અમદાવાદઃ શહેરની અગ્રણી અપોલો હોસ્પિટલ્સના ડોક્ટર્સની ટીમે ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી ૪૭ કિલોની નોન-ઓવેરિયન ગાંઠ સફળતાપૂર્વક સર્જરીથી દૂર કરીને ૫૬ વર્ષીય મહિલાને નવજીવન આપ્યું છે. દેવગઢ બારિયાનાં રહેવાસી અને સરકારી કર્મચારી એવા આ મહિલાને ૧૮ વર્ષથી ગાંઠ હતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી તેઓ પથારીવશ હતાં.
ચીફ સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ ડો. ચિરાગ દેસાઇના નેતૃત્વમાં ચાર સર્જન સહિત આઠ ડોક્ટર્સની ટીમે ગાંઠ ઉપરાંત સર્જરી દરમિયાન પેટની દિવાલની લગભગ ૭ કિલોની પેશીઓ અને વધારાની ત્વચા દૂર કરી હતી. સર્જરી બાદ મહિલાના શરીરનું વજન ઘટીને ૪૯ કિલો થયું છે. તેઓ સીધા ઉભા રહી ન શકતાં હોવાથી સર્જરી પહેલાં તેમના શરીરનું વજન માપી શકાયું ન હતું.
ડો. દેસાઇએ કહ્યું હતું કે, આ ખૂબ જ જોખમ ધરાવતી સર્જરી હતી કારણ કે મહિલાના આંતરિક અંગો જેમ કે લીવર, હૃદય, કિડની અને ગર્ભાશય પેટની દિવાલમાં ગાંઠને કારણે સર્જાયેલા દબાણને કારણે વિસ્થાપિત થઇ ગયાં હતાં. ગાંઠના આકારના કારણે સીટી સ્કેન પણ કરવાનું પણ મુશ્કેલ બન્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે રક્તવાહિની ઉપર દબાણને કારણે મહિલાનું બ્લડ પ્રેશર પણ બદલાઇ ગયું હતું અને સર્જરી પહેલાં તેમને ખાસ સારવાર અને દવાઓ આપવી પડી હતી, જેથી ગાંઠ દૂર કર્યાં બાદ બ્લડ પ્રેશર ઘટવાથી કોલેપ્સ ન થઇ જાય.
ટીમના સભ્ય ઓન્કો-સર્જન ડો. નીતિન સિંઘલે કહ્યું હતું કે, પ્રજનન આયુ વર્ગમાં ઘણી મહિલાઓમાં ફાઇબ્રોઇડ સામાન્ય હોય છે, પરંતુ ભાગ્યે જ તે આટલું મોટું થાય છે. ટીમમાં એનેસ્થેટિસ્ટ ડો. અંકિત ચૌહાણ, જનરલ સર્જન ડો. સ્વાતિ ઉપાધ્યાય અને ક્રિટિકેર સ્પેશિયાલિસ્ટ ડો. જય કોઠારી સામેલ હતાં. આ તમામે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ઉલ્લેખનીય છે કે મહિલામાં ૧૮ વર્ષ પહેલાં સમસ્યાની શરૂઆત થઇ હતી, જે દરમિયાન તેમના પેટની આસપાસના ભાગમાં વજન વધ્યું હતું. શરૂઆતમાં તેમણે આયુર્વેદિક સારવાર લીધી હતી, પરંતુ તે નિરર્થક સાબિત થઇ। વર્ષ ૨૦૦૪માં તેમણે સોનોગ્રાફી કરાવી, જેમાં ગાંઠ હોવાનું જાણવા મળતાં પરિવારે સર્જરી કરાવવાનું નક્કી કર્યું. જોકે, જ્યારે ડોક્ટરે સર્જરીની શરૂઆત કરી ત્યારે જણાયું કે ગાંઠ આંતરિક અંગો સાથે જોડાયેલી હતી. જોખમને દ્યાનમાં રાખી ડોક્ટર્સે સર્જરી કરવાનું ટાળ્યું હતું.
તે સમયથી મહિલાના પરિવારજનોએ સંખ્યાબંધ ડોક્ટર્સની સલાહ લીધી, પરંતુ તે નિરર્થક સાબિત થયું. આ દરમિયાન ગાંઠનું કદ સતત વધતું રહ્યું અને છેલ્લાં બે વર્ષમાં તે લગભગ બમણું થઇ ગયું, જેનાથી તેમના જીવનની ગુણવત્તાને અસર થવાનું શરૂ થયું. આખરે પરિવારે અપોલો હોસ્પિટલ્સનો સંપર્ક કર્યો કે જ્યાં ડોક્ટર્સે સંપૂર્ણ તપાસ બાદ ૨૭ જાન્યુઆરીએ સર્જરી કરવાનો નિર્ણય કર્યો. પોસ્ટ-ઓપરેશન કેર અને રિહેબિલિટેશન બાદ ૧૪ ફેબ્રુઆરીએ મહિલાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.