પૂરતી ઊંઘ વિના મગજ પોતાને જ ખાવા લાગે છે

હેલ્થ બુલેટિન

Sunday 24th August 2025 07:20 EDT
 
 

પૂરતી ઊંઘ વિના મગજ પોતાને જ ખાવા લાગે છે
તમે કદાચ જાણતા હશો કે સાપ કે વીંછી જેવાં સરિસૃપ વર્ગના પ્રાણીઓ પોતાના બચ્ચાંનો કોળિયો કરી જાય છે. તમને કદાચ નવાઈ લાગશે કે આપણું મગજ પણ આવું જ કરે છે જ્યારે તેને પૂરતી ઊંઘ મળતી ના હોય. ઊંઘ ન મળતી હોય તેવાં ઊંદરો પર અભ્યાસમાં વિજ્ઞાનીઓને લાંબા સમય સુધી અપૂરતી ઊંઘ અને મગજના લાંબા ગાળાના નુકસાન વચ્ચે કડી સ્થાપિત કરતા ચોંકાવનારાં તારણો મળ્યાં છે. અપૂરતી ઊંઘના કારણે મગજના ઈમ્યુન કોષો – એસ્ટ્રોસાઈટ્સ અને માઈક્રોગ્લીઆ (astrocytes અને microglia)ને વધુ પડતા કામગરા બની જાય છે. એસ્ટ્રોસાઈટ્સ સામાન્યપણે અનાવશ્યક સાઈનેપ્સીસ (એક ચેતાકોષથી બીજા ચેતાકોષ સુધી વિદ્યુતરંગો પહોંચાડતી તંત્રિકાઓ)ની કાંટછાંટ કરે છે, પરંતુ પૂરતી ઊંઘ કે આરામ નહિ મળવાથી મગજના વધુ કનેક્શન્સ અને ભંગારને તોડવા લાગે છે. બીજી તરફ, નુકસાનગ્રસ્ત કોષોનો નિકાલ કરતા માઈક્રોગ્લીઆની કામગીરી વધી જાય છે. આમ તો આ પ્રક્રિયાઓ આરંભે તો રક્ષણાત્મક છે, પરંતુ આ કોષોની વધુપડતી સક્રિયતા અલ્ઝાઈમર્સ ડિસીઝ જેવી ન્યૂરોડિજનરેટિવ કંડિશન્સ સાથે સંકળાયેલી છે. મગજના સમારકામમાં ઊંઘ વિશેષ મહત્ત્વ ધરાવે છે. તે ઝેરી કચરાનો નિકાલ કરાવે છે, યાદદાસ્તને સુગઠિત કરે છે અને ન્યુરલ કનેક્શનોને વ્યવસ્થિત રાખે છે. ઊંઘ વિના મગજની પુનઃસ્થાપન સિસ્ટમ્સ કથળે છે, એકાગ્રતા, યાદદાસ્ત અને સંવેદનાત્મક સ્થિરતાને બગાડે છે. આપણે ઊંઘને દૈનિક જરૂરિયાત તરીકે નહિ, પરંતુ લાંબા ગાળાનાં ન્યૂરોલોજિકલ આરોગ્યના રક્ષાકવચ તરીકે નિહાળવી જોઈએ. મોડી રાત સુધી જાગી પાર્ટીઓમાં રાચનારાઓ વેળાસર ચેતી જઈ સમયસર નિદ્રાસન અપનાવતા થઈ જાય તો સારું, નહિ તો મગજ જેવું કાંઈ રહે નહિ તેવું પણ બની શકે છે.

•••

આપણને દેખાતા રંગો તો મગજની માયાજાળ છે

આપણે લાલ કે લીલાં પાન, ભૂરા આકાશ કે ગોરાડું માટી વિશે વાત કરતા હોઈએ છીએ, પરંતુ શું તમને જાણ છે કે રંગ જેવું કશું હોતું જ નથી અથવા તમે વાસ્તવમાં કદી રંગ નિહાળ્યા નથી? ખરેખર તો આ બધી મગજની માયાજાળ છે. આપણે જેને રંગ કે કલર કહીએ છીએ તે આપણા મગજ દ્વારા પ્રકાશની વિવિધ તરંગલંબાઈ કે વેવલેન્ગ્થ્સનું ડિકોડિંગ અથવા તો અર્થઘટન છે. પદાર્થવિજ્ઞાન કે ફીઝિક્સની વાત કરીએ તો લાલ, ભૂરો અથવા લીલો રંગ હોતો જ નથી. રંગો માત્ર વિવિધ ગતિ સાથે ધ્રૂજારી સર્જતી અદૃશ્ય ઈલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી છે. પ્રત્યેક વેવલેન્ગ્થ ચોક્કસ એનર્જી લેવલને સુસંગત હોય છે. આપણે જ્યારે લાલ રંગનો પ્રકાશ (આશરે 620–750 nm નેનોમીટરની તરંગલંબાઈ) અથવા જાંબલી રંગનો પ્રકાશ (આશરે 380–450 nm નેનોમીટરની તરંગલંબાઈ), જોઈએ તે વાસ્તવમાં રંગ નથી, પરંતુ સતત ધ્રૂજારી ઉત્પન્ન કરતી શુદ્ધ ઊર્જા-એનર્જી છે. આપણી આંખમાં કોન એટલે કે શંકુ આકારના સંવેદનશીલ ફોટોરિસેપ્ટર કોષો હોય છે, જે વિવિધ ચોક્કસ તરંગલંબાઈ સાથે ટ્યૂન્ડ રહે છે. આ ફોટોરિસેપ્ટર કોષોનું નેટવર્ક કલર ચેનલ સેન્સર્સ તરીકે કામ કરે છે. એક કોષ લાલ પ્રકાશનું તો બીજો કોષ લીલા રંગનું પ્રોસેસિંગ કરે છે, જે મગજને પહોંચાડાય છે. તેમના દ્વારા મળતી માહિતીનું મગજ વિશ્લેષણ કરે છે અને તેમાંથી મળતા સંકેતો અનુસાર આપણે રંગને કથિતપણે પારખીએ છીએ. તમે કદાચ ત્રિપાર્શ્વ કાચ જોયો હશે, તે શ્વેતરંગી હોય છે,પરંતુ તેમાંથી પ્રકાશ પરિવર્તિત થતો હોય ત્યારે અલગ અલગ પ્રકારના રંગો જોવા મળે છે. આપણે કોઈ પણ પદાર્થને જોઈએ ત્યારે વાસ્તવમાં તે કેવી રીતે પ્રકાશિત છે તે જ જોઈએ છીએ. અલગ અલગ લોકો ચોક્કસ રંગને પણ અલગ રીતે જ નિહાળે છે. ઘણાને લાલ કે લીલા રંગનો તફાવત જણાતો નથી કારણકે તેઓ કલર બ્લાઈન્ડ હોય છે એટલે કે તેમનું મગજ પ્રકાશને પારખી શકતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter