પોઝિટિવ રહો, પ્રસન્ન રહો, સ્વસ્થ રહો

Tuesday 13th December 2022 15:52 EST
 
 

ઉંમર વધવાની સાથે દરેક વ્યક્તિના સ્વભાવમાં પણ પરિવર્તન આવવા લાગે છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ. વડીલોમાં ગુસ્સો અને ચીડિયાપણું વધારે જોવા મળે છે તેનું આ જ કારણ છે. તેમને વાતવાતમાં ગુસ્સો આવી જાય છે અને કોઈ પણ બાબતે ઉકળી ઉઠે છે. આ ઉપરાંત તેમને ખોટું પણ જલ્દી લાગી જાય છે, પણ આ પ્રકારના સ્વભાવમાં વડીલોએ નિયંત્રણ લાવવું જરૂરી છે. જો તમે જીવનમાં આ અભિગમ અપનાવશો તો જ ઘર-પરિવારમાં તમારું માન-સન્માન જળવાઈ રહેશે અને તમારું ઘડપણ સુખરૂપ પસાર થશે.
દરેક વ્યક્તિએ સમજી લેવાની જરૂર છે કે યુવાવસ્થા હોય કે ઘડપણ, દરેક પરિસ્થિતિમાં ચાલશે - ફાવશે અને ગમશેની નીતિ અપનાવશો તો જીવન જીવવાની મજા આવશે. ઘડપણમાં પોઝિટિવ રહેવાની વડીલોની પોતાની જવાબદારી તો છે જ પણ સાથે સાથે સંતાનોની પણ જવાબદારી છે કે તેઓ વડીલોના સ્વભાવને સમજે અને તેમને સાથ આપે. હંમેશા યાદ રાખો કે સ્વભાવની અસર સ્વાસ્થ્ય પર પણ પડતી હોય છે. આથી ખુશમિજાજ રહો, જીવન પ્રત્યે હંમેશા હકારાત્મક રહો.
ચલાવી લેવાની નીતિ અપનાવો
નોકરિયાત સંતાનો પર ઘરની અને ઓફિસની એમ બેવડી જવાબદારી હોય છે. આવી પરિસ્થિતિમાં વડીલોએ તેમનો સાથ આપવો જરૂરી છે. ઘરનાં નાનાં-મોટાં કામ કરીને તેમના કામના સહભાગી બનો. જેમ કે, બા‌ળકોની સંભાળ રાખવી, ભોજન બનાવવામાં મદદ કરવી, બજારમાંથી ઘરની ચીજવસ્તુઓ લઈ આવવી વગેરે વગેરે. આ ઉપરાંત જો ક્યારેક તમને ભોજન મળવામાં મોડું થઈ ગયું હોય અથવા તમને ન ભાવતું ભોજન બન્યું હોય તો ફરિયાદ કર્યા વગર પ્રેમથી જમી લો. આ ઉપરાંત તમે તમારા સંતાનો પાસે તમારી કોઈ વસ્તુ મંગાવી હોય ને તેઓ લાવતા ભૂલી ગયા હોય તો પણ તેમની પર ગુસ્સો કરવો નહીં કે મનદુ:ખ કરવું નહીં. તેમની વ્યસ્તતાને સમજીને તમારે પણ થોડું લેટ-ગો કરવું.
સારું બોલશો તો સારું પામશો
જાણીતી કહેવત છે કે વાણી અને પાણી હંમેશા સમજીવિચારીને વાપરવા જોઇએ. જેમ એક વખત કમાનમાંથી નીકળેલું તીર પાછું આવતું નથી તેમ એક વખત મોમાંથી નીકળેલા માઠા શબ્દો પાછા ફરી શકવાના નથી કે પરિસ્થિતિને બદલી શકવાના નથી. આથી ક્યારેય પણ એવા વચનો ન બોલવા કે જેનાથી પરિવારના સભ્યોનું દિલ દુભાય. જો તમે તમારા સ્વભાવમાં પરિર્વતન નહીં લાવો તો ઘરનું વાતાવરણ પણ બગડી શકે છે અને સંબંધો પણ ખરાબ થઈ શકે છે. આથી જ્યારે પણ બોલો સમજી વિચારીને બોલવું.
જતું કરવાની ભાવના કેળવો
જીવનમાં તનાવ કે ટેન્શનને ટાળવા હોય તો હંમેશા લેટ ગો કરવાની - જતું કરવાની ભાવના કેળવો. આ શબ્દો લખવા કે બોલવા જેટલા સહેલા છે એટલો જ તેનો અમલ અઘરો છે. પણ જો તેનો અમલ કર્યો તો જિંદગીમાં ઘણો બધો તનાવ - ટેન્શન નિવારી શકાય છે તે પણ એટલી જ હકીકત છે. જતું કરવાની ભાવના દરેકે કેળવવા જેવી છે, પણ વડીલો પાસેથી આની અપેક્ષા વધુ રાખી શકાય. કારણ? વિચારોમાં પાકટતા. વયના વધવા સાથે વ્યક્તિની વિચારસરણી પણ વધુ પરિપકવ બનતી હોય છે. સંતાનો હોય કે સ્વજનો થોડુંક જતું કરવાની ભાવના રાખવી જોઈએ.
તો ઘરનું વાતાવરણ રહેશે આનંદભર્યું
જો તમે સંતાનોની પરિસ્થિતિને સમજશો તો એ પણ તમને સમજશે અને તમારું માન જળવાઈ રહેશે. જોકે સંતાનોની પણ ફરજ બને છે કે વડીલોની જરૂરિયાત અને તેમની લાગણી - ભાવના અને વિચારોને સમજે.
આ માટે દરેક સંતાનોએ તેમના વ્યસ્ત જીવનમાંથી થોડો સમય માતા-પિતાને આપવો જોઇએ, જેથી તેમને પણ સારું લાગશે. આમ એકબીજાને સાચવશો તો ઘરનું વાતાવરણ પણ આનંદભર્યું રહેશે.
તમારા સ્વભાવની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડે છે. જો તમે સતત ગુસ્સો કરતા રહેશો અને મૂંઝાયેલા રહેશો તો તમારા મગજમાં સતત નકારાત્મક વિચારો જ આવશે, પરિણામે તમે માનસિક બીમારીઓનો ભોગ બનશો તેમજ મગજની સાથે સાથે શરીર પર પણ તેની માઠી અસર પડશે. આ માટે હંમેશાં પોઝિટિવ રહો, મનને પ્રસન્ન રાખો અને પ્રફુલ્લિત રહી જીવનનો આનંદ માણો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter