે છે.
• સોશિયલ મીડિયા છોડી દો
સોશિયલ મીડિયા છોડવું હશે તો તમારે સ્વીકારવું પડશે કે આ એક લત છે. સાઇકિયાટ્રિક ન્યૂઝ અનુસાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વધુ પડતા ઉપયોગથી ડિપ્રેશન વધે છે. ટીનએજર્સમાં તે આત્મસન્માન નબળું પાડે છે. તો વ્યક્તિએ શું કરવું જોઇએ? મોટા ભાગના ફોનના સેટિંગમાં ડિજિટલ વેલબીઇંગ એન્ડ પેરન્ટલ કન્ટ્રોલ વિકલ્પ હોય છે. તેનાથી કોઇ પણ વ્યક્તિ સ્ક્રીન ટાઇમ જાણી શકે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘટાડવા માટે નોટિફિકેશન બંધ રાખો. જરૂરી પોસ્ટ પર જ રિસ્પોન્ડ કરવાનો નિયમ બનાવો. સોશિયલ મીડિયા માટે ટાઇમ લિમિટ નક્કી કરો. આમાં તમે મિત્રની મદદ પણ લઇ શકો છો.
• કસરત શરૂ કરો
નિયમિત કસરત અનેક શારીરિક - માનસિક સમસ્યાનો રામબાણ ઉપાય છે. માત્ર ૩૦ મિનિટની વોક પણ ચમત્કારી પરિણામ આપે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર નિષ્ક્રિય જીવનશૈલીથી માનસિક આરોગ્ય ઝડપથી કથળે છે. આથી કસરતને નિયમ બનાવો. કમસે કમ દરરોજ ૩૦ મિનિટ વોક કરો. ૧૫ મિનિટ સાઇકલિંગ પણ ખૂબ જ અસરકારક છે. તેનાથી ફીલ ગુડ હોર્મોન એન્ડોફીર્ન રિલીઝ થાય છે.
• સ્ટ્રેસ ના લો...
સ્ટ્રેસ - માનસિક તણાવને ટાળવાનો પ્રયાસ કરો. એ હકીકત સ્વીકારી લો કે તેનાથી કંઇ પણ બદલાવાનું નથી. જો કોઇ બાબત કે સંજોગને બદલવાનું આપણા હાથમાં જ નથી તો પછી આપણે માનસિક ભાર લઇને ફરવાની શી જરૂર છે? એક અભ્યાસના તારણ અનુસાર, તણાવમાં સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થાય છે. જે ભાવનાઓને નિયંત્રિત કરવા મગજને પ્રભાવિત કરે છે. આનાથી આપણી કાર્યશક્તિ - નિર્ણયશક્તિ ખોરવાય છે. આથી જ્યારે પણ તણાવ જેવું લાગે ત્યારે વોક કરો. દરરોજ ૧૦થી ૧૫ મિનિટ ડીપ બ્રિધિંગ કરો. તણાવ ઘણા અંશે દૂર થઇ જશે.
• પોશ્ચર સાચવી રાખો
હંમેશા યાદ રાખો કે તમારું પોશ્ચર યોગ્ય નહીં હોય તો માનસિક ઊર્જા ઘટી જશે. હાર્વર્ડ હેલ્થ અનુસાર જ્યારે વાંકા વળીને બેસો છો તેનાથી આત્મવિશ્વાસ નબળો પડે છે. આવું ન થાય તે માટે શું કરવું? દર 25 મિનિટે ખુરશીમાંથી ઊભા થાઓ. પોશ્ચર સારું રહેશે. રક્તપ્રવાહ વધશે. ખુરશીમાં બેસતા સમયે પગને જમીન પર રાખો. તેમને ક્રોસ કરીને ન બેસવાનું ટાળો.
શું મૂડ-ઓફ્ફ છો? તો ‘સેડ ડે’ મનાવો
હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં મનોચિકિત્સવ ડો. નતાલી સી ડેટિલો કહે છે કે જ્યારે તમારું મન તાજગી ન અનુભવતું હોય કે ખુદને દુઃખી અનુભવતા હો ત્યારે એક બ્રેક જરૂર લો. મૂડ-ઓફ્ફ હોવાનો મતલબ એ છે કે, તમારા શરીરને આરામની જરૂર છે. મગજને જ્યારે બ્રેકની જરૂર લાગે, પ્રોડક્ટિવિટી ઘટી રહી હોય, મૂડ સારો ન હોય, કન્સન્ટ્રેશન નબળું પડી રહ્યું કે સ્વભાવ ચીડિયો થઇ ગયો તેવું તમને લાગતું હોય તો તમે ‘સેડ ડે’ મનાવી શકો છો. આ દિવસે તમે શું કરશો? ક્લીનિકલ સાઇકોલોજિસ્ટ એન્ડ્રયૂ કૂલર રહે છે કે, આ વાત પર વિચાર કરો કે આવું શા માટે થઇ રહ્યું છે. વર્કલોડ વધુ છે.
કોઇ વ્યક્તિના કારણે આવું થઇ રહ્યું છે. જો આવું કંઇ હોય તો એ મુદ્દા પર કામ કરો. રજાનો દિવસ મેસેજ વાંચવા કે ખુદને દુઃખી કરવા પાછળ બિલકુલ ન વેડફો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter