નવા વર્ષે પાળી શકાય એવા ૧૦ હેલ્ધી સંકલ્પો

સદાબહાર સ્વાસ્થ્ય

Saturday 21st October 2017 11:03 EDT
 
 

નવું વર્ષ આવે ત્યારે નવા વર્ષના કેટલાક નવા સંકલ્પો હોય જ છે. જે વ્યક્તિ સંકલ્પ નથી લેતી તે પણ ઇચ્છે છે કે નવી વર્ષમાં કેટલાક એવા બદલાવ આવે જે આપણને એક સારા જીવન તરફ લઈ જાય. બ્રિટનમાં થયેલા એક સર્વે મુજબ નવા વર્ષમાં બધાને ફિટનેસનો જોશ ચડે છે, પરંતુ આ જોશ સોડાબોટલના ઉભરા જેવો હોય છે. જોશ જેટલો ઝડપથી ચડે છે એટલો જ ઝડપથી ઊતરી પણ જાય છે. વર્ષની શરૂઆતમાં કેટલાય લોકો એવા હોય છે જે જિમમાં મેમ્બરશિપ લે છે, સ્પોર્ટ્સ ક્લબમાં નામ નોંધાવે છે, પોતાના માટે નવાં સ્પોર્ટ્સ શૂઝ કે સાઇકલ ખરીદીને લાવે છે; પણ એમાંથી થોડાક લોકો એકાદ અઠવાડિયામાં તો કેટલાક લોકો એકાદ-બે મહિનામાં ખડી પડે છે. મોટા ભાગના લોકો માને છે કે ફિટનેસ અને હેલ્થની પરવા કરવી જરૂરી છે એ અમે જાણીએ છીએ. જોકે આમ છતાં એ સંકલ્પોને વળગી રહીને સતત એક રુટિન બનાવવામાં નિષ્ફળ રહીએ છીએ. આજે ડાયેટિશ્યન, ફિટનેસ કન્સલ્ટન્ટ અને તબીબી નિષ્ણાતો પાસેથી જાણીએ કેટલાક સરળ અને સુલભ સંકલ્પ. આ સંકલ્પ એવા છે જે પાળવા અઘરા નથી અને એનાથી સ્વાસ્થ્યનું જતન પણ સારી રીતે થઇ શકશે.

૧) ક્યારેય બ્રેકફાસ્ટ ટાળીશ નહીં

સવારનો હેલ્ધી નાસ્તો શરીરને આખો દિવસ કામ કરવાની એનર્જી‍ આપે છે અને એ છોડવાથી વ્યક્તિ પર ફક્ત શારીરિક જ નહીં, માનસિક બદલાવ પણ આવે છે. બોડીનું બેલેન્સ જાળવી રાખવા માટે ઊઠ્યા પછીના એક કલાકની અંદર જ નાસ્તો કરવાની આદત રાખો. જો કશુંક ગરમ બનાવવાનો સમય ન હોય તો ઊઠીને એકાદ ફ્રૂટ અને ૫-૭ ડ્રાયફ્રૂટ તો ખાઈ જ લો.

૨) ખોરાકની યોગ્ય પસંદગી

ઘરનો ખોરાક હેલ્થ માટે બેસ્ટ છે, પરંતુ બહાર ખાવાનો પણ શોખ હોય તો શું ખાવું જોઈએ એ સમજવું જરૂરી છે. તમે બહાર જમવા જાઓ છો ત્યારે પીત્ઝા ઓર્ડર કરવા કરતાં ઇડલી ઓર્ડર કરવી વધુ હેલ્ધી છે. એ જ રીતે મંચુરિયન કરતાં કબાબ વધુ હેલ્ધી છે. જંક ફૂડ, ફાસ્ટ ફૂડ અને ચાઇનીઝ, ઇટાલિયન ડિશ કરતાં ઇન્ડિયન ડિશ વધુ હેલ્ધી છે.

૩) રાત્રે મોબાઇલ સાઇડ લાઇન

૬થી ૮ કલાકની સારી ઊંઘ આપણી હેલ્થ માટે સૌથી મોટી જરૂરત છે. મોબાઇલ, ટીવી વગેરે ગેજેટ્સની લાઇટ આપણી ઊંઘની ગુણવત્તાને ઘટાડે છે. આથી સૂવા જાઓ ત્યારે બેડરૂમમાં ફોન લઈ જવો નહીં. ઘણાને મોડી રાત સુધી ટીવી જોઈને પછી જ સૂવાની આદત હોય છે એ આદત વિના વિલંબે બદલવા જેવી છે.

૪) દિવસમાં ૮-૧૦ ગ્લાસ પાણી

વાત બહુ સામાન્ય છે, પરંતુ આ આદત પાડવી બહુ જરૂરી છે. આજકાલ આપણે આખો દિવસ લગભગ એર-કન્ડિશનમાં રહીએ છીએ એટલે તરસ લાગતી જ નથી. પાણી આપણા શરીર માટે ખૂબ જ અગત્યનું તત્વ છે. આથી એને અવગણવાની ભૂલ આપણે ન કરીએ એટલું સારું છે. જોકે અહીં ધ્યાન રાખવું કે જમતાં પહેલાં કે જમ્યા પછી તરત જ પાણી પીવું નહીં.

૫) સિઝનલ ફ્રૂટ્સ અને શાકભાજી

ફ્રૂટ્સ અને શાકભાજી વધુ માત્રામાં ખાવાં જેટલાં જરૂરી છે એટલું જ જરૂરી છે એમનું સિઝનલ હોવું. આમ તો આપણે ત્યાં બારે મહિના બધું મળવા લાગ્યું છે, પરંતુ એનો અર્થ એ બિલકુલ નથી કે આપણે શિયાળામાં તરબૂચ અને ચોમાસામાં સંતરાં ખાવા લાગીએ. આ ઉપરાંત જેટલાં બને એટલાં ભારતીય ફ્રૂટ્સ ખાઓ. આપણી ધરતી પર ઊગતી વસ્તુ આપણને પચવામાં સરળ રહે છે અને આપણા શરીર માટે વધુ ગુણકારી છે.

૬) આખો દિવસ બેઠાં-બેઠાં કામ નહીં

આપણા અડધાથી ઉપરના રોગો પાછળ આપણું બેઠાડું જીવન જવાબદાર છે. આપણે મગજ પાસેથી જ કામ લઈએ અને શરીરને બિલકુલ કસીએ જ નહીં એ ખોટું છે. ઓફિસમાં પણ જ્યારે બેઠાં-બેઠાં કામ કરવાનું હોય તો દર કલાકે તમારા શરીરને રિલેક્સ કરો. ઓફિસમાં કામ લાગે તેવા થોડા સ્ટ્રેચિસ શીખો.

૭) એક રમત અવશ્ય રમીશ

અઠવાડિયામાં ભલે એક રવિવારે કે તમને સમય મળે ત્યારે કોઈ આઉટડોર રમત રમવાની અવશ્ય શરૂઆત કરીશ. કસરત કરવાનો કે ચાલવા જવાનો માણસને કંટાળો આવી શકે, પરંતુ ક્રિકેટ રમવાનો, ફૂટબોલ રમવાનો, બેડમિન્ટન રમવાનો કે સ્વિમિંગ કરવાનો કંટાળો નથી આવતો. રમત માણસને ફિઝિકલી જ નહીં, મેન્ટલી પણ ફિટ રાખે છે. રમત સ્ટ્રેસમુક્ત કરે છે અને હેલ્ધી રાખે છે. એક વખત ચાલુ કરો રમવાનું બસ, પછી જે મજા આવશે કે તમે આપોઆપ રેગ્યુલર રમતાં થઈ જશો.

૮) બીમારીની અવગણના ક્યારેય નહીં

મોટા ભાગના લોકો તેમને થતાં પેઇન કે કોઈ પણ જાતની તકલીફને સતત અવગણતા રહે છે. તમારા શરીરના કોઈ પણ ભાગમાં કોઈ તકલીફ થતી હોય, તમને મૂંઝારો થતો હોય, ઊંઘ ન આવતી હોય, વારંવાર શરદી થઈ જતી હોય તો એને નાની તકલીફ ગણીને અવગણો નહીં. એક વખત ડોક્ટરને બતાવવું જરૂરી છે. સંભવ છે કે આ નાની તકલીફો શરીરમાં કોઈ મોટી ખામીનો સંકેત આપતી હોય. સાથે-સાથે જ દર છ મહિને કે વર્ષે એક વાર ફુલ બોડી ચેક-અપ કરાવવું.

૯) હું ઘરમાં ભરાઈ નહીં રહું

મોટા ભાગે આ સુધાર વડીલો અને ગૃહિણીએ લાવવાનો હોય છે. આજે જ્યારે દરેક વસ્તુ ફોન કરીને ઘરે મગાવી શકાય છે ત્યારે એવી ઘણી સ્ત્રીઓ છે જેમની સાથે એવું બને કે સળંગ ૩-૪ દિવસ તે ઘરની બહાર જ ન નીકળી હોય. બાળકો સાથે પણ આવું બને છે. જ્યારે ભણવાનો બોજ વધારે હોય ત્યારે સ્કૂલથી ઘર અને ઘરથી સ્કૂલમાં જ તેમનો દિવસ નીકળી જાય છે. બહાર ખુલ્લા વાતાવરણમાં જવું, ગાર્ડનમાં એકાદ આંટો મારવો, શાકભાજી ખુદ ઉપાડીને ઘરે લાવવા. જેવી બહુ સામાન્ય જણાતી પ્રવૃત્તિઓથી તનની સાથે મન પણ હેલ્ધી રહે છે.

૧૦) ઘર કે ઓફિસમાં લિફ્ટ નહીં...

આમ તો બધી જ જગ્યાએ આ નિયમ લાગુ પડે છે, પરંતુ ઘણી વખત સમયના અભાવે કે અમુક પરિસ્થિતિમાં એ શક્ય ન હોય એવું બની શકે છે. તો ઓછામાં ઓછું આ બે જગ્યાએ આપણે આ નિયમ પાળી શકીએ તો પણ બેસ્ટ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter