નિકોટીનના પેચ થકી કોરોના પેશન્ટ્સનો ઈલાજ શક્ય ખરો?

Saturday 25th April 2020 00:59 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસની સારવારમાં નવી થીઅરી સામે આવી છે કે તમાકુમાં રહેલું નિકોટીન તત્વ દર્દીઓ માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ધૂમ્રપાન કરનારાઓમાં ઈન્ફેક્શનના દર ઓછા જણાયા પછી ફ્રાન્સના સંશોધકો કોરોના પેશન્ટ્સ અને ફ્રન્ટલાઈન હેલ્થવર્કર્સને નિકોટીનના પેચીસ લગાવવાના છે.

ફ્રેન્ચ અભ્યાસના તારણો અનુસાર હોસ્પિટલોમાં દાખલ ૩૫૦  કોરોના વાઈરસ પેશન્ટ્સમાંથી માત્ર ૪.૪ ટકા  તેમજ ઘર જઈ રહેલા ૧૩૦ પેશન્ટ્સમાંથી ૫.૩ ટકા નિયમિત ધૂમ્રપાન કરતા હતા. જોકે, ફ્રેન્ચ વસ્તીના ઓછામાં ઓછાં ૨૫ ટકા લોકો ધૂમ્રપાન કરે છે. સંશોધકો માને છે કે નિકોટીન વાઈરસને કોષોને સંક્રમિત કરતા અટકાવે છે અથવા ઈમ્યુન સિસ્ટમને વાઈરસ પ્રતિ વધુપડતું રીએક્શન આપતા અટકાવે છે. આ થીઅરીને ચકાસવા હોસ્પિટલોમાં દાખલ કોરોના પેશન્ટ્સ, ઈન્ટેન્સિવ કેરમાં રખાયેલા દર્દીઓ અને ફ્રન્ટલાઈન હેલ્થવર્કર્સને નિકોટીનના પેચીસ લગાવાશે.

જીવલેણ કોરોના વાઈરસની અસરો અટકાવવા કે હળવી બનાવવા નિકોટીન પેચીસ મદદ કરી શકે કે કેમ તેનું પરીક્ષણ કરવામાં આવનાર છે. પેરિસની મોટી હોસ્પિટલમાં ડોક્ટરોને સામાન્ય વસ્તીની સરખામણીએ ધૂમ્રપાન કરનારાઓમાં કોરોના વાઈરસના ચેપનું પ્રમાણ ઓછું જણાયું છે. નિકોટીન જેવું ઉત્તેજક તત્ત્વની અસરથી વાઈરસના પ્રસારને અટકાવી શકાવા મુદ્દે પરીક્ષણો કરાનાર છે. થોડા દિવસ અગાઉ જ વિશ્વપ્રસિદ્ધ કળાકાર ડેવિડ હોકનીએ પોતાની માન્યતા દર્શાવી હતી કે સ્મોકિંગ લોકોને કોરોના વાઈરસ સામે રક્ષણ આપી શકે.

મહામારીનો આરંભ થયો તે ચીનમાં એક અભ્યાસમાં જણાયું હતું કે વસ્તીના ૨૬.૬ ટકા કોવિડ-૧૯થી ચેપગ્રસ્ત થયા તેમની  સરખામણીએ માત્ર ૬.૫ ટકા પેશન્ટ્સ સ્મોકર્સ હતા. યુએસમાં સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ (CDC)ને અભ્યાસમાં જણાયું હતું કે અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ ૧૪ ટકા પેશન્ટ્સની સરખામણીએ સ્મોકર્સ માત્ર ૧.૩ ટકા હતા. હવે ફ્રેન્ચ સંશોધકો માને છે કે માત્ર હોસ્પિટલમાં દાખલ પેશન્ટ્સ જ નહિ, અન્ય કોઈ પણ વ્યક્તિને આ રક્ષણાત્મક અસર થી શકે છે.

બીજી તરફ, વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે ધૂમ્રપાન વાસ્તવમાં કોવિડ-૧૯નું જોખમ વધારી શકે છે કારણકે સ્મોકર્સને ફેફસાંનો રોગ થાય છે અથવા ફેફસાની ક્ષમતા ઘણી ઘટી હોય છે. એક્શન ઓન સ્મોકિંગ એન્ડ હેલ્થનું કહેવું છે કે કોવિડ-૧૯થી હોસ્પિટલમાં દાખલ થનારા પેશન્ટ્સમાં સ્મોકર્સની ટકાવારી ઓછી હોવાના રિપોર્ટ્સ અસ્પષ્ટ છે. કોરોના વાઈરસ સાથેના સ્મોકર્સને ગંભીર બીમારી અથવા મૃત્યુનું જોખમ પણ વધારે રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter