નેક પેઇનઃ તમારા ગળે પડેલી તકલીફને ઓળખો

Wednesday 16th June 2021 07:14 EDT
 
 

તમે સતત કોમ્પ્યુટર સામે બેસી રહેવું પડે તે પ્રકારનું કામ કરો છો? તમારે વારંવાર મુસાફરી કરવાની થાય છે કે લાંબો સમય ડ્રાઇવીંગ કરવાનું બને છે?

જો આ અને આવા બધા પ્રશ્નોના જવાબ ‘હા’ હોય તો હવે આટલા સવાલોના જવાબ આપો.
રોજ રાત્રે સૂતી વખતે કાનના મૂળમાં દુખાવો કે સણકા અનુભવાય છે? શર્ટ પહેરતી વખતે હાથ ઊંચા કરો ત્યારે ખભા કે ગરદનને જોડતા ભાગમાં હળવું દર્દ અનુભવાય છે? ગરદન ફેરવવામાં થોડી અડચણ પડતી હોય તેમ લાગે છે? ક્યારેક ગરદનથી શરૂ કરીને કરોડરજ્જુના મૂળ અને મસ્તક સુધી દુખાવો અનુભવાય છે..?
જો આ બધા કે આમાંથી અમુક સવાલનો જવાબ ‘હા’માં આવતો હોય તો તમારે આ લેખ ધ્યાનથી વાંચવો જ રહ્યો, એટલું જ નહીં, ગરદનના આ દુખાવાને અવગણવાને બદલે તેના પ્રત્યે ગંભીરતા પણ દાખવી જ રહી. આ રહ્યા તેનાં કારણો...
વારંવાર થતો દુખાવો વધુ ગંભીર
ગરદનનો દુખાવો થાય ત્યારે મોટા ભાગના લોકો તેને સ્નાયુનો સામાન્ય દુખાવો ગણીને હળવાશથી લે છે અને ઘરગથ્થુ મલમ લગાવીને કે એનાલ્જેસિક દવાઓ લઈને દુખાવાને અવગણે છે. પણ જો ગરદનનો દુખાવો વારંવાર થાય અને લાંબો સમય ચાલે તો તેના પ્રત્યે ગંભીર બનવું જ રહ્યું કારણ કે ગરદન અને ખભામાં કેટલાય પ્રકારની માંશપેસીઓ, હાડકાંઓ, સ્નાયુરેખા, શિરા, ધમની અને ચેતાઓ રહેલી હોય છે. જે પૈકી ધમની-શિરા અને ચેતાઓ અત્યંત સંવેદનશીલ હોય છે. કેટલીક વાર વધારે પડતું વજન ઉપાડવાથી કે એક જ સ્થિતિમાં લાંબા સમય સુધી કામ કરવાને કારણે આમાંથી કોઈ નસ પરનું દબાણ વધી જાય ત્યારે થતો ગરદનનો દુખાવો અવગણવા જેવો નથી હોતો.
હંમેશા યાદ રાખો કે હાડકા સાથે ઘસાતી કે એક જ સ્થિતમાં લાંબો સમય રહેવાથી નૈસર્ગિક સ્થિતિસ્થાપકતા ગુમાવી ચૂકેલી નસો કે ચેતાઓ બીજી પણ અનેક બીમારીઓનું કારણ બની શકે છે. આ ઉપરાંત ઊઠવા-બેસવા કે ઊંઘવાની ખોટી ટેવના કારણે થતો દુખાવો માંસપેશીના મચકોડનું કારણ પણ હોઈ શકે. આથી સાંધામાં સતત દુખાવો થાય છે. આનાથી ગરદન અને ખભામાં દર્દ, પીઠમાં દર્દ, હૃદય, ફેફસાં અને પેટની બીમારીઓ પણ થઈ શકે છે.

બીમારી વકરી રહી હોવાના લક્ષણો ક્યા?

• દર્દઃ ગરદનમાં ક્યારેક વધારે અને ક્યારેક ઓછો દુખાવો રહ્યા કરે છે. તેમાં મરોડ આવવાના લીધે ચાલવામાં પણ મુશ્કેલી અનુભવાય છે. દર્દને કારણે ગરદન અને ખભો અકડાઈ ગયો હોય એવો અહેસાસ થાય છે અને જરાક સરખું હલનચલન કરવામાં પણ પરેશાનીનો સામનો કરવો પડે છે.
• કમજોરીઃ ગરદન અને ખભામાં દર્દને કારણે દર્દી એકદમ સજ્જડ થઈને બેસી રહે છે. એટલે કે કોઈ પણ પ્રકારની હલનચલનથી દૂર રહે છે. તેને કારણે રોગીને સતત કમજોરીનો અહેસાસ થાય છે.
• સોજો આવી જવોઃ જો આર્થરાઇટિસના કારણે ગરદન અને ખભાની ડિસ્કમાં દબાણના લીધે નસો દબાઈ ગઈ હોય તો દર્દીના અંગોમાં સોજો આવી જાય છે અને સતત દુખાવો રહે છે.

દર્દની ઉપેક્ષા ન કરો, તપાસ કરાવો
ગરદન અને ખભામાં દર્દ થવાનું લક્ષણ બીજી અનેક બીમારીઓમાં જોવા મળે છે. દર્દની જાણકારી અને રોગીની હાલત જોયા બાદ ડોક્ટર દર્દીનું શારીરિક પરીક્ષણ અને પૂર્વ મેડિકલ ઇતિહાસને જાણ્યા પછી જરૂરી લેબોરેટરી ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે. દર્દ થવાનું સ્થાન, દર્દનો પ્રકાર, દર્દનો સમય અથવા તો કોઈ ઈજા થઈ હોય તો તેના વિશે ડોક્ટર દર્દીને જે પૂછતાછ કરે છે તે રોગનું કારણ જાણવાની પહેલી કવાયત હોય છે. ઘણા ખરા કિસ્સામાં આવા ક્લિનિકલ ટેસ્ટ વડે જ રોગ નિદાન થઈ જતું હોય છે. જો તેમાં પણ સંતોષકારક કારણ ન જાણવા મળે તો અન્ય ટેસ્ટની સહાય લેવી પડે છે. જેમ કે,
• એક્સ-રેઃ ગરદન અને ખભાના દુખાવાનું ચોક્કસ કારણ જાણવા માટે એકસ-રે ખાસ મદદરૂપ થાય છે. ગરદન અને ખભામાં આર્થરાઇટીસ, ડિસ્કનું ખસી જવું, માંસપેસીઓની ચરબી જરૂરિયાત કરતાં વધારે થઈ જવી અને સ્પાઇનલ કેનલનો બરાબર વિકાસ ન થવાથી થતો દુખાવો એક્સ-રે વડે જાણી શકાય છે.
• સીટી સ્કેનઃ એક્સ-રે દ્વારા જ્યારે દર્દનું કારણ સ્પષ્ટ રીતે જાણી ન શકાય ત્યારે સીટી સ્કેનનો સહારો લેવામાં આવે છે. સીટી સ્કેનના માધ્યમથી બે સ્પાઇનલ હાડકાંઓની વચ્ચે સંકોચન થવું, આર્થરાઇટીસ, ડિસ્કનું પોતાના સ્થાનેથી ખસી જવું, સ્પાઇનલ કેનલનું સંકોચાઈ જવું કે તેમાં કોઈ ભાંગતૂટ થઈ હોય તેની જાણકારી સીટી સ્કેન દ્વારા સરળ રીતે મળી રહે છે. સીટી સ્કેન મોટા ભાગે એમઆરઆઈના એક વિકલ્પ સ્વરૂપે કરવામાં આવે છે.
• એમઆરઆઈઃ એમઆરઆઈ એટલે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજીંગ. ચુંબકીય તપાસ પર આધારિત આ ટેસ્ટ કરાવવાથી નસ સાથે સંબંધિત કોઈ પણ ખરાબીનો ખ્યાલ આવી જાય છે જે સીટી સ્કેનથી શક્ય બનતું નથી.
• ઇલેક્ટ્રોડાયગ્નોસિસ સ્ટડીઝઃ ગરદન અને ખભાનાં દર્દ પાછળ રહેલાં કારણોની તપાસ માટે ઇલેક્ટ્રોમાયોગ્રાફી, ઇએમજી અને એનસીવી ટેસ્ટનો પણ સહારો લેવામાં આવે છે. આ ટેસ્ટના માધ્યમથી ચોક્કસ કારણોનાં મૂળ સુધી ઝડપથી પહોંચી શકાય છે. જો રોગીની છાતીમાં દુખાવો થતો હોય અને તેને હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ હોય અને ધ્રૂમપાન કે દારૂના વ્યસનને કારણે હૃદયરોગનો ખતરો રહેતો હોય તો એવા મરીઝ માટે ઈસીજી ટેસ્ટ કરાવવામાં આવે છે.

બીમારીનું નિદાન થયા બાદ ઉપચાર શું?
ડોક્ટર દર્દીનું સંપૂર્ણ રીતે શારીરિક પરીક્ષણ કરી લે, તેના મેડિકલ ઇતિહાસને જાણી - સમજી લે પછી તપાસના રિપોર્ટ અને દર્દીની તાસીરના આધારે સારવાર નક્કી કરે છે. દર્દના બધાં જ કારણોનો અહીં ઉલ્લેખ કરવો શક્ય નથી, પણ સામાન્ય ઇજા થવાથી કે હલકી ચોટ આવી હોય તો પૂરતો આરામ લેવો ખાસ જરૂરી છે. ઈજા થયાના એક-બે દિવસ સુધી રોગીએ પૂરતો આરામ લેવો જોઈએ અને દુખાવાગ્રસ્ત અંગોને ઓછામાં ઓછો શ્રમ આપવો જોઈએ. ગરદન અને ખભાનું દર્દ હોય ત્યારે કોઈ પણ વજન ઉપાડવાનું કામ કરવું હિતાવહ નથી.
પ્રાથમિક સારસંભાળ પછી પણ જો ગરદન અને ખભાનો દુખાવો સતત ચાલુ રહે અને તેમાં કોઈ રાહત ન જણાય, વિવિધ ઉપચારો અને ઉપકરણો પણ નિષ્ફળ નીવડે ત્યારે જરૂર પડ્યે અંતિમ ઇલાજ તરીકે ઓપરેશન કરાવવું પણ એટલું જ આવશ્યક છે. જોકે આ અંગે તમને ડોક્ટર જ યોગ્ય માર્ગદર્શન આપી શકે.

આટલી કાળજી હંમેશા લો...
કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો મહત્તમ ઉપયોગ કરતાં લોકોએ ઊઠવા-બેસવા અને સૂવાની પોઝિશનમાં ખાસ ધ્યાન આપવું જોઈએ, કારણ કે તેમની ગરદન એક જ સ્થિતમાં ટટ્ટાર રહેવાને લીધે તેને યોગ્ય આરામ મળે તે જરૂરી હોય છે.
સતત એક જ જગ્યા પર બેસીને કામકાજ ન કરવું જોઈએ. કામ કરતી વખતે વચ્ચે વચ્ચે થોડોક બ્રેક લેતા રહો અને ગરદનને હળવી કસરત આપતા રહો.
દુખાવો કે મચકોડ અનુભવાય ત્યારે વધારે થાક લાગે તેવું કામ ઓછું કરવું જોઈએ. વજનવાળી ચીજવસ્તુઓ ઉપાડવાનું બંધ કરવું પોતાની તાકાતથી વધારે કામ કરવાનો આગ્રહ ન રાખવો.
રોજ સવારે ગરદન અને ખભાને હળવો વ્યાયામ આપવાની આદત પાડશો તો દિવસભર તેની ટટ્ટાર પોઝિશન ઓછી તકલીફદાયક રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter