પગની પિંડીના સ્નાયુઓ માનવીનું બીજું હૃદય છે

હેલ્થ બુલેટિન

Sunday 06th July 2025 09:46 EDT
 
 

પગની પિંડીના સ્નાયુઓ માનવીનું બીજું હૃદય છે
કોઈ પણ સજીવ અને ખાસ તો માનવ-શરીર કુદરતની અજબ રચના છે. આપણા શરીરમાં પોષણ અને ઓક્સિજન પહોંચાડવા માટે હૃદય નિયમિત ધબકવા સાથે રક્ત-સંચાર કરે છે. આપણે બધા આ જાણીએ છીએ, પરંતુ શું તમને ખબર છે કે હૃદય એક જ નથી. આ કોઈ રહસ્યની વાત નથી. આપણા પગની પિંડી અથવા આપણે જેને ગોટલા તરીકે પણ ઓળખીએ છે તે સ્નાયુઓ પણ ‘સેકન્ડ હાર્ટ’ તરીકે ઓળખાય છે. આપણે જ્યારે ચાલતા હોઈએ, સીડીઓ ચડતા હોઈએ અથવા ઉભાં પણ રહ્યા હોઈએ ત્યારે આ સ્નાયુઓ સંકોચાતા રહે છે અને સાચા કુદરતી પમ્પ તરીકે લોહીને ગુરુત્વાકર્ષણ બળથી વિરુદ્ધ ઉપરની તરફ એટલે કે હૃદય તરફ ધકેલવાનું કાર્ય કરે છે. રક્તવાહિનીઓમાં સંચારને ઉત્તેજન આપવું, પગમાં બ્લડ ક્લોટ્સ કે લોહીની ગાંઠ થતી અટકાવવા, પગમાં ભારેપણા અને વેરિકોઝ વેઈન્સની સંવેદના અને સોજા ઘટાડવા તેમજ ડીપ વેનસ થ્રોમ્બોસિસનું જોખમ ઘટાડવા માટે આ મિકેનિઝમ આવશ્યક ગણાય છે. આ બધું સ્નાયુઓ અને નાડીતંત્રના સ્નાયુઓના તાલમેલને આભારી છે જે લોહીને નીચે પાછું જતાં અટકાવે છે. આથી જ, લાંબા સમય સુધી બેસી રહેવું કે ઉભાં રહેવાનું નુકસાનકારક બની શકે છે. થોડું ચાલવા સહિત નિયમિત હલનચલન શરીરની રક્તસંચાર સિસ્ટમને સારી કામગીરી બજાવવામાં સહાયકારી બની રહે છે. ટુંકમાં કહીએ તો તમે માંડેલા દરેક પગલાં તમારા હૃદયને મળતી ભેટ છે. ચાલવું, હલનચલન કરવું શરીરને થોડુંઘણું મરડવું કે ઊંચુનીચું કરવું જેવી બાબતો સાદી પ્રવૃત્તિ કહેવાય છે, પરંતુ આરોગ્ય માટે આધારશિલા સમાન છે. હંમેશાં યાદ રાખજો કે તમારા પગની સારસંભાળ કે કાળજી લેવી તે હૃદયની કાળજી લેવા જેવું જ છે.

•••

દરરોજ 50 પગથિયાની ચડઉતર પણ કસરત જ છે

કસરત નિયમિત કરવી તે શરીર માટે આરોગ્યપ્રદ બાબત હોવાનું તદ્દન સાચું છે, પરંતુ વર્તમાન યુગમાં દોડાદોડી અને તણાવભરી જીંદગીમાં આ મોટા ભાગે શક્ય બની રહેતું નથી. નિયમિત કસરતના અભાવે શરીરની રોગપ્રતિકાર શક્તિ પણ નબળી પડે છે અને રોગો શરીરમાં ઘૂસણખોરી કરી જાય છે. આવા સમયે ઘર, એપાર્ટમેન્ટ કે ઓફિસ બિલ્ડીંગની સીડીઓનાં ઓછામાં ઓછાં 50 પગથિયા પણ ચડઉતર કરવામાં આવે તો શરીરને કસરતના લાભ મળી શકે છે. સીડી ચડઉતરની કસરત કાર્ડિયોવાસ્કુલર ફિટનેસ વધારે છે, બ્લડ પ્રેશર નીચું લાવે છે તેમજ સ્નાયુઓની શક્તિ અને સહનશક્તિ વધારે છે. આ એવાં પ્રકારનું વર્કઆઉટ છે જે સીડીઓ સાથેના સ્થળે કરી શકાય છે. તમને એમ પણ થાય કે કોર્પોરેટ ઓફિસ કે એપાર્ટમેન્ટ 10 કે છેક 30મા માળે હોય તો શું કરવું? આનો પણ સરળ ઉપાય છે. થોડા માળ લિફ્ટમાં ઉપર ગયા પછી ત્રણ કે ચાર માળ પહેલા બહાર નીકળી બાકીના માળ માટે સીડીનો ઉપયોગ કરી લેવો. આવું જ તમે નીચે ઉતરતી વેળા પણ કરી શકે છો. સીડીઓ ચડો ત્યારે હૃદયના ધબકારાં વધે છે. એરોબિક કસરતની માફક હૃદયને મજબૂત બનાવે અને રક્તપ્રવાહ સુધારે છે.
શરીરની કેલરી અને વધારાની ચરબી બાળવાનો સરળ ઉપાય છે. 30 મિનિટ સીડીઓ ચડવા સાથે સરેરાશ 500 કેલરી બાળી શકાય છે. વધારાની ચરબી બળવા સાથે પગ, સાથળ અને હિપ્સના સ્નાયુઓ મજબૂત બને છે. વારંવાર એક પગ ઊંચે લઈ જવાનું પુનરાવર્તન થતું રહેવાથી શારીરિક સંતુલન, મિજાજ અને નિદ્રાને સુધારવામાં પણ મદદ મળે છે. એક બાબત ધ્યાનમાં રાખવી આવશ્યક છે કે સીડી ચડવાની કસરત ટુંકા સેશન સાથે કરવી જોઈએ અને ધીમે ધીમે સમય વધારતા જવો જોઈએ. થાક લાગે ત્યારે થોડો સમય આરામ કરીને ફરી કસરતમાં જોડાઈ જવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter