નેવુંની વયે પણ તમને સક્રિય રાખશે કસરત

Tuesday 17th October 2023 07:41 EDT
 
 

સારવારની ઉપલબ્ધતા અને સારા મેનેજમેન્ટને કારણે લોકોનું આયુષ્ય વધ્યું છે. અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર 2050 સુધી દુનિયાભરમાં 80 વર્ષ અથવા તેનાથી વધુ વયના લોકોની સંખ્યા લગભગ 44 કરોડ થઇ જશે. જોકે ઉમર વધવાની સાથે શારીરિક સક્રિયતા ઘટી જવાથી લોકો બીજા પર નિર્ભર રહેવા લાગે છે. ટેક્સાસ એએન્ડએમ એગ્રીલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ફોર એડવાન્સિંગ હેલ્થ થ્રુ એગ્રીકલ્ચરના ડાયરેક્ટર રેબેકા સેગુઇન કહે છે કે વધતી ઉંમર છતાં લોકો આત્મનિર્ભર રહે તે ખૂબ જરૂરી છે, તેનાથી જ જીવનની ગુણવત્તા વધતી હોય છે. આ માટે કસરત સૌથી સારો ઉપાય છે.
જોકે લાખ રૂપિયાનો સવાલ એ છે કે કસરત કેટલા પ્રમાણમાં કરવી જોઇએ, ક્યારે કરવી જોઇએ. આ ઉપરાંત સવાલ તો ખરો જ કે તેના માટે યોગ્ય ઉંમર શું છે? એક્સરસાઇઝ ફિઝિયોલોજિસ્ટ અને સંશોધક એરિન હાઉડેન કહે છે કે જો તમે 90 વર્ષની ઉંમરે સક્રિય રહેવા ઇચ્છો છો, પોતાના કામ જાતે જ કરવા ઇચ્છો છો તો - ભલે મોડા તો મોડા - 60 થી 75 વર્ષની ઉંમરમાં પણ હળવી કસરત કરવાનું શરૂ કરી શકો છો.
વધતી ઉંમરમાં કસરતનો લાભ આ રીતે સમજો
• કસરત શરીરને સક્ષમ કરવા માટે આવશ્યક ચાર કોમ્પોનન્ટને સુધારે છે. દરરોજના કામ જાતે કરવા માટે ચાર શારીરિક ક્રિયાઓ કરવી જરૂરી છે. એક તો - શરીરમાં લોહી અને ઓક્સિજનનો પર્યાપ્ત સપ્લાય એટલે કે કાર્ડિયો રેસ્પિરેટરી ફિટનેસ. બીજું - મજબૂત સ્નાયુઓ અને તેમાં ક્ષમતા, ત્રીજું - ફ્લેક્સિબિલિટી અને ચોથું - ડાયનેમિક બેલેન્સ એટલે કે ચાલવા-ફરવા દરમિયાન શરીરનું સંતુલિત રહેવું. કસરત આ ચારે કમ્પોનન્ટને બહેતર બનાવે છે.
• કસરત રક્તવાહિનીને વધુ અસરકારક બનાવે છે. કસરતને જો તુલનાત્મક રૂપે યુવાવસ્થા (49 થી 55 વર્ષ)માં કરવામાં આવે તો તે વધતી ઉંમરમાં રક્તવાહિનીમાં આવતી શિથિલતાને ઘટાડી શકે છે. રક્તવાહિનીમાં શિથિલતા હાઇપરટેન્શન, સ્ટ્રોક અને હાર્ટ એટેકનું મોટું કારણ છે. આ સાથે જ રેઝિટન્સ ટ્રેનિંગ ઉંમરની સાથે સ્નાયુઓની તાકાતને જાળવી રાખે છે.
• કઇ પ્રકારની અને કેટલી કસરત કરવી જોઇએ તે જાણવું પણ જરૂરી છે. આ માટે તમારે તમારા જીપીને કન્સલ્ટ કરીને તેમનું માર્ગદર્શન મેળવવું જોઇએ. સામાન્ય સંજોગોમાં જોઇએ તો, સપ્તાહમાં 150 મિનિટ મધ્યમ તીવ્રતાની એરોબિક કસરત (અથવા 75 મિનિટ તેજ ગતિવાળી કસરત)ની સાથે સપ્તાહમાં બે દિવસ વેટ ટ્રેનિંગ અથવા રેઝિસ્ટન્સ બેન્ડથી કસરત જરૂર કરવી જોઇએ. 65 વર્ષથી વધુ ઉંમરના લોકોએ તેમાં સંતુલન અને ફ્લેક્સિબિલિટી વધારતી કસરત જેમ કે યોગને સપ્તાહમાં ત્રણ દિવસ જરૂર સામેલ કરવા જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter