ફળને માત્ર આરોગવાથી નહીં, પણ સમયસર આરોગવાથી લાભ થાય છે

Monday 08th March 2021 06:25 EST
 
 

આધુનિક જીવનશૈલીમાં લોકો એટલા વ્યસ્ત હોય છે કે તંદુરસ્તી વિશે વિચારવાનો સમય જ નથી હોતો. કેટલીક વાર લોકો ભોજન કરવાને સમયે કામ કરતા રહેતા હોય છે. આવી આદત આપણી તંદુરસ્તીને ગંભીર નુકસાન પહોંચાડે છે. આપણને તે ધ્યાન જ નથી રહેતું કે કઈ વસ્તુને આરોગવાનો કયો યોગ્ય સમય છે. બસ આપણે પેટ ભરવા માટે કાંઈ પણ ગમે ત્યારે આરોગી લઈએ છીએ. આમાં ફળોને યોગ્ય સમયે આરોગવાનો સમય શું છે તેની જાણકારી જરૂરી છે.
પોષક તત્ત્વોથી ભરપૂર ફળ આપણી પાસે ગમેતેટલા હોય, પરંતુ યોગ્ય સમયે આરોગવામાં ના આવે તો તે લાભ કરવાને બદલે તે નુકસાન કરે છે. વાસ્તવમાં ફળ આપણા શરીરને ફ્રૂકટોઝ આપે છે. તે સરળતાથી ચરબીમાં પરિવર્તીત થઈ જાય છે. તેથી ફળોને સવારે નરણા કોઠે આરોગવામાં આવે તો ખૂબ લાભ થતો હોય છે. તમે ફળ નાસ્તામાં પણ લઇ શકો છો. સાંજે પાંચ વાગ્યા પછી ફળ આરોગવાથી પાચનતંત્ર પર વિપરીત અસર પડે છે. સંતરાને ભૂલથી પણ ખાલી પેટ ના ખાવા જોઈએ. આથી એસિડિટી થઈ શકે છે. બપોરે ચાર વાગ્યા પછીનો સમય સંતરા ખાવાનો સૌથી સારો સમય છે. દ્રાક્ષને ખાલી પેટે ખાવી લાભકારક છે. દ્રાક્ષ શરીરમાં પાણીની માત્રા બેલેન્સ કરે છે.
બપોરે ભોજન પછી કેળા આરોગવાથી સૌથી વધુ લાભ થાય છે. કેળાના મળતા પૌષ્ટિક તત્ત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દાડમને નાસ્તાને સમયે આરોગવું સૌથી બહેતર રહે છે. સવારે દાડમ આરોગવાથી શરીરમાં ઊર્જા જળવાય છે. પપૈયાની વાત કરીએ તો સવારે નાસ્તા પછી અને બપોરે લંચ પછી આરોગવું સ્વાસ્થ્ય માટે લાભકારક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter