પરંપરાગત ભારતીય થાળી પર્યાવરણ માટે પણ સારી

Wednesday 26th June 2019 06:06 EDT
 
 

જુવાર, બાજરી, મકાઈ અને રાગી જેવા આખા ધાન્યથી ભરપૂર પરંપરાગત ભારતીય થાળી આરોગ્યની સાથે સાથે પર્યાવરણ માટે પણ સારી હોવાનું એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. દુનિયાભરના ૧૬ દેશના ૩૭ વિજ્ઞાનીઓએ ત્રણ વર્ષના સંશોધન પછી તૈયાર કરેલા ‘ફૂડ પ્લાનેટ હેલ્થ’ રિપોર્ટમાં આ નિષ્કર્ષ રજૂ કર્યો છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને ફૂડ પ્લાનેટ હેલ્થ રિપોર્ટના મુખ્ય લેખક વોલ્ટર વિલેટ કહે છે કે આ રિપોર્ટ બનાવતી વખતે કરાયેલા સંશોધનમાં અમને જાણવા મળ્યું હતું કે ભોજનમાં ૫૦ ટકા હિસ્સો મોસમી ફળો અને શાકભાજીનો હોવો જોઈએ. આ ઉપરાંત જુવાર, બાજરી અને મકાઈ જેવું આખું અનાજ પણ હોવું જોઈએ. ૨૩૨ ગ્રામ આખા અનાજમાં સૌથી વધુ ૮૧૧ કેલરી હોય છે. જોકે ચિંતાની વાત એ છે કે, ઉચ્ચ કેલરી ધરાવતા આ પરંપરાગત આખા અનાજ હવે આપણી થાળીમાંથી ગાયબ થઈ ગયા છે. તેની ખેતી પર્યાવરણ માટે પણ સારી છે. પરંતુ હકીકત એ છે કે છેલ્લાં ૫૦ વર્ષમાં ભારતમાં આખા અનાજની ખપત ૬૦ ટકા ઘટી ગઈ છે.
પ્રો. વિલેટ કહે છે કે આ જુવાર, બાજરી, રાગી અને મકાઇ જેવા અનાજના બદલે હવે ઘઉં-ચોખાની ખેતી વધી ગઈ છે. આ બંને પાક ગ્રીનહાઉસ ગેસ પેદા કરે છે. પાણીથી ભરેલા ખેતરોમાંથી મિથેન ગેસ નીકળે છે. અનાજના ખેતરોમાં પાણી ભરવા માટે સતત પંપ ચલાવવા પડે છે. તેમાં પણ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે. ૧૯૯૦થી ૨૦૧૬ વચ્ચે દેશમાં જેટલો ગ્રીનહાઉસ ગેસ પેદા થયો, તેમાંથી ૧૬.૭ ટકા હિસ્સો ખેતીનો હતો. જોકે, તે વૈશ્વિક સરેરાશથી ૫૦ ટકા ઓછો છે. અનાજની ખેતીમાં અન્ય મોટા અનાજની તુલનામાં ૫૦ ટકા વધુ પાણી વપરાય છે.
વિજ્ઞાનીઓએ તેમના અભ્યાસના તારણના આધારે આપણા અને પર્યાવરણના આરોગ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય ડાયેટનો અહેવાલ પણ તૈયાર કર્યો છે. જેમાં તેમણે સૂચવ્યું છે કે મોસમી ફળો અને શાકભાજીથી ધરતીનું આરોગ્ય પણ સુધરે છે.
આ રિપોર્ટ પ્રમાણે ભોજનમાં પ્લાન્ટ આધારિત ફૂડ વધારે અને એનિમલ સોર્સ ફૂડ ઓછું હોવું જોઈએ. મતલબ કે ફળ - શાકભાજી વધુ અને ડેરી ઉત્પાદનો, માંસ-માછલી વગેરે ઓછું. ભોજનમાં ૫૦ ટકા હિસ્સો ઋતુ પ્રમાણેના ફળ અને શાકભાજીનો હોવો જોઇએ. બાકીના હિસ્સામાં આખું અનાજ, તેલ, નટ્સ અને એનિમલ ફૂડનો ઉપયોગ કરી શકાય. આ પ્રકારના ભોજનથી ગ્રીનહાઉસ ગેસમાં ૫૦ ટકા ઘટાડો કરી શકાય છે.

ભારતમાં ડાયાબિટીસ, ઓબેસિટી જેવી બીમારી વધી

ભારતમાં ભોજનની આદતો બગડી રહી છે. જેના કારણે છેલ્લા ત્રણ દાયકામાં ડાયાબિટીસ, ઓબેસિટી અને હૃદય સંબંધિત બીમારીમાં વધારો થઈ રહ્યો છે. ૧૯૯૦થી ભારતમાં ૨૮ ટકા મૃત્યુ આ બીમારીઓના કારણે જ થઈ રહ્યા છે. ભોજનમાં માંસ-ડેરી ઉત્પાદનોનો ઉપયોગ ખૂબ વધ્યો હોવાથી મુશ્કેલીઓ પણ વધી છે. ખાણીપીણીની અયોગ્ય આદતોના કારણે ૧.૧૬ કરોડ લોકો કમોતે મરી શકે છે. યોગ્ય ડાયેટ થકી આમાંથી ઓછામાં ઓછા ૨૫ ટકા લોકોને બચાવી શકાય તેમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter