નવો ‘કોવિડ-૨૨’ વેરિએન્ટ ડેલ્ટાથી વધુ ખતરનાક હોવાની ચેતવણી

Wednesday 25th August 2021 04:50 EDT
 
 

લંડનઃ ઝ્યુરિચસ્થિત ઈમ્યુનોલોજિસ્ટ પ્રોફેસર ડો. સાઈ રેડ્ડીએ ચેતવણી આપી છે કે નવો ‘કોવિડ-૨૨’ વેરિએન્ટ હાલ વિશ્વમાં પ્રસરેલા ડેલ્ટા વેરિએન્ટથી પણ વધુ ખતરનાક હશે. તેમણે કહ્યું છે કે વિશ્વે ૨૦૨૨માં દેખા દેનારા નવા કોરોના વાઈરસ વેરિએન્ટના સામનાની તૈયારી કરવી પડશે. પ્રોફેસર સાઈ રેડ્ડીએ જણાવ્યું છે કે વર્તમાન ડેલ્ટા (ભારત), બીટા (સાઉથ આફ્રિકન) અને ગામા (બ્રાઝિલ) વેરિએન્ટ્સમાંથી સંયુક્તપણે નવા જીવલેણ વેરિએન્ટનો ઉદ્ભવ થશે.

પ્રોફેસર રેડ્ડીએ જર્મન ન્યૂઝ પેપર ‘બ્લિક’ને જણાવ્યું હતું કે આપણે હાલ જોઈએ છીએ તેના કરતાં ‘કોવિડ-૨૨’ વધુ ખતરનાક બની રહેશે. જો આવો વેરિએન્ટ દેખાય તો આપણે વેળાસર તેને ઓળખવો પડશે અને વેક્સિન ઉત્પાદકોએ ઝડપથી અનુકૂળ વેક્સિન તૈયાર કરવા પડશે. નવા વેરિએન્ટનો ઉદ્ભવ મોટું જોખમ છે અને આપણે તેના માટે તૈયારી કરવી પડશે.’ તેમણે ડેલ્ટા વેરિએન્ટને ‘કોવિડ-૨૧’ નામ આપી કહ્યું હતું કે ‘ડેલ્ટા સૌથી ચેપી વેરિએન્ટ છે પરંતુ, તેનામાં ઈમ્યુન સિસ્ટમને ભૂલાવામાં નાખે તેવા ‘એસ્કેપ મ્યૂટેશન્સ’નો અભાવ છે. બીટા જેવા વેરિએન્ટમાં ‘એસ્કેપ મ્યૂટેશન્સ’ જોવા મળે છે જેના પરિણામે, વેક્સિનની અસર ઓછી થાય છે અને વસ્તીને રક્ષણ આપવા સુધારવાની જરૂર પડે છે. આ બધાં પરિબળોનું વધુ વિનાશક, વધુ ચેપી અથવા ઈમ્યુન સિસ્ટમને ટાળનારું સંયુક્ત સ્વરુપ નજીકના ભવિષ્યમાં સમસ્યા ઉભી કરશે.’

પ્રોફેસર રેડ્ડીએ કહ્યું હતું કે,‘મહામારીનો આગામી તબક્કો ત્યારે આવશે જ્યારે બીટા અથવા ગામા વેરિએન્ટ્સ વધુ ચેપી બનશે અથવા ડેલ્ટા વેરિએન્ટમાં ‘એસ્કેપ મ્યૂટેશન્સ’ વિકસશે. આગામી વર્ષ માટે તે મોટી સમસ્યા રહેશે. ભવિષ્યમાં કોવિડના નવા વેરિએન્ટ જોવા મળતા રહેશે કારણકે તે વાઈરસ  ઉત્ક્રાંતિનો કુદરતી હિસ્સો છે.’

બીજી તરફ, યુકે સરકારને સલાહ આપી રહેલા વિજ્ઞાનીઓમા ગ્રૂપ Sage દ્વારા જણાવાયું છે કે વેક્સિન સંપૂર્ણ ઈમ્યુનિટી પૂરી પાડતા નથી. ગ્રૂપે જણાવ્યું છે કે વાઈરસ હજુ ઝડપથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો હોવાથી કોવિડ વધુ વિનાશક બની રહે તે વાસ્તવિક સંભાવના છે. તેમણે બૂસ્ટર કેમ્પેઈન્સ સતત ચાલુ રાખવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. ઈમ્યુનિટી સમયાંતરે ઘટતી હોવાથી બૂસ્ટર ડોઝ લોકોને વધુ રક્ષણ આપે છે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter