તમારું પેટ માત્ર ખાવાનું પચાવવાનું જ કામ નથી કરતું, તે તમારા સ્વાસ્થ્ય, મૂડ અને ઇમ્યુનિટીનું રીઅલ કમાન્ડ સેન્ટર પણ છે તે વાત બહુ ઓછા લોકો જાણે છે. આથી જ જો તમે પેટને ‘સાચવી’ લો છો તો તમારી અનેક તકલીફ દૂર થઇ શકે છે. આ માટે જરૂર છે બસ કેટલીક સાવચેતી રાખવાની. સવારે-સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ, ત્યારે પેટ ઘણાં મહત્ત્વના સંકેતો આપે છે, માત્ર આપણને તે જાણતા-સમજતાં આવડવું જોઇએ. મેડિકલ રિસર્ચના તારણ કહે છે કે 70 ટકા ઈમ્યુનિટી, મૂડ સાથે જોડાયેલા ન્યૂરોકેમિકલ અને ઘણા હોર્મોન પેટમાં બને છે.
જીભ પર સફેદ પરત એટલે પાચન તંત્રમાં ખામી
જો જીભ પર સફેદ પરત કે છારી જામેલી જોવા મળે તો તે એક સાવચેતીનો સંકેત છે. આયુર્વેદમાં તેને ‘આમ’ કહે છે એટલે કે અધુરો પચેલો ખોરાક. ટોક્સિન. આધુનિક વિજ્ઞાનના પ્રમાણે આ લિવરની ધીમી સફાઈનો સંકેત છે.
શું કરવું જોઇએ? રાત્રે ભોજનમાં હળવો ખોરાક, દરરોજ સવારે તલના તેલનું ઓઇલ પુલિંગ અને 2-3 દિવસનું હળવું ગટ ક્લીન્ઝર અસરકારક સાબિત થશે.
સવારે ફ્રેશ થવાની ઈચ્છા ન થાય તો સમજો તકલીફ છે
સવારે જાગ્યા પછી 30-45 મિનિટની અંદર વોશરૂમ જવાની ઇચ્છા ન થાય, તો સમજી લો કે તમારા પેટનું આરોગ્ય સારું નથી. આ બાબત શરીરમાં એલિમિનેશન સાઇકલ બગડવાનો સંકેત છે. તેનાથી આખો દિવસ પેટ ભારે, મૂડ ડાઉનની ફરિયાદો રહે છે.
શું કરવું જોઇએ? રાત્રે એક ચમચી ઘી લો અને ડિનરમાં દૂધી, પાણીદાર શાકભાજીને અવશ્ય સામેલ કરો. તેનાથી થોડાક જ દિવસમાં ફાયદો જોવા મળશે.
સવારે મોંમાં દુર્ગંધ પેટમાં ખરાબ બેક્ટેરિયાનો ઈશારો
જો સવારે બ્રશ કર્યા પછી પણ મોંમાં સ્મેલ આવે છે તો સમજો કે ગરબડ છે. આ બદબૂ માત્ર ડેન્ટલ પ્રોબ્લેમ નથી, પરંતુ ડાઇજેસ્ટિવ સિસ્ટમની ચેતવણી છે. તેને તબીબી ભાષામાં ‘ડિસ્બાયોસિસ’ કહે છે એટલે કે શરીરમાં સારા-ખરાબ બેક્ટેરિયાનું બેલેન્સ બગડવું છે.
શું કરવું જોઇએ? માત્ર 3-7 દિવસ ગટ રિસ્ટાર્ટ ડાયેટ લો. હળવું અને ગરમ ભોજન લો, જીરા-વરિયાળી જેવા મસાલા અને પ્રોસેસ્ડ ફૂડથી અંતર જાળવો. પાચનક્રિયા સુધરતાં જ મોંમાં સ્મેલની સમસ્યા દૂર થઇ જશે. જો આમ ન થાય તો ડોક્ટરને કન્સલ્ટ કરો.
ખાધા વિના એસિડિટી આંતરિક સોજાનો સંકેત
ઘણીવાર સવારે પથારીમાંથી બેઠાં થતાં જ એસિડિટી જેવો અનુભવ થાય છે. જો તમે સવારે ઉઠતાંવેત પેટમાં ગેસ, બળતરા કે ખાટા ઓડકાર જેવી સમસ્યા અનુભવો છો, તો તે પેટની લાઇનિંગમાં સોજાનો સંકેત છે.
શું કરવું જોઇએ? સવારે ચા-કોફીને ટાળો અને મુલેઠી (લિકરિસ) સાથે આમળાનું પાણી પીઓ. તે પેટને શાંત કરશે અને સોજો ઘટાડશે. થોડાક દિવસ મરીમસાલાવાળું કે ભારે ભોજન ટાળો, માત્ર હળવું ભોજન લો.